Home /News /gujarat /'ઢબુડી મા' મામલે ભારતી બાપુની પ્રતિક્રિયા : 'પરમાત્યા સિવાય તમારું દુઃખ કોઈ નહીં ભાંગે, ધતિંગોથી દૂર રહો'

'ઢબુડી મા' મામલે ભારતી બાપુની પ્રતિક્રિયા : 'પરમાત્યા સિવાય તમારું દુઃખ કોઈ નહીં ભાંગે, ધતિંગોથી દૂર રહો'

ભારતી બાપુ

"ગુજરાતની ધાર્મિક પ્રજાને હું કહીશ કે ઢોંગ, ધતિંગમાં ફસાશો નહીં, પરમાત્મા સિવાય તમારું દુઃખ ભાંગવાની કોઈનામાં શક્તિ નથી. આપણે જેમને જાણતા હોઈએ એવા સાધુ સંતો અને દેવી દેવતાઓને અનુસરીએ."

  વીભુ પટેલ, અમદાવાદ : રાજ્યના પાટનગર ગાંધીનગરની નજીક આવેલા રૂપાલના ધનજી ઓડ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ધનજી ઓડે 'ઢબુડી મા'ના નામે અંધશ્રદ્ધાની હાટડી ખોલી હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. બે દિવસથી આ મામલે મીડિયામાં સમાચારો ચમકતા સાધુ-સંતોથી લઈને 'ઢબુડી મા'ના અનુયાયીઓ પણ નિવેદનો આપી રહ્યા છે. આ મામલે ન્યૂઝ18 ગુજરાતીએ સરખેજ અને જૂનાગઢ ખાતે આવેલા શ્રી ભારતી આશ્રમના વડા મહામંડલેશ્વર ભારતીબાપુનો મત જાણ્યો હતો. પ્રસ્તૃત છે ભારતીબાપુ સાથે ન્યૂઝ18 ગુજરાતીની વાતચીતના અંશો:

  સવાલ : ઢોંગીઓ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, શું કહેશો?

  જવાબ : "આપણે ત્યાં એક કહેવત છે કે, 'પંડિત કો પૂરબ ભલા, જ્ઞાની કો પંજાબ. મુરખ કો ભલા માળવા ઔર ઢોંગી કો ગુજરાત.' આવી જ રીતે 'લોભી હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે' તેમ ગુજરાતમાં વારંવાર ઢોંગીઓ સામે આવતા રહે છે. ગુજરાતની ભોળી જનતાને આ લોકો યેનકેન પ્રકારે પ્રલોભનોના નામ ઢોંગ કરી અંધશ્રદ્ધાં ફેલાવે છે. આપણે જેને જાણતા હોઈએ, જેના પરિવારને જાણતા હોઈએ, જેની પરંપરાને જાણતા હોઈએ એવા માણસમાં જ વિશ્વાસ નથી કરતા. કારણ કે આવા લોકો કોઈ પ્રલોભનો નથી આપતા. હાલ પણ નૈતિક રીતે સારા કામો કરતા લોકો છે, પરંતુ તેમાં આપણી શ્રદ્ધા નથી. પરંતુ ઢોંગીઓને આપણે પોષીએ છીએ. આવા લોકોથી ગુજરાતની ભોળી પ્રજાએ બહુ ચેતવાની જરૂરી છે. વારંવાર આવા બનાવો સામે આવે છે. લાખો માણસો આની પાછળ કેમ આકર્ષાય છે તે ખબર નથી પડતી. જેના વિશે કંઈ જાણતા નથી તેની જાળમાં આપણે કેમ ફસાઈએ છીએ? ગુજરાતની ધાર્મિક પ્રજાને હું કહીશ કે ઢોંગ, ધતિંગમાં ફસાશો નહીં, પરમાત્મા સિવાય તમારું દુઃખ ભાંગવાની કોઈનામાં શક્તિ નથી. આપણે ઢોંગીઓની જાળમાં ફસાયા વગર આપણે જેમને જાણતા હોઈએ એવા સાધુ સંતો અને દેવી દેવતાઓને અનુસરીએ." (આ પણ વાંચો : 'ઢબુડી મા'નો પર્દાફાશ : જુઓ, કેવો છે ચૂંદડી પાછળનો ચહેરો)  સવાલ : અધિકારીઓ પણ 'ઢબુડી મા'ના ભક્તો હતા, શું કહેશો?

  જવાબ : આવા માણસોને આપણે લાલચમાં આવીને કંઈકને કંઈક મેળવવાની ઈચ્છાથી પૂજતા હોઈએ છીએ. જે માણસો પોતાના ધર્મને જાણતા નથી, પોતાની નૈતિકતા જાણતા નથી એવા લોકો પાછળ આપણે શા માટે પાગલ થઈએ છીએ? મને લાગે છે કે પ્રલોભનોમાં આવીને લોકો ફસાતા હોય છે. સમજુ માણસો ક્યારેય આવા ધતિંગોમાં ફસાતા નથી."  સવાલ : તમે માનો છો આ લોકો હિન્દુ સંસ્કૃતિને ઠેંસ પહોંચાડી રહ્યા છે?

  જવાબ : આવા પાખંડી લોકો ધર્મના ઓઠા હેઠળ પોતાના સ્વાર્થ સાધતા હોય છે. આપણે જાગૃત રહીને કોઈનો આચાર અને વિચાર જાણ્યા બાદ જ કંઈક કરવું જોઈએ. ગુજરાતની શાણી પ્રજા આમાં ફસાય છે તે ખરેખર આશ્ચર્યની વાત છે. આવા ધતિંગથી તમારું કંઈ કલ્યાણ નહીં થાય તમારી પાસે જે હશે એ પણ જતું રહેશે."
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Dhabudi Maa, Religion

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन