Home /News /gujarat /આ રહ્યા મુખ્યમંત્રી પદના સંભવિત ચહેરા !

આ રહ્યા મુખ્યમંત્રી પદના સંભવિત ચહેરા !

મુખ્યમંત્રીની ખુરશી થી લઈને મંત્રીઓની પસંદગી સુદ્ધામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભારે ચીવટ રાખવી પડશે. “પાટીદાર અનામત આંદોલન”ને પગલે  જે-તે સમયે તો આનંદીબેન પટેલના સ્થાને નહિ પટેલ, નહિ ઓબીસી એવા મધ્યમમાર્ગીય ઉમેદવાર તરીકે જૈન જ્ઞાતિના વિજય રૂપાણીની પસંદગી કરી નાખવામાં આવેલી.

મુખ્યમંત્રીની ખુરશી થી લઈને મંત્રીઓની પસંદગી સુદ્ધામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભારે ચીવટ રાખવી પડશે. “પાટીદાર અનામત આંદોલન”ને પગલે  જે-તે સમયે તો આનંદીબેન પટેલના સ્થાને નહિ પટેલ, નહિ ઓબીસી એવા મધ્યમમાર્ગીય ઉમેદવાર તરીકે જૈન જ્ઞાતિના વિજય રૂપાણીની પસંદગી કરી નાખવામાં આવેલી.

વધુ જુઓ ...
અમદાવાદ: આખરે છઠ્ઠી વાર સત્તા મળી રહી છે ભાજપને ગુજરાતમાં. જોકે હવેનો માર્ગ બહુ સંઘર્ષપૂર્ણ રહેશે. ગુજરાતની જનતાએ જે ચુકાદો આપ્યો છે, તે ખરા અર્થમાં ગુજરાતીઓને છાજે એવો છે. મુખ્યમંત્રીની ખુરશી થી લઈને મંત્રીઓની પસંદગી સુદ્ધામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ભારે ચીવટ રાખવી પડશે. “પાટીદાર અનામત આંદોલન”ને પગલે  જે-તે સમયે તો આનંદીબેન પટેલના સ્થાને નહિ પટેલ, નહિ ઓબીસી એવા મધ્યમમાર્ગીય ઉમેદવાર તરીકે જૈન જ્ઞાતિના વિજય રૂપાણીની પસંદગી કરી નાખવામાં આવેલી. પરંતુ હવે જ્ઞાતિ-જાતિ અને  પ્રાંત-પ્રદેશને ધ્યાને રાખીને મુખ્યમંત્રીપદની પસંદગી ભાજપ મોવડીમંડળે કરવી પડશે.

"ન્યૂઝ18 ગુજરાતી" દ્વારા આ મામલે કેટલાક શક્યતાદર્શી ઉમેદવારો પર નજર કરવામાં આવી છે :

સ્મૃતિ ઈરાની : આ નેતા ફાયર-બ્રાન્ડ, જ્ઞાતિ-જાતિ સમીકરણોથી પર, મોદીજીના કૃપાપાત્ર, યુવાન અને ભારે બોલકા છે. પરેશ ધાનાણી, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી સામે તર્ક-વિતર્ક કરી શકે, સભાગૃહની અંદર ધાક જમાવીને વિપક્ષને કાબુ કરી શકે અને વહીવટીતંત્ર ઉપર પણ પકડ રાખી શકે તેવી તેમની પ્રતિભા હોઈ, સ્મૃતિ ઈરાની એક સારો વિકલ્પ હોઈ શકે છે

આર.સી.ફળદુ : ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ, પાટીદાર નેતા, સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ, "કહ્યાગરા કંથ" જેવી માનસિકતા ધરાવતા અને ઘણુંખરું નિરુપદ્રવી અને મોટાભાગે કેન્દ્રીય મોવડીમંડળનું અક્ષરશઃ પાલન કરે તેવા નેતા હોઈ, ફળદુ પણ એક ઉચિત વિકલ્પ આ પદ માટે બની શકે છે.  સંઘાણી-બાવકુ હારી ચુક્યા છે. પુરુષોત્તમ રૂપાલાની રાજ્યસભાની ટર્મ પુરી થઇ રહી છે. પરેશ ધાનાણી કોંગ્રેસમાંથી સબળ નેતા તરીકે ઉભરી આવ્યા છે. ઉત્તર ગુજરાતમાંથી નીતિન પટેલ સિવાય કોઈ મજબૂત પાટીદાર નેતા પક્ષ પાસે ના હોઈ, આ તમામ પરિસ્થિતિમાં આર.સી.ફળદુ ની પસંદગી થઇ શકે છે.

આનંદીબેન પટેલ : જે વ્યક્તિને કારણે તેમણે કથિતરૂપે પદ ગુમાવવાનો વારો આવ્યો હતો, તે વ્યક્તિને કારણે જ ફરી આનંદીબેન ને આ પદ પુનઃ મળી શકે છે. જો કે, જે-તે સમયે ઉંમરનું બહાનું તેમની સામે રજુ થયું હતું; તે સ્વીકારીને તેમણે ભાજપ નેતાગીરીના અથાગ પ્રયત્નો છતાં ચૂંટણી નહિ લડી તેમની પ્રતિબદ્ધતા કાયમ રાખી છે. પાતળી બહુમતી પછી ભાજપને હાર્દિક અને અન્યોની સામે કડક હાથે કામ લઇ શકવાની ક્ષમતા કેવળ આનંદીબેનમાં જ છે. ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ, વિરોધોને ડામી દેવાની તાકાત, પટેલ ઉમેદવાર, મોદીજીની 'ગુડ બુક'માં હોવું આ બધા પાસાં ફરીથી આનંદીબેનને ગુજરાતના ઉચ્ચપદે બેસાડે તો નવાઈ પામવા જેવું નથી !

વિજય રૂપાણી : વિજય રૂપાણી ભાજપ માટે "સ્ટોપ-ગેપ એરેન્જમેન્ટ" હતા એવું કહીશું તો અનુચિત નહિ લાગે. રૂપાણીએ વિજય જરૂર મેળવ્યો છે, પણ હાર્દિક-અલ્પેશ-જીગ્નેશ અને કોંગ્રેસ સામે ગૃહ અને ગૃહની બહાર તેઓ કેટલી ઝીંક ઝીલી શકશે તેનો ડર પાર્ટીને સતાવી રહ્યો છે. વળી, તત્કાલીન સમયે વિજય રૂપાણીની પસંદગી એ માત્ર જ્ઞાતિ-જાતિ સમીકરણોથી પર હોય તેવા નેતાની પસંદગી કરવાનો હતો અને રૂપાણી તેમાં ‘ફિટ’ બેસતા હતા એટલે પદ આપી દેવાયું. જો કે, 2017ની ચૂંટણી લડતી વખતે ભાજપે વિજય રૂપાણીના નેતૃત્વમાં જ  ચૂંટણી લડાશે તેવા સંકેતો આપ્યા હતા એ વાતને જો ભાજપ વળગી રહે તો વિજય રૂપાણીની તેમનું પદ જાળવી શકે છે

વજુભાઇ વાળા : કર્ણાટકના રાજ્યપાલ અને લાંબા સમય સુધી ગુજરાતના પ્રધાનમંડળમાં નાણામંત્રી રહી ચૂકેલા વજુભાઇ ઓબીસી સમુદાયનો ચહેરો છે. સૌરાષ્ટ્રના કદાવર નેતા છે. મોવડીમંડળના કહ્યાગરા છે. સ્વભાવે રમુજી છે એટલે ગંભીર વાતોને મજાક-મસ્તીથી નીવારી શકવાની ક્ષમતા પણ ધરાવે છે. આ તમામ કારણોસર જો તેમની પસંદગી થાય તો નવાઈ નહિ !

મનસુખ માંડવિયા : સૌરાષ્ટ્રનો સૌમ્ય, સરળ અને સ્વીકાર પામી શકે તેવો પાટીદાર ચહેરો. પાટીદાર અનામત આંદોલન વખતે તમણે કરેલી મધ્યસ્થીની ભૂમિકા અને ખાસ કરીને સુરતના પાટીદારોને સમજાવવામાં તેમણે અદા કરેલા રોલને ભાજપ મોવડીમંડળ ગંભીરતાથી લઇ શકે છે. વળી, રાજ્યસભામાં તેમની ટર્મ પુરી થતી હોઈ, કોઈ યોગ્ય પદ તેમને અપાય તે દૃષ્ટિથી એક વિકલ્પ તરીકે તેમનો પણ વિચાર થઇ શકે છે.

નીતિન પટેલ : વિજય રૂપાણીની પસંદગી થઇ તે વેળા નીતિનભાઈ ની દાવેદારી પ્રબળ હતી. તેઓ મુખ્યમંત્રી બની ગયા છે તે મતલબની સબળ પરિસ્થિતિ સુદ્ધા નિર્માણ થઇ ચુકી હતી, પરંતુ અંતિમ ક્ષણોએ પાસાં બદલાઈ ગયા અને નીતિનભાઈને ડેપ્યુટીના પદથી સંતોષ માનવો પડ્યો. "પાટીદાર અનામત આંદોલન"ના એપિસેન્ટર એવા મહેસાણા, વિસનગર, કડી, ખેરાલુ બેઠક ઉપર ભાજપ વિજેતા બન્યું છે. શક્ય છે કે પાટીદારોના સ્વીકૃત નેતા તરીકે  નીતિન પટેલની પસંદગી મોવડીમંડળ કરે તો પાટીદારોના પ્રશ્નનોને કદાચિત વાચા આપી શકાય.
First published:

Tags: R C Faldu, Smriti Irani, Vajubhai Vala, Vijay Rupani, આનંદીબેન પટેલ, ગુજરાત ચૂંટણી, નિતિન પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन