Bopal Drugs case : અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં યુવા નબીરાને ડ્રગ્સની લત લગાવવાના કેસની તપાસ અમદાવાદ રૂરલ પોલીસ કરી રહી છે. આ કેસમાં એક બાદ એક અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. વંદિત પટેલ (Vandit Patel) અને વિપલ ગોસ્વામી (Vipal Goswami) પકડાયા પછી અમદાવાદના માલેતુજાર, વગદાર અને જાણીતા પરિવારના 100 જેટલા નબીરાઓના નામ ગાંજો, ચરસ કે ડ્રગ્સનું સેવન કરવામાં ખુલ્યા છે. જોકે આ કેસમાં નીલ વિષ્ણુભાઇ પટેલ (Neel Patel) મુખ્ય આરોપી વંદિત પટેલ પાસેથી દર અઠવાડિયે બેથી ત્રણ વાર પાંચ લાખ રુપિયાનું ડ્રગ્સ ખરીદતો હતો. જેનું ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં વેચાણ કરતો હતો.
નીલની આગોતરા જામીન અરજી ફગાવાઇ
બોપલ ડ્રગ્સકાંડના ત્રીજો મુખ્ય આરોપી નીલ વિષ્ણુભાઇ પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટમાં કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. આ કેસની સુનાવણી દરમિયાન બહાર આવ્યું છે કે, મુખ્ય આરોપી વંદિત પટેલ પાસેથી નીલ દર અઠવાડિયે બેથી ત્રણ વાર પાંચ લાખ રૂપિયાનું ડ્રગ્સ ખરીદતો હતો. નીલ આ ડ્રગ્સ ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાં વેચતો હતો. આ સાથે તે, વંદિતના બદલે વિદેશથી ડ્રગ્સના પાર્સલ મંગાવતો પણ હતો. જેની ચૂકવણી હવાલા તેમજ ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી કરતો હતો.
જે નબીરા ડ્રગ્સ લેતા હતા તેમની પૂછપરછ
પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે, આરોપીઓ વંદિત પટેલ, વિપલ ગોસ્વામી અને નીલ પટેલ સતત સંપર્કમાં રહેતા હતા. આ કેસમાં 100 જેટલા નબીરાઓ ડ્રગ્સ ખરીદતા હતા, તે તમામને પોલીસ પૂછપરછ માટે બોલાવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જેમાંથી 10 જેટલા નબીરા તો લગ્નનું બહાનું કાઢીને દુબઇ ફરાર થઇ ગયા છે.
શહેરના બોપલ વિસ્તારમાં ગત તા. 16 નવેમ્બરે રાતે અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે બાતમીના આધારે સેટેલાઈટમાં રહેતા વંદિત ભરથભાઈ પટેલ અને વેજલપુરના પાર્થ પ્રતીશકુમાર શર્માને પકડી પાડયા હતા. આ બન્ને શખ્સો પાસેથી પાંચ પેકેટ મળી આવ્યા હતા. બે પેકેટમાં 821 ગ્રામ ચરસ, એક પેકેટમાં 224 ગ્રામ મેજીક મશરૂમ, એકમાં 300 ગ્રામ હાઈબ્રીડ ગાંજો અને એકમાં 43 ગ્રામ શેટર સહિતના માદક પદાર્થ મળી આવ્યા હતા.
કુલ સાડા ત્રણ લાખના માદક દ્રવ્યો સાથે પકડાયેલા બન્ને યુવાનોએ જણાવ્યુ હતુ કે, આ નશીલા માદક પદાર્થો પોતે હિમાચલ પ્રદેશ અને અમેરિકાથી મગાવ્યા હતા. નશાકારક પદાર્થો બોપલમાં રહેતો નીલ પટેલ, શ્યામલ ચાર રસ્તા પાસે રહેતો વિપલ ગોસ્વામી, થલતેજના જીલ પરાતે અને વાપીનો આકીબ સીદ્દીકી લઈ જતા હતા. આ ડ્રગ્સનું નેટવર્ક વંદિત અને વિપલે ઉભુ કર્યું હતું. બન્ને આરોપીએ રિમાન્ડ દરમિયાન કબૂલ્યુ હતુ કે, ભારત અને વિદેશમાંથી ગાંજો, ચરસ, કોકઈન, મેજીક મશરૂમ, શેટર, એક્સટેસી પીલ્સ સહિતના અલગ અલગ પ્રકારના માદક પદાર્થ મગાવ્યાં છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર