રાજ્યનો પ્રથમ કિસ્સો, બાળસુધાર ગૃહના બાળકનો પાલક બન્યો એક પરિવાર

ફોસ્ટર કેરથી પરિવાર વંચિત બાળકને પાલક પરિવારમાં ઘર જેવું વાતાવરણ, લાગણી અને હૂંફ અને પ્રેમ મળી રહે છે.

ફોસ્ટર કેરથી પરિવાર વંચિત બાળકને પાલક પરિવારમાં ઘર જેવું વાતાવરણ, લાગણી અને હૂંફ અને પ્રેમ મળી રહે છે.

 • Share this:
  દરેક બાળકને પરિવાર અને દરેક પરિવારને બાળક મળે તેવી ઉમદા પરિસ્થિતિના સર્જન માટે સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ ફોસ્ટર કેર યોજના અમલમાં છે. ફોસ્ટર કેર એટલે બાળકની દેખરેખ અને સારસંભાળ માટે પાલક પરિવાર. આ યોજના હેઠળ ગુજરાત રાજયમાં સર્વ પ્રથમવાર ફોસ્ટર કેર (પાલક) પરિવારે સમાજ સુરક્ષા ખાતાના બાળ સંભાળ ગૃહમાં આશ્રય પામેલા એક બાળકને અપનાવ્યું છે. રાજયનો આ પ્રથમ કિસ્સો છે એ ઉલ્લેખનીય છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ (ડીસીપીયુ) દ્વારા ફોસ્ટર કેર યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે.

  ફોસ્ટર કેરથી પરિવાર વંચિત બાળકને પાલક પરિવારમાં ઘર જેવું વાતાવરણ, લાગણી અને હૂંફ અને પ્રેમ મળી રહે છે. ટૂંકા અને લાંબા ગાળાઓ માટે આવું બાળક જે તે પાલક પરિવારને સોંપવામાં આવે છે. આ આદાન-પ્રદાનમાં બાળકનું હિત સચવાય તેની સંપૂર્ણ તકેદારી લેવામાં આવે છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ 75 વર્ષના વરરાજા, 70 વર્ષની કન્યા, 60 વર્ષનાં રિલેશનશીપ બાદ લગ્ન થયું

  પાલક પરિવારને બાળકની સોંપણી પહેલા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઇલ્ડ વેલ્ફેર સમિતિ બાળક મેળવવા માટેના અરજદાર પરિવારના ઘરમાં કાળજી અને રક્ષણની જરૂરવાળા આવા બાળકને સંપૂર્ણ ઘરેલું વાતાવરણ મળશે એની ખાતરી કરે છે અને તે પછી જ જિલ્લા કક્ષાની સમિતિના અધ્યક્ષ અને સમાજ સુરક્ષા અધિકારી અરજીને માન્ય રાખે છે અને બાળક આવા પરિવારને સોંપવામાં આવે છે. રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે આવી અનેક બાળ કલ્યાણ યોજનાઓ અમલમાં મૂકી છે.

  ફોસ્ટર કેર યોજના હેઠળ રાજયના પ્રથમ પાલક પરિવાર બનવાનું માન વડોદરાના સપકાલ પરિવારને મળ્યું છે. પ્રદિપ અને સંધ્યા સપકાલે ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝના નવ વર્ષના રવિ ફુલમાળીને પતાના ઘેર તેડ્યો છે. આમ, ઘરની હૂંફથી વંચિત રવિને પરિવારની હૂંફ સાંપડી છે. આ યોજનાના નિયમ પ્રમાણે હાલમાં રવિ એક મહિના સુધી પાલક પરિવારમાં રહેશે. તે પછી રવિ અને સપકાલ પરિવારની પરસ્પર સાનુકૂળતાને આધારે પાલક પરિવારમાં તેનું રોકાણ લંબાવી શકાશે. સપકાલ દંપતિને બે વયસ્ક પુત્રો છે તેમણે પણ રવિને આવકાર્યો છે. આ યોજના હેઠળ સંતાન વંચિત હોય તેવા જ નહીં જેઓ સંતાન ધરાવે છે અને તેમ છતાં, સરકારની સંસ્થાઓના આશ્રિત બાળકોને અપનાવવા ઇચ્છે છે તો તેઓ પાલક પરિવાર બની શકે છે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમાર જણાવે છે.

  જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ ફોસ્ટર કેર યોજનાની વિગતો અને જોગવાઇઓ જાણવા તથા તેનો લાભ લેવા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવા જણાવ્યું છે. તેમણે લોકોને સરકારી આશ્રય ગૃહોના આશ્રિત પરિવાર વંચિત બાળકોને પરિવારનું સુખ મળે તેવા આશય સાથે આ યોજનામાં જોડાવાનો અનુરોધ કર્યો છે.
  Published by:Sanjay Vaghela
  First published: