એકતરફ દેશવાસીઓને ડિજીટલ વ્યવસ્થા પર સરકાર ભાર મુકી રહી છે. પરંતુ ગુજરાતનાં મુખ્યમંત્રી પાસે તેમનું કોઇ ઇમેઇલ આઇડી નથી કે નથી તેમનો કોઇ ઓફિશિયલ ફોન નંબર. આ સિવાય મુખ્યમંત્રીને કોણ મળવા આવે છે? છેલ્લા એક વર્ષમાં સીએમ કોને મળ્યા ? એ વિશેની પણ કોઇ માહિતી સીએમઓ ઓફિસ પાસે નથી. માહિતી અધિકારનાં કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતીમાંથી ખુલી છે. એક RTI એક્ટિવિસ્ટે આ વિગતો માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી.
આરટીઆઇની માહિતીમાં એવો ખુલાસો થયો છે કે, સીએમ વિજય રૂપાણી ખુદ પાસે ઇ-મેઇલ આઇડી નથી. તેમજ તેમની પાસે સરકારી કોઇ મોબાઇલ નથી. આ ઉપરાંત, છેલ્લા વર્ષ દરમિયાન કેટલા લોકોએ સીએમની મુલાકાત કરી, તે અંગેની માહિતી પણ સીએમઓ પાસે નથી.
આરટીઆઇ એક્ટિવિસ્ટ મુજાહિદ નફીસે જણાવ્યું કે,મેં આરટીઆઈ દ્વારા જવાબ માંગ્યો હતો કે, મુખ્યમંત્રીનું ઈમેલ એડ્રેસ શું છે, તેમની પાસે કેટલા મોબાઈલ નંબર છે, અને તેનું કેટલું બિલ ભર્યું છે. અને તેમને એક વર્ષમાં કેટલા લોકો મળવા આવ્યા.? આ બધા પ્રશ્નમાં મને જવાબ આપવામાં આવ્યો કે મુખ્યમંત્રી પાસે કોઈ ઈ-મેઈલ એડ્રેસ નથી. આ સરકાર ડિઝિટલ ઈન્ડીયાની મોટી વાત કરે છે, ત્યારે મને જે જવાબ મળે છે. તે જાણી મને આશ્ચર્ય થયું છે, દેશમાં ગુજરાતને મોડલ માનવામાં આવે છે અને તે રાજ્યના સીએમ પાસે ઈ-મેઇલ આઈડી નથી તે એક શરમજનક બાબત કહેવાય.
કોંગ્રેસે આ મામલે સરકાર પર પ્રહાર કરી સરકારી તંત્રને પેરાલિસિસ થયો હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનિષ દોશીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ઓફિસ પાસે એવી માહિતી નથી કે સીએમને કોણ કોણ મળવા આવ્યું, એનાથી પણ મોટી વાત એ છે કે, મુખ્યમંત્રી દ્વારા અત્યાર સુધીમાં શું શું ઘોષણા કરવામાં આવી તેની પણ સીએમ કાર્યાલય પાસે વિગત નથી.