ન્યૂઝ18 ગુજરાતી: અમદાવાદ પૂર્વ લોકસભાની બેઠક પર આ વખતે કોંગ્રેસે પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખીને ગીતાબેન પટેલને ટિકીટ આપી હતી જોકે આ વખતે પણ અમદાવાદ પૂર્વમાં લોકોએ ભાજપ પર જ વિશ્વાસ મુક્યો છે અને હાલમાં શરૂઆતી વલણ મુજબ ભાજપનાં હસમુખ પટેલ આગળ છે. જ્યારે કોંગ્રેસનાં ગીતાબેન પટેલ પાછળ છે. ભાજપનાં હસમુખ ભાઇ પટેલ 45,000થી વધુ મતથી આગળ હતા જે બાદ તેઓ જંગી મતથી અમદાવાદ પૂર્વની બેઠક જીતી ગયા છે.
અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકમાં મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારો તેમજ અમદાવાદ જિલ્લાનો સમાવેશ થાય છે. નવા સીમાંકન બાદ 2008માં આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. અમદાવાદ પશ્ચિમ કરતાં આ બેઠક એકદમ અલગ પ્રકારની છે. અહીં દેશના અનેક રાજ્યોમાંથી આવેલા લોકો વસવાટ કરે છે. આ બેઠકમાં ઉત્તર ભારતીયો તેમજ સૌરાષ્ટ્ર તથા હિરાના વેપારીઓનો બહોળો વર્ગ રહે છે. એક જમાનામાં અહી કાપડની મિલો ધમધમતી હતી અને મિલના ભૂંગળાના અવાજ સાથે દિવસની શરૂઆત થતી હતી. તમામ જ્ઞાતિ, ધર્મ અને ભાષાના લોકો આ વિસ્તારમાં રહે છે.
જ્યારે આ બેઠક પરથી ભાજપમાંથી અમરાઈવાડી બેઠક ઉપરના ધારાસભ્ય હસમુખ પટેલને આ બેઠક ઉપરથી ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી આ બેઠક પર ગીતા બેન પટેલને ટિકિટ આપવામાં આવી છે. અહીં પટેલની સામે પટેલની ટિકિટ કોને ફળે છે હવે તે જોવાનું છે.
સાંસદનું રિપોર્ટ કાર્ડઃ
છેલ્લા 5 વર્ષમાં પરેશ રાવલ પર આયાતી ઉમેદવાર તરીકે અનેકવાર આક્ષેપ થયા છે. કેટલીક વખત અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં સાંસદ મિસિંગના પોસ્ટર પણ લાગ્યા હતા. મતવિસ્તારમાં ગેરહાજર રહેનાર પરેશ રાવલની લોકસભામાં સતત હાજરી જોવા મળી છે. છેલ્લા 5વર્ષમાં પરેશ રાવલે જુદા-જુદા કાર્યક્રમોમાં 78 વખત અમદાવાદની મુલાકાત લીધી છે. પરેશ રાવલની 1.50 કરોડથી વધુની ગ્રાન્ટ તેમના દત્તક ગામ સહિત 7 વિધાનસભા તથા અમદાવાદ જિલ્લા પંચાયતમાં વિકાસ કાર્યો માટે વાપરવામાં આવ્યો છે. પરેશ રાવલે પોતાની ગ્રાન્ટનો સૌથી મહત્તમ ઉપયોગ પ્રાથમિક શાળાઓ આંગણવાડી નિર્માણ પાછળ કર્યો છે
સંપત્તિ અને ભણતર
બંને ઉમેદવારનાં ભણતર અને સંપત્તિની વાત કરીએ તો.. ભાજપનાં હસમુખ પટેલ ડિપ્લોમા પાસ છે. અને તેમની પાસે 4.15 કરોડની સંપત્તિ છે. જ્યારે કોંગ્રેસનાં ગીતા બેન પટેલ માત્ર 10મું ધોરણ પાસ છે અને તેમની સંપત્તિ 97 લાખ રૂપિયા છે.
સામાન્યતઃ આ બેઠક ભાજપની ગણાય છે. જો કે, આ વખતે બંને ઉમેદવાર પાટીદાર છે એટલે આ મતદાતાઓ કઈ તરફ વળે છે તે જોવું રહ્યું.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર