Home /News /gujarat /

મેધા પાટકરને નહીં મળી હાર્દિકે શોષિત લોકોની લડત માટેની ‘વૈચારિક દરિદ્રતા’ પ્રગટ કરી

મેધા પાટકરને નહીં મળી હાર્દિકે શોષિત લોકોની લડત માટેની ‘વૈચારિક દરિદ્રતા’ પ્રગટ કરી

હાર્દિક પટેલ અને મેધા પાટકર

હાર્દિક પટેલ તેના સમાજના હક્કો માટે લડે છે તો મેધા પાટકર વર્ષોથી કચડાયેલા અને વધારે ગરીબ લોકો માટે લડે છે. એક સમાજના હક્ક માટે લડતો લડવૈયો બીજા લડવૈયાને મળે પણ નહીં ? સૌજન્ય ખાતર પણ નહીં ?

  વિજયસિંહ પરમાર

  આજથી બરોબર દસ દિવસ પહેલા જ્યારે હાર્દિક પટેલે આમરણ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી અને તેને સરકાર દ્વારા કોઇપણ જાહેર જગ્યાએ બેસવા માટે મંજુરી ન આપી ત્યારે, હાર્દિક પટેલની કેટલીક માંગણીઓ અને વિચારો સાથે સહમતિ ન ધરાવતા લોકોએ પણ એકસૂરે કહ્યુ હતુ કે, સરકાર લોકશાહીનું હનન કરી રહી છે અને હાર્દિક પટલેને વિરોધ પ્રદર્શિત કરવાનો હક છે અને આ હક તેને બંધારણે આપ્યો છે. હાર્દિક સાથે સરકાર જે વર્તન કરી રહી છે તે યોગ્ય નથી. કેમ કે, જો લોકશાહી જ નહી રહે તો, હક્કોથી વંચિત સમુદાય સરકાર સામે કેવી રીતે લડશે ?

  પણ આજે શનિવારે જ્યારે મેધા પાટકર હાર્દિક પટેલના ખબર-અંતર પુછવા માટે તેની ઉપવાસની છાવણીએ પહોંચ્યા ત્યાં તેમને આવકાર તો ન મળ્યો પણ તેમનો વિરોધ થયો અને હાર્દિક પટેલ મેધા પાટકરને મળ્યો પણ નહી. વર્ષોથી આદિવાસીઓનાં હક્કો માટે હકની લડાઇ લડતા મેધા પાટકરને નહીં હાર્દિક પટેલે તેની વૈચારિક દરિદ્રતા પ્રગટ કરી.

  જે ગુજરાતમાં સમૃદ્ધ લોકો, રોડ બનાવવા માટે કે શહેરમાં ફ્લાય ઓવર બનાવવા માટે જમીનનો એક ટુકડો આપવા તૈયાર નથી થતા પણ ‘વિકાસ’ માટે હજ્જારો આદિવાસીઓને બેઘર કરી દઇએ છીએ અને એ આદિવાસીઓ માટે લડતા લોકોને ગુજરાત વિરોધી કહી છીએ.

  હાર્દિક પટેલ તેના સમાજના હક્કો માટે લડે છે તો મેધા પાટકર વર્ષોથી કચડાયેલા અને વધારે ગરીબ લોકો માટે લડે છે. એક સમાજના હક્ક માટે લડતો લડવૈયો બીજા લડવૈયાને મળે પણ નહીં ? સૌજન્ય ખાતર પણ નહીં ? ગુજરાતના જાહેર જીવનમાં વર્ષોથી ચાલી આવતી વૈચારિક દરિદ્રતા અને પ્રતિબદ્ધતાનું હાર્દિક પટેલ વધુ એક મહોરું છે.

  છેલ્લા ચાર દાયકાથી ગુજરાતમાં નર્મદા ડેમ બાબતે દરેક સરકારો અને સરેરાશ લોકો અને વર્તમાન પત્રોએ વિસ્થાપિતો માટે કામ કરતા મેધા પાટકરને ગુજરાતમાં ‘વિલન’ તરીકે રજૂ કર્યા છે. મેધા પાટકરની આ ગુજરાતી વિરોધી ઇમેજ ગુજરાતના લોકોને સરકારી ગળથુથીમાં મળી છે પણ કોઇ એક નેતા, પાટીદારો માટે અનામત માંગે છે, ખેડૂતોના હક્કો માંગે છે, આદિવાસી અને દલિતોના હક્કોની વાત પણ કરે છે અને પોતાના ઉપવાસના સ્થળે શહિદ ભગતસિંહનો ફોટો પણ રાખે છે તે હાર્દિક પટેલ, આદિવાસીઓના હક્કો માટે લડતા મેધા પાટકરને ન મળે એ વાત અજુગતી લાગે છે અને આ ઘટના તેના વૈચારિક વિશ્વમાં શું રમી રહ્યુ છે તેને અંદેશો આપે છે.

  મેધા પાટકરનાં આંદોલન સાથે કદાચ હાર્દિક પટેલ સહમત ન પણ હોય પણ આંગણે આવેલા મહેમાનને માત્ર એટલા માટે તિરસ્કાર આપવો કે, વિરોધીઓ (અંહી ભાજપ વાંચવુ) તેની ઇમેજ ગુજરાત વિરોધીના ચોકઠામાં ન ગોઠવે અને ગુજરાતી તરીકેની ઇમેજ બરકરાર રહેવી જોઇએ.

  અહીં મુર્ધન્ય સાહિત્યકાર ઉંમાશંકર જોશીની એક ઉક્તિ યાદ આવે છે: ‘એ કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી’.

  અમુક ચોક્કસ પ્રદેશમાં કે લોકોમાં એક ચોક્કસ ઇમેજ ધરાવવાની ઘેલછા ધરાવતા લોકોની વૈચારિક પ્રતિબદ્ધતા અને ખાસ કરીને સમાજના કચડાયેલા અને વંચિત લોકો પ્રત્યેની તેમની નિષ્ઠા હંમેશા શંકાના દાયરામાં રહે છે.

  એક તરફ ગરીબો, વંચિતો અને શોષિતોના હક્કોની વાત કરવી અને બીજી તરફ ગણતરી પૂર્વક, શોષિતો માટે લડતા મેધા પાટકરને ન મળવુ એ વાત સરેરાશ માણસના મગજમાં ઉતરે એવી નથી. બલ્કે, જાહેર જીવનમાં સક્રિય એવા નેતાની સમાજનાં ગરીબો પ્રત્યે જોવાના તેની દ્રષ્ટિની સમજ આપે છે.

  સરકારની ટીકા કરતી વખતે હાર્દિક પટેલ વારંવાર એવુ કહે છે કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ છાએ પણ જો તમે નહીં માનો તો અમને ભગતસિંહના રસ્તે પણ ચાલતા આવડે છે. હાર્દિકની આ વાત પરથી એટલુ અર્થઘટન કરી શકાય કે, તેણે ગાંધીજી અંહિસક અને ભગતસિંહને હિંસક એમ બે ચોકઠામાં ગોઠવ્યા લાગે છે. કેમ કે, જે નેતા જ્ઞાતિના ચોકઠામાં ફીટ બેસતો હોય તેના પ્રત્યે બીજી અપેક્ષા ન રાખી શકાય.

  હાર્દિક પટેલને કદાચ એ ખ્યાન નહી હોય, કે ભગતસિંહનો રસ્તો શું હતો ? ભગતસિંહ નાસ્તિક હતા અને ડાબેરી વિચાર ધરાવતા હતા. માર્ક્સવાદી હતી. ગુજરાતમાં સરેરાશ લોકોને જેની સૂગ છે એ સામ્યવાદી વિચારધારા ધરાવતા હતા. માત્ર 23 વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડતા પહેલા તેમના વિચારો, લખાણો, પત્રોમાં મૂડીવાદી વ્યવસ્થા નીચે કચડાયેલા શોષિત વર્ગોને તેનાથી મુક્ત કરવાની તેમની દ્રષ્ટિ અનન્ય હતા અને તેમના વિચાર એટલા સ્પષ્ટ હતા કે તેમાં કોઇ છેડછાડ કરી શકે તેમ નથી. તેમના વિચારોનું કોઇ અર્થઘટન કરી શકે તેમ નથી.

  ભગતસિંહ એવુ માનતા હતા કે, ધર્મ એક દુષણ છે અને લોકોને તેમાંથી મુક્ત કરવા જોઇએ અને સમાજમાં સમાજવાદની રચના થાય અને ગરીબો ગુલામીની ઝંઝીરમાંથી છૂટે એ તેમનો મુખ્ય ધ્યેય રહ્યો હતો. એસેમ્બલીમાં તેમણે જે બોમ્બ ફેંક્યો હતો ત્યારે પણ તેઓ ત્યાંથી ભાગી છુટ્યા નહોતા અને તેમણે બોમ્બ એવી રીતે ફેંક્યો હતો કે, કોઇ વ્યક્તિને ઇજા પણ ન થાય. કેમ કે, ભગતસિંહ એમ કહેતા કે, દરેક મનુષ્યનો જીવ તેમના માટે પવિત્ર છે (every human is sacred). આ બોમ્બ દ્વારા અમે સામ્રાજ્યવાદી અંગ્રેજ સરકારને અમારો ક્રાંતિકારી ઇરાદો જણાવવા માંગતા હતા અને તેમા અમને સફળતા મળી છે. ઇંકલાબ જિંદાબાદ!.

  ઉપવાસના સ્થળે માત્ર ભગતસિંહનો ફોટો રાખવાથી ક્રાંતિકારી નથી બની જવાતું અને જે નેતા ઇમેજના કોથળામાં બંધાયેલો રહે છે તે કચડાયેલા વર્ગની લડત લડી શકતો નથી. રોમન સામ્રાજ્ય સામે ગુલામોની મુક્તિ માટે વિદ્રોહ કરનાર સ્પાર્ટાકસથી માંડી તારેજતરમાં અર્બન નક્સલ (શહેરી નક્સવાદીઓ)ના નામે જેમની ધરપકડ કરવામા આવી છે તે સુધા ભારદ્વાજ સહિતના લોકોએ વંચિતો માટે લડેલી લડતનો અસામાન્ય ઇતિહાસ છે. જેણે-જણે શોષિત વર્ગ માટે લડનારા માણસોને જ-તે સરકારોએ દેશદ્રોહી જ ગણી છે પણ આ લેબલની તેમને કોઇ પરવા હોતી નથી. પણ ગુજરાત વિરોધી લેબલથી બચવા માટે મેધા પાટકરને નહી મળી, ગરીબો માટે લડાઇ લડવાની વાત કરતા હાર્દિક પટેલની વૈચારક દરિદ્રતા અને શોષિત સમાજ માટે લડવાની તેની પ્રતિબદ્ધતાનો નકાબ છતો કર્યો છે.

  જાહેર જીવનમાં હક્કોની લડાઇ લડવા માટે કેવી પ્રતિબદ્ધતા હોવી જોઇએ એ માટે હાર્દિકે દુષ્યંત કુમારની એક પંક્તિ ગોખી લેવી જોઇએય આજે જાણીતા હિંદી કવિ દુષ્યંત કુમારનો જન્મ દિવસ પણ છે.

  “મેરે સિને મેં નહી, તો તેરે સિનેમે સહી, હો કહી ભી આગ લેકીન આગ લગની ચાહિયે”

  આઠ દિવસથી ઉપવાસ પર બેઠેલા હાર્દિકનું વજન ઘટી રહ્યું છે. તેના સ્વાસ્થ્યની ચિંતા સહુને હોય.

  ગેટ વેલ સુન હાર્દિક.
  Published by:kiran mehta
  First published:

  Tags: Fight, Poor, Shows, હાર્દિક પટેલ

  આગામી સમાચાર