Home /News /gujarat /બૂકની 'ફેર પ્રાઇસ શૉપ' કે શંભુમેળો!: અહીં આસારામનું સાહિત્ય વેચાઇ શકે, પરિષદનું નહિ?

બૂકની 'ફેર પ્રાઇસ શૉપ' કે શંભુમેળો!: અહીં આસારામનું સાહિત્ય વેચાઇ શકે, પરિષદનું નહિ?

પુસ્તકમેળા ખાતે આસારામ સાહિત્યનો સ્ટોર

સરકાર દ્વારા અમદાવાદના સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 'રાષ્ટ્રીય પુસ્તક મેળા' નું તારીખ 24 થી 30 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે

ન્યૂઝ18 ગુજરાતી: સોલિડ ચાલી રહ્યું છે, બૉસ ! આસારામ જેલમાં બંધ છે તેમના કેટલાક કૃત્યોને કારણે પરંતુ તેમનું માર્કેટિંગ જબરદસ્ત કહેવાય બોલો। તમને થશે કે એવું કેમ ભાઈ ? માન્યું કે, આપણે 'યુનિટી ઈન ડાઇવર્સીટી'ના વિરોધાભાસમાં જીવીયે છીએ પરંતુ આ વૈચારિક વિભાવના એટલી હદે તો લચીલી ન હોય શકેને કે બધું જેમફાવે તેમ ચલાવ્યા કરીએ. આ વિરોધાભાસ હાલ અમદાવાદ શહેરમાં ચાલી રહેલા 'પુસ્તક મેળા' માં જોવા મળ્યો. અહીં આસારામજીના પુસ્તકો અને સાહિત્યના વેંચાણ માટે એક સ્ટોલ છે, જયારે શિષ્ટ સાહિત્યની જેના શિરે જવાબદારી છે તેવી સાહિત્ય સંસ્થા "ગુજરાત સાહિત્ય પરિષદ' ના સ્ટોલનું ક્યાંય નામોનિશાન નથી !

મૂળ બાબત એમ છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એટલે કે સરકાર દ્વારા અમદાવાદના સાહિત્યરસિકો માટે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 'રાષ્ટ્રીય પુસ્તક મેળા' નું તારીખ 24 થી 30 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળામાં દુષ્કર્મ મામલે જેલમાં સજા કાપી રહેલા આસારામના પુસ્તકો માટે પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ પુસ્તક મેળાનું ઉદ્ધાટન ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત તા. 24મી નવેમ્બરના રોજ કર્યું હતું.

આ મેળામાં આવનાર પુસ્તકપ્રેમીઓને આસારામનો સ્ટોલ "પ્રોમીનન્ટ' જગ્યા ઉપર જોઈ આઘાત લાગી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત પુસ્તક મેળામાં આશરામને પણ સ્ટોલ નંબર 137 અને 138 ફાળવવામાં આવ્યો છે. લોકો જયારે સ્ટોલ નંબર 137 પાસેથી પસાર થાય ત્યારે "સંત શ્રી આસારામજી સત્સાહિત્યનું મંદિર" નું બોર્ડ વાંચી વિચારમાં પડી જાય છે. આ સ્ટોલની ફાળવણી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે અને અહીં આસારામના મોટા પોસ્ટર્સ પણ મુકવામાં આવ્યા છે.

જયારે સામે પક્ષે 'ગુજરાતી સાહિત્ય પરિષદ"નો સ્ટોલ ક્યાંય જોવા મળ્યો નહિ ! આ અંગે પરિષદે એવું ખુલાસો કર્યો હોવાનું જાણમાં આવ્યું છે કે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો સામાન્ય લોકો વાંચવાનું પસંદ કરતા નથી ! આ સ્વાભાવિક વિરોધાભાસ જોઈને અધિકારીઓ કે નેતાઓના પેટનું પાણીય હાલતું નથી.

શક્ય છે કે આ ગુજરાતી સાહિત્યના નવા પરિમાણોને પ્રચારિત કરવાનો સ્તુત્ય પ્રયાસ હશે, સરકાર દ્વારા।......!!!
First published:

Tags: Asharam, Festival, Literature, અમદાવાદ, આસારામ, એએમસી