Home /News /gujarat /

'ભારત કે મન કી બાત, મોદી કે સાથ,' ગુજરાતમાં બીજેપીએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

'ભારત કે મન કી બાત, મોદી કે સાથ,' ગુજરાતમાં બીજેપીએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ

રથને લીલીઝંડી આપી રહેલા રૂપાણી

બીજેપી તરફથી ''ભારત કે મન કી બાત મોદી કે સાથ'' થીમ બનાવવામાં આવી છે.

  મયુર માંકડિયા, અમદાવાદ : ગુજરાત ભાજપ તરફથી 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે આવેલા બીજેપીના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીલીઝંડી આપી હતી.

  આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની લોકસભાની 26 બેઠક પર બીજેપીના 26 રથ ફરશે. એટલે કે દરેક જિલ્લામાં બીજેપીનો ચૂંટણી રથ ફરશે. આ માટે બીજેપી તરફથી ''ભારત કે મન કી બાત મોદી કે સાથ'' થીમ બનાવવામાં આવી છે.

  સીએમ વિજય રૂપાણીએ કમલમ્ ખાતેથી બીજેપીના આ રથોને લીલીઝંડી આપી હતી. ચૂંટણી પ્રચાર માટે દરેક જિલ્લામાં ફરનાર આ રથોમાં સૂચનપેટી તેમજ ટેબલેટના માધ્યમથી લોકો સૂચન કરી શકશે. આ સાથે લોકો ટોલ ફ્રી નંબર પરથી પણ સૂચન આપી શકશે.

  આ સૂચનોને આધારે 2019ની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે, તેમ બીજેપીના નેતાઓએ જણાવ્યું હતું. નોંધનીય છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી ભાજપે ઘણા સમયથી શરૂ કરી દીધી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી તમામ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી.

  રથમાં લોકો સૂચન કરી શકે તે માટે એક ટેબલેટ પણ હશે.


  આગામી ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે બીજેપી મહેનત કરી રહી છે. આ માટે બીજેપીએ જોડ-તોડની રાજનીતિ પણ શરૂ કરી દીધી છે. સામાપક્ષે વિપક્ષ પણ લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ગઢમાં ગાબડું પાડવા માટે મહેનત કરી રહ્યો છે. આ માટે રાહુલ ગાંધી આગામી 14મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવશે તેમજ દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાવશે.

  કેન્દ્રમાં ફરી મોદી સરકાર બનશે ઃ જીતુ વાઘાણી

  આ માટે કમલમ્ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ બીજેપી અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 2019માં પણ મોદી સરકાર બનશે. મોદી લોકસભાને લઈને લોકોના મનની વાત જાણવા માટે બીજેપીએ આજથી ''ભારત કે મન કી બાત મોદી કે સાથ'' અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત 10 કરોડ લોકો પોતાના મનની વાત જણાવશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Gujarat BJP, Kamalam, Lok sabha election 2019, Vijay Rupani, ભાજપ

  આગામી સમાચાર