વડોદરા: રીંછના હુમલાથી (bear attack) સંપૂર્ણપણે વિકૃત થઈ ગયેલા વ્યક્તિના ચહેરાને વડોદરાની સરકારી SSG હોસ્પિટલમાં (plastic surgery at SSG Hospital, Vadodara) પ્લાસ્ટિક સર્જનો દ્વારા સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી. બહાર ખૂબ જ ખર્ચાળ એવી સર્જરી સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ ક્રિટિકલ સર્જરી 300 ટાંકા સાથે કરવામાં આવી છે. છોટા ઉદેપુરના પાવીજેતપુર તાલુકાના અંબાપુર ગામમાં રહેતા 25 વર્ષીય ધર્મેશ રાઠવા પર 1 જાન્યુઆરીના રોજ રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તે પોતાના ખેતરથી પાછો ફરી રહ્યો હતો. તે દરમિયાન રીંછે તેની પર હુમલો કર્યો હતો.
ચહેરા પરથી માંસ બહાર આવી ગયુ હતુ
પહેલી તારીખે અંબાખુટ ગામના ધર્મેશભાઈ રાઠવા સાંજે 7.30 વાગ્યાની આસપાસ પોતાના ખેતરેથી પરત ફરી રહ્યા હતા. ત્યારબાદ રીંછે ધર્મેશ પર હુમલો કર્યો હતો. હુમલામાં રીંછે ધર્મેશનું મોઢું ગંભીર રીતે કરડ્યુ હતું. આ યુવકના ચહેરા પર ગાલ, કપાળ, આંખ, નાક બધે જ કરડ્યો હતો. જેના કારણે માંસના લોચા પણ બહાર આવી ગયા હતા. રીંછના હુમલામાં ધર્મેશને ગંભીર ઇજા થતાં પાવી જેતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. તેની હાલત નાજુક હોવાથી તેને પ્રાથમિક સારવાર આપી વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ચાર કલાકમાં 300 ટાંકા લીધા
તાજેતરમાં સયાજી હોસ્પિટલના આ વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધને પાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી છે. ખતરનાક રીંછના હુમલાને લીધે જેનો ચહેરો સાવ ક્ષતવિક્ષત થયો હતો. ડો.શૈલેષકુમાર સોની અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તેમના સહયોગી તબીબો, એનેસ્થેસિયા વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફે 300 ટાંકા લઈને અને ચાર કલાકની પ્લાસ્ટિક સર્જરી કરી હતી.
આ અંગે ડો.સોની કહે છે કે, ખાનગી હોસ્પિટલમાં જો આ ઈજાગ્રસ્તને સારવાર મળી હોત તો ઓછામાં ઓછો ચાર લાખ રૂપિયા ખર્ચો થયો હોત. અમારી સરકારી હોસ્પિટલમાં આ મોંઘી સર્જરી લગભગ વિનામૂલ્યે થતી હોવાથી ઈજાગ્રસ્તને ખૂબ મોટી આર્થિક રાહત થઈ છે. સયાજી હોસ્પિટલમાં પ્લાસ્ટિક સર્જરીની ઉપલબ્ધ સેવાઓની જાણકારી વધતા હવે અમારા વિભાગની ઓપીડીમાં તેની જરૂરિયાતવાળા દૈનિક 60થી વધુ લોકો તબીબી તપાસ કરાવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર