Home /News /gujarat /કેમ છે નહિ, પૂછો 'સ્કેમ' છે ! : ત્રણ મહિનામાં રાષ્ટ્રીયકૃત બેંકો સાથે થઇ રૂ.24,899 કરોડની ઠગાઈ

કેમ છે નહિ, પૂછો 'સ્કેમ' છે ! : ત્રણ મહિનામાં રાષ્ટ્રીયકૃત બેંકો સાથે થઇ રૂ.24,899 કરોડની ઠગાઈ

મોદી સરકાર ‘કાળું નાણું’ વિદેશી બેન્કોમાંથી ક્યારે લાવશે એ તો ખબર નથી, પરંતુ પ્રજાની મહેનતના પૈસા પણ આ સરકાર સંચાલિત બેંકોમાં સલામત નથી તે સાબિત થઇ ગયું ।

મોદી સરકાર ‘કાળું નાણું’ વિદેશી બેન્કોમાંથી ક્યારે લાવશે એ તો ખબર નથી, પરંતુ પ્રજાની મહેનતના પૈસા પણ આ સરકાર સંચાલિત બેંકોમાં સલામત નથી તે સાબિત થઇ ગયું ।

સંજય કચોટ

મોદી સરકાર ‘કાળું નાણું’ વિદેશી બેન્કોમાંથી ક્યારે લાવશે એ તો ખબર નથી, પરંતુ પ્રજાની મહેનતના પૈસા પણ આ સરકાર સંચાલિત બેંકોમાં સલામત નથી તે સાબિત થઇ ગયું । સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડાઓ અને ફરિયાદ અનુસાર, છેલ્લા ત્રણ મહિનાનો હિસાબ માંડીએ તો રાષ્ટ્રીયકૃત બેંકો સાથે થયેલી ઠગાઈની રકમ રૂ. 24,899 કરોડ સુધી પહોંચે છે.

આ બેંકોમાં પંજાબ નેશનલ બેંક, આંધ્ર બેંક, બેંક ઑફ બરોડા, આઈડીબીઆઈ બેંક, સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા, ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ સહિતની બેન્કોનો સમાવેશ થઇ જાય છે. કહેવાય છે કે, આઇસીઆઇસીઆઇ બેંક, વીડિયોકોન અને અન્ય કેટલાક મોટા કોર્પોરેટ હાઉસોના કૌભાંડો આવી રહ્યા છે. જો કે, આ વાતમાં કેટલું તથ્ય છે તેની રાહ જોઈએ. આપણી પાસે સીબીઆઈ, સેબી, ઇડી, આરબીઆઇ જેવી સંસ્થાઓ છે જ ને ? કૌભાંડ થયેથી તપાસ કરી જ લેશે, ઉતાવળ કરવાની કે સજાગ થવાની કોઈ જરૂર નથી.

વિદેશી બેન્કોમાંથી કાળું નાણું શોધી લાવવા અને દેશમાં ‘કાળાં નાણાં’ની અટકાયત માટે નિવૃત જસ્ટિસ એમબી શાહની અધ્યક્ષતામાં એક "સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમ"(એસઆઇટી)ની રચના વડાપ્રધાને તેમનો કાર્યકાળ સંભાળ્યાના બીજા જ દિવસે એટલકે કે 25 મે, 2014ના રોજ કરી દીધી હતી. યાદ છે ? ભૂલી ગયા ને !

ફરી એક વખત કાળાં નાણાંને નાથવાના પ્રયાસરૂપે 8 નવેમ્બર, 2016 નોટબંધીનું તરકટ રચાયું । પ્રજા હેરાન થઇ પણ કંઈ નક્કર થયું નહિ. 'નોટબંધી' પછી તો ઘણી આવનવી ઘટનાઓ નાણાંબજાર અને વ્યાપારી જગતમાં બની પરંતુ છેલ્લા ત્રણેક મહિનામાં બેન્કિંગ ક્ષેત્રમાં જે બની ગયું તેનાથી હાહાકાર મચી ગયો છે. સામાન્ય માણસ ખાનગી, વાહન, ઘર કે શિક્ષણની લૉન લેવા જાય ત્યારે બેંકો દસ્તાવેજો રજુ કરવા અને ગીરોખતના મુદ્દે લોકોના આંખે અંધારા લાવી દે છે. આ પછી પણ જો ક્યારેક ઇએમઆઇ ભરવામાં મોડું થાય તો સતત ફોન, દંડ અને સિઝ કરવાની ધમકી આપીને બેંકો લોકોની ઊંઘ હરામ કરી દે છે. પરંતુ આ કરોડોના કૌભાંડ કરનારા લોકો સામે કંઈ પણ નક્કર કાર્યવાહી થઇ આજદિન સુધી ? યાદ પણ આવે છે ?

ચાલો જાણીએ રાષ્ટ્રીયકૃત બેંકો સાથે છેલ્લા ત્રણેક મહિનામાં થયેલી રૂ.24899 કરોડની ની ઠગાઈ અંગે થોડુંક વિસ્તૃત રૂપે :

આઈડીબીઆઈ અને રૂ.772 કરોડ

આંધ્રપ્રદેશમાં આઈડીબીઆઈ બેંકની પાંચ અલગ-અલગ શાખાઓમાંથી 772 કરોડ રૂપિયાની લોન લઇ છેતરપિંડી કરવાનો મામલો તારીખ 27 માર્ચના રોજ સામે આવ્યો.આ લોન 2009 થી 2013 દરમિયાન મત્સ્ય ઉદ્યોગ માટે આપવામાં આવી હતી. માછલીઓના જ્યાં તળાવ જ નથી તેવી જગ્યાના નકલી લીઝના દસ્તાવેજો રજૂ કરીને આ ઠગાઈ આચરવામાં આવી. બશીરબાગ અને ગંટુર શાખાઓમાં આ અંગે પાંચ ફરિયાદ થઇ. આ ઘટનાની સીબીઆઈ તપાસ ચલાવી રહી છે.

યુનિયન બેંક ઑફ ઇન્ડિયા અને રૂ. 1,394 કરોડ

હૈદરાબાદની સ્થિત કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે સંકળાયેલી  'ટોટેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ" કંપનીના ડિરેકટર્સ ટોટેમપુડી  સલાલીથ અને ટોટેમપુડી કવીથા દ્વારા યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયાની હૈદરાબાદ સ્થિત 8 સહયોગી શાખાઓ સાથે લગભગ રૂ.1,394 કરોડની ઠગાઈ કરવામાં આવી. આ ઘટના પણ 22 માર્ચ, ગુરુવારના રોજ ધ્યાને આવી. સીબીઆઈ દ્વારા કેસ દાખલ થયો, તપાસ ચાલુ છે અને બંને ડિરેક્ટર્સ ફરાર છે

સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને રૂ.824 કરોડ

માર્ચ 22, 2018. ફરી એક કૌભાંડ તામિલનાડુના ચેન્નાઇ ખાતેથી બહાર આવ્યું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને તેની સહયોગી 14 બેંકોની શાખાઓ સાથે કનિષ્ક ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ (કેજીપીએલ) દ્વારા રૂ.824.15 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું. આ કૌભાંડ આચરનારા અને લોન લેનારા કંપનીના ડિરેક્ટર્સ ભૂપેશકુમાર જૈન અને તેની પત્ની નીતા જૈન દેશ છોડીને ભાગી ચુક્યા છે. સીબીઆઈ તપાસ ચલાવી રહી છે.

આંધ્ર બેંક અને રૂ.5000 કરોડ

વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ (એસબીએલ), જે સાંડેસરા ગ્રૂપની કંપની છે; તેણે હૈદરાબાદ સ્થિત આંધ્ર બેન્કના ડિરેક્ટર અનુપ પ્રકાશ ગર્ગ સાથે મળીને બેન્કનું રૂ.5000 કરોડનું કરી નાખ્યું. આ મામલે સીબીઆઈએ કંપનીના ડિરેક્ટર્સ નીતિન અને ચેતન સાંડેસરા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરેલી. પ્રવર્તમાન નિદેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) પણ આ મામલે તપાસ કરી રહી છે.

બેંક ઑફ બરોડા અને રૂ.2919.29 કરોડ

રોટોમક ગ્લોબલ કંપનીના ડિરેક્ટર્સ વિક્રમ કોઠારી અને રાહુલ કોઠારી દ્વારા બેંક ઑફ બરોડા સહિતની છ બેંકો સાથે રૂ. 2919.29 કરોડની ઠગાઈ આચરવામાં આવી. આ કેસમાં પણ સીબીઆઈ તપાસ ચલાવી રહી છે.

ઓરિએન્ટલ બેંક ઑફ કૉમર્સ અને રૂ.389.85 કરોડ

દ્વારકાદાસ શેઠ ઇન્ટરનેશનલ નામની હીરા-જ્વેલરી નિકાસ કરતી કંપની દ્વારા ઓરિએન્ટલ બેંક ઓફ કૉમર્સ દ્વારા રૂ.389.85 કરોડની ઠગાઈ કરવામાં આવી. આ મામલે સીબીઆઈ કાર્યવાહી કરી રહી છે

પંજાબ નેશનલ બેંક અને રૂ. 13,600 કરોડ

"નીરવ મોદી' ગ્રુપ અને "ગીતાંજલિ જેમ્સ એન્ડ જવલેરી ગ્રુપ"ના અનુક્રમે નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પંજાબ નેશનલ બેંક (પીએનબી)નું છેલ્લી માહિતી મુજબ રૂ.13,600 કરોડનું 'કરી' ગયા હોવાનું જગજાહેર છે. નીરવ મોદી અને મેહુલ ચોક્સી પણ દેશ છોડીને ભાગી ગયા છે. સીબીઆઈ તપાસ કરી રહી છે, જે લોકો ભૂલી જશે ત્યાં સુધી ચાલ્યા કરશે. હદ તો ત્યાં થાય છે કે, આ કૌભાંડ આચારનારી પીએનબી 2011 થી અત્યાર સુધીમાં 41,178 'લેટર્સ ઓફ અન્ડરટેકિંગ' અંતર્ગત લોન આપી ચુકી છે !

આપણે પ્રજા તરીકે બહુ સહનશીલ છીએ. જ્યાં સુધી બીજું મોટું કૌભાંડ સામે ન આવે ત્યાં સુધી માધ્યમો ઉપર સમાચાર વાંચતા અને જોતા રહીશું, સરકાર અને વ્યવસ્થાને ગાળો ભાંડતા રહીશું અને 'આપણે કરી પણ શું શકીએ ?' એવું લુખ્ખું આશ્વાસન સ્વયંને આપીને માત્ર ચર્ચા કરતા રહીશું. ખરેખર દેશ ભગવાન ભરોસે જ છે !
First published:

Tags: Bank, Demonetisation, Fraud, IDBI, Nirav Modi, OBC, PNB, UBI, આરબીઆઇ, ઇડી, એસબીઆઇ, કાળુ નાણું, મોદી, સીબીઆઇ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો