હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવાની શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસથી દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક હાલ ભારે ચર્ચામાં છે. આ બેઠક પર અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા હતા. ભાજપનાં કાર્યકર્તાઓએ આ બેઠક પરથી હવે બીજેપીનાં અધ્યક્ષ અમિત શાહ લડે તેવી રજૂવાત કરી છે.
મહત્વનું છે ગાંધીનગરમાંથી રાષ્ટ્રીય નેતા ઉભા રહે છે અત્યાર સુધી એલ.કે. અડવાણી આ બેઠક પરથી લડતા હતાં. થોડા દિવસથી આ બેઠક માટે બે નામ ચર્ચાઇ રહ્યાં હતાં એક અમિત શાહ અને બીજા આનંદીબેન પટેલ. જોકે આજે તો બધા કર્મચારીઓનો સૂર એક જ હતો કે આ બેઠક પરથી અમિત શાહને ઉભા કરવામાં આવે. મળતી માહિતી પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની લોકસભા એન્ટ્રીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે સવારે ખાનપુર અને બપોર બાદ ગાંધીનગર કાર્યાલય ખાતે ત્રણ પ્રદેશ નિરીક્ષકો આવશે. સંભવિત ઉમેદવારો અંગે કાર્યકરો અને આગેવાનોની સેન્સ લેવામાં આવશે. આ બેઠક માટે નટુજી ઠાકોર, ડો.નીમાબેન આચાર્ય અને પૃથ્વીરાજ પટેલને ગાંધીનગર બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દાવેદારોની સેન્સ લીધી છે.
હાલ ચર્ચા તો એવી ચાલી રહી છે કે ગાંધીનગર માટે અમિત શાહનું નામ ચર્ચામાં આવતા હાલ મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદી બેન પટેલ પણ મેદાનમાં આવી ગયા છે. તેમણે પણ ગાંધીનગરથી નોંધાવી દાવેદારી રજુ કરી છે. વળી, જો પાર્ટી 75 વરસથી વધુના ઉંમરના લોકોને ટિકિટ ન આપતી હોય તો તેમણે તેમના પરિવારમાંથી કોઈને ટિકિટ અપાય તેવી લાગણી પણ વ્યક્ત કરી છે. વાત તો એવી પણ ચર્ચાઇ છે કે જો આનંદી બેનને ટિકિટ મળે તો તેમને કોઈ પ્રધાન પદ નથી જોઈતું તેવી ઈચ્છા વ્યક્ત કરી છે. આ કારણે તેમણે પોતાના સમર્થકો માટે જ 4 દિવસનો ગુજરાતનો પ્રવાસ ગોઠવ્યો હોવાનું જાણકારીમાં આવ્યું છે.
ગાંધીનગર બેઠકને બીજેપી માટે એકદમ સુરક્ષિત ગણવામાં આવે છે. બીજેપીનાં નીરિક્ષકોએ સેન્સ લીધા છે હવે કાલથી પ્રદેશ કમલમ ખાતે તમામ નામ પર ચર્ચા કરીને કેન્દ્રમાં મોકલવામાં આવશે.