Home /News /gujarat /

પરપ્રાંતિયો પર હુમલાઃ અમદાવાદ વધુ એક ફ્લેગ માર્ચ, RSS પણ થયું સક્રિય

પરપ્રાંતિયો પર હુમલાઃ અમદાવાદ વધુ એક ફ્લેગ માર્ચ, RSS પણ થયું સક્રિય

પ્રતિકાત્મક તસવીર

એવી ફરિયાદો ઉઠવા પામી છે કે બીજેપીના નેતાઓ લોકો વચ્ચે ગયા નથી. આ માટે હવે આરએસએસ ઉત્તર ભારતીયોમાં નારાજગી ન પ્રવર્તે તે માટે કાર્યક્રમો કરશે.

    અમદાવાદઃ ઢુંઢરમાં 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના બાદ રાજ્યમાં ઠેર ઠેર પરપ્રાંતિયો પર હુમલાના બનાવો સામે આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે રાજ્યમાંથી આશરે 50 હજાર જેટલા પરપ્રાંતિયો પોતાના વતનમાં સ્થળાંતર કરી ગયા છે. બીજી તરફ સરકારે પરપ્રાંતિયોને સુરક્ષાની ખાતરી આપી હતી. આ માટે પરપ્રાંતિયોને વિશ્વાસમાં લેવા માટે મંગળવારથી જ પોલીસ તેમજ વહિવટી અધિકારીઓ રેલવે સ્ટેશનો અને બસ સ્ટેશનો પર જઈને પરપ્રાંતિયોને મળીન તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. આ મામલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સક્રિય થયું છે. પરપ્રાંતિયોમાં વિશ્વાસ સંપાદિત થાય તે માટે આરએસએસએ વિવિધ કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે.

    માનવાધિકાર આયોગે માંગ્યો રિપોર્ટ

    ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલા હુમલા સંદર્ભે માનવાધિકાર આયોગે સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ મામલે એક પત્ર લખીને પોલીસ કમિશ્નર, ડીજીપી અને મુખ્ય સચિવ પાસેથી 20 દિવસમાં રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

    પરપ્રાંતિયો પર હુમલા સંદર્ભે આરએસએસ સક્રિય

    ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાઓ અંગે હવે આરએસએસ સહિતની સંસ્થાઓ સક્રિય થઈ છે. આ મામલે હવે આરએસેસ વિવિધ કાર્યક્રમો યોજશે. એવી ફરિયાદો ઉઠવા પામી છે કે બીજેપીના નેતાઓ લોકો વચ્ચે ગયા નથી. આ માટે હવે આરએસએસ ઉત્તર ભારતીયોમાં નારાજગી ન પ્રવર્તે તે માટે કાર્યક્રમો કરશે. અમદાવાદના 58 જેટલા સ્થળો પર મૌન પાળીને એવો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવશે કે પરપ્રાંતના લોકો પણ આપણા બંધુઓ છે.

    પરપ્રાંતિયો સાથે વાતચીત કરી રહેલા પોલીસ અધિકારીઓ


    અમદાવાદમાં વધુ એક ફ્લેગ માર્ચ

    પરપ્રાંતિયોને સ્થળાંતર કરતા રોકવા તેમજ તેમને વિશ્વાસમાં લેવા માટે અમદાવાદ પોલીસે ફરી એકવાર ફ્લેગ માર્ચ કરી છે. જે વિસ્તારોમાં સૌથી વધારે ઉત્તર પ્રદેશ અને બિહારના મજૂરો કામ કરે છે તેવા નરોડા, કાગડાપીઠ, વટવા, નારોલ જેવા વિસ્તારોમાં પોલીસે ફ્લેગ માર્ચ યોજી છે. આ ફ્લેગ માર્ચમાં પોલીસના 20થી વધારે વાહનો, તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા છે.

    અમદાવાદઃ પરપ્રાંતિયોને રોકવા માટે મંગળવારે પોલીસ અધિકારીઓ તેમજ કલેક્ટર વિક્રાંત પાંડે કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે પરપ્રાંતિયો સાથે વાતચીત કરીને તેમને રાજ્ય ન છોડવા માટે સમજાવ્યા હતા. આ ઉપરાંત રાજ્ય છોડી જવાના કારણો અંગે પૂછપરછ કરી હતી.

    વડોદરાઃ શહેરમાં પરપ્રાંતિયોમાં ભયની લાગણી દૂર કરવા માટે પોલીસ સક્રિય બની છે. આ માટે પોલીસ શહેરનાં વિવિધ વિસ્તારોમાં બેઠક કરીને પરપ્રાંતિયો સાથે વાતચીત કરી રહી છે. પોલીસ તેમને સ્થળાંતર ન કરવા તેમજ મુશ્કેલીના સમયમાં તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનું સમજાવી રહી છે.

    રાજકોટઃ પરપ્રાંતિયો ગુજરાતમાંથી પોતાના વતન જઈ રહ્યાના સમાચાર બાદ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે બહાર જઈ રહેલા લોકોની પૂછપરછ કરી હતી. જેમાં અમુક લોકોએ એવું પણ જણાવ્યું હતું કે તેઓ તહેવારને કારણે તેમના વતન જઈ રહ્યા છે.

    પંચમહાલઃ સોશિયલ મીડિયામાં પરપ્રાંતિયો વિરુદ્ધ ઝેર ઓકતા મેસેજ ફેલાવવા બદલ કાલોલ પોલીસે બે યુવકોની અટકાયત કરી છે. બીજી તરફ ગોધરાના પ્રાંત અધિકારીઓ અને મામલતદાર સહિતના અધિકારીઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તમામ અધિકારીઓએ પરપ્રાંતિયોને ગુજરાત નહીં છોડવાની અપીલ કરી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dhundhar, RSS, Vijay Rupani, ગુજરાતી, નિતિન પટેલ, બિહાર, યૂપી

    આગામી સમાચાર