Home /News /gujarat /ઠાકોર-પટેલ, નીતિન-અલ્પેશ, ગુજરાતી-બિનગુજરાતી, આગમન-પલાયન અને પીસાતી જિંદગીઓ...
ઠાકોર-પટેલ, નીતિન-અલ્પેશ, ગુજરાતી-બિનગુજરાતી, આગમન-પલાયન અને પીસાતી જિંદગીઓ...
અલ્પેશ V/S નીતિન પટેલ
પરપ્રાંતિયો ભાગી રહ્યા છે. પોલીસ દોડી રહી છે. રાજકારણીઓ આક્ષેપબાજીમાંથી નવરા નથી પડતા. 14 માસની દીકરી ભુલાઈ ગઈ અને રાજનીતિના આ ખેલમાં કેટલીય જિંદગી પીસાઈ રહી છે.
ન્યૂઝ18 ગુજરાતી: મૂળ વાત ઉત્તર ગુજરાતના રાજકારણની છે. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજ ઉત્તર ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે તેમ છે. આ પૂર્વે ઘણી વખત અલ્પેશ ઠાકોરને ભાજપ તરફ ખેંચવાના પ્રયાસો પક્ષ કરી ચૂક્યું છે; પરંતુ તેમાં તેનો ગજ વાગ્યો નથી તે હકીકત છે.
સાબરકાંઠામાં 14 માસની બાળકી ઉપર થયેલી દુષ્કર્મની ઘટના બાદ આરોપી બિહારનો યુવક નીકળ્યો અને ઘર્ષણના મંડાણ થયા. વાત સ્થાનિકોને રોજગારીની હતી નહિ કે પરપ્રાંતીઓને ભગાડી મુકવાની ! શરૂઆતમાં ‘ખેલ’ તો ખેલાયો પરંતુ વાત કાબુ બહાર ચાલી ગઈ. કહેવાય છે કે, આ પરપ્રાંતીઓના મામલાને પછી સરકારના જ કેટલાક અસંતુષ્ટોએ હાથમાં લીધો, પ્રસરાવ્યો અને મુદ્દો કાબુ બહાર ચાલ્યો ગયો. અલ્પેશ અને ઠાકોર સેનાને આગળ ધરી રાજકીય સોગઠીઓ મંડાઈ ગઈ. પરંતુ જેણે પણ આ દાવ ખેલ્યો તે 'બૂમરેંગ' સાબિત થયો !
આ સમગ્ર ઘટનાક્રમ ઉપર સરકાર કાબુ મેળવવવા ગુજરાત સરકાર, પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર એક તરફ સતત પ્રયત્નશીલ હતી ત્યારે બીજી તરફ રાજ્યમાં બીજા ક્રમાંકના અને ઉચ્ચપદે બિરાજેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અત્યંત ઘૃણાસ્પદ, તકવાદી અને 'ટિપિકલ ખંધા' રાજકારણીની વ્યાખ્યામાં સ્પષ્ટ બેસે તેવા ભડકાવનારા નિવેદનો જાહેરમાં આપી રહ્યા હતા. તેમણે સીધા જ પરપ્રાંતિયો ઉપર થયેલા હુમલા બદલ અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાને દોષી ઠેરવતા આજે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોરના પ્રતિનિધિત્વ વાળા સંગઠન દ્વારા આ ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ઘટના પાછળ કોણ છે તેનું સાચું કારણ બધા જાણે છે, ગુજરાત જાણે છે. કઈ વ્યક્તિ, ક્યાં સંગઠનના લોકોએ આ કર્યું તે સહુ જાણે છે. આ લોકોના કારણે ગુજરાતની શાંતિને નુકસાન થયું છે...વગેરે વગેરે.
કહેવાય છે કે ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલની શાખ દાવ ઉપર છે. વિધાનસભાની ચૂંટણી જીતવા પણ નીતિનભાઈએ લોઢાના ચણા ચાવવા પડેલા. હાર્દિક પટેલ અને પાટીદારના મામલે અવનવી યોજનાઓના ગુચ્છાઓ લઈને આવતા નીતિનભાઈનું વલણ ઠાકોરોના મામલે ભારે કર્કશ અને બેજવાબદાર જણાયું. અલ્પેશ અને ઠાકોર સમાજનું પ્રતિનિતિધ્વ ઉત્તર ગુજરાતના રાજકારણમા નીતિન પટેલના તમામ દાવપેચો બગાડી શકવા સક્ષમ છે. આમ પણ, જ્ઞાતિગત દૃષ્ટિએ "ઠાકોર વિરુદ્ધ પટેલ " રાજકારણ ઉત્તર ગુજરાતનું વ્યૂહાત્મક પરિબળ છે. વળી, સૌ કોઈ જાણે છે કે નીતિનભાઈની રાજકીય મહત્વાકાંક્ષાઓ અત્યંત પ્રબળ છે. બે-બે વખત મુખ્યમંત્રી બનવાની તેમની આશા ઠગારી નીવડી છે. ‘હારેલો જુગારી બમણું રમે’- તે ન્યાયે પ્રવર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને જ્યાં-જ્યાં નીચા દેખાડી શકાય તે તમામ પ્રયાસો નીતિનભાઈ કરી રહ્યા હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે.
બંને વરિષ્ઠ નેતાઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે અને આખરે પ્રજા ભોગ બની રહી છે. આ મામલાને યોગ્ય રૂપે 'હેન્ડલ' નહિ કરી શકવા બદલ વડાપ્રધાન કાર્યાલય અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ બંને નેતાઓ ઉપર નારાજ હોવાનું અંતરંગ સૂત્રો જણાવી રહ્યા છે.
અલ્પેશ ઠાકોરે તો સમાજ કહેશે તો ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી. હા, પરંતુ તેને સૂચક રીતે મુખ્યમંત્રીના વખાણ પણ કર્યા. સામે પક્ષે નીતિનભાઈનું વલણ ના સમજી શકાય તેવું છે. આ સ્થિતિમાં કેવા પ્રકારના નવા રાજકીય સમીકરણો રચાય છે તે માટે સમય ઉપર મીટ માંડવી રહી.