Home /News /gujarat /

કિસાનોની દુર્દશાને માટે સરકારની રાજનીતિ જ કારણભૂત: સરદાર પટેલે શું કહેલુ?

કિસાનોની દુર્દશાને માટે સરકારની રાજનીતિ જ કારણભૂત: સરદાર પટેલે શું કહેલુ?

સ્ટેચ્યુ ઓફ યુનિટી

કિસાનોની આવી દુર્દશાને માટે મોટે ભાગે સરકારની રાજનીતિ જ કારણભૂત છે. આપણાં બધાં દુઃખોનું મૂળ કારણ જમીનદારો કે જમીનદારી પ્રથા જ છે, પણ પૂરતો વિચાર કરવાથી સમજાશે કે આ કથનમાં અર્ધસત્ય છે.

  તાજેતરમાં સરદાર પટેલની 143મી જન્મજયંતીએ તેમની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. પરંતુ જે સરદાર પોતે કિસાનોને માટે સત્યાગ્રહ આદર્યો હતો, લડત ચલાવી હતી, એ સરદારના દેશમાં આજે કિસાનોની સ્થિતિ અત્યંત દયનીય છે. સરદાર પટેલે 1936માં સંયુક્ત પ્રાંતમાં કિસાનોની સમસ્યાઓના સંદર્ભે આપેલું ભાષણ આજની પરિસ્થિતિમાં પણ અક્ષરસ: લાગુ પડે છે. ખેડૂતોની સમસ્યાઓના જ્યારે હલ આવશે, ત્યારે સરદારને આપોઆપ જ ભવ્ય શ્રદ્ધાંજલિ અર્પણ થઈ જશે.

  આપણા દેશમાં સેંકડે એંસી જણ કિસાન છે. આ દેશના કિસાનોની જેવી કંગાલ અને દુઃખદ સ્થિતિ છે એવી દુનિયાના બીજા કોઈ દેશના કિસાનોની નથી. કરોડો કિસાનોને એક ટંક પેટ ભરીને લૂખો-સૂકો રોટલોય નથી મળતો. અર્ધા ભૂખ્યા રહેવું એ તો કિસાનને માટે હંમેશનું થઈ પડ્યું છે. એનાં હાડચામની વચ્ચે નથી લોહી કે નથી માંસ. ખોપરીની બંને બાજુના બે ખાડામાં માત્ર તેની બે નિસ્તેજ આંખો જોવા મળે છે. એના ચહેરા પર નૂર તો નામનુંયે નથી. એનામાં નથી રહ્યો ઉત્સાહ કે નથી રહ્યો ઉમંગ. અક્ષરજ્ઞાનથી પણ તેમને વંચિત રાખવામાં આવ્યા છે. ભૂખમરો અને અજ્ઞાનના બોજ તળે કચડાઈ રહેલા આ ભલાભોળા ખેડૂતોમાં અનેક જાતના વહેમ અને સામાજિક સડાએ ઘર કર્યું છે. ચોખ્ખાઈના સામાન્ય નિયમો પાળવા જેટલી તાલીમ પણ તેમને નથી મળી. પ્લેગ, કૉલેરા, મરડો તથા મલેરિયા એ તો એમના કાયમના સાથી બની ગયા છે. અનેક રોગોથી પીડાતા, લાખો ગામડાંઓમાં વસનારા આ કિસાનોને માટે એના ઉપચારનાં કશાં સાધનસગવડ નથી.

  શિયાળાની કડકડતી ટાઢમાં કંપતા આ કિસાનોને પહેરવા–ઓઢવા પૂરતાં વસ્ત્ર નથી. એમને રહેવાનાં ખંડિયેર અને ઝૂંપડાં મનુષ્ય- વસવાટને યોગ્ય નથી. એમનાં ગામોની ચારે બાજુ ગંદકી અને બદબો ફેલાવતા ઢોરોના છાણના ઢગ ખડકાયેલા દેખાય છે. એમનું આયુષ્ય ઘટતું જાય છે. ભરજવાનીમાં એના ચહેરા પર ઘડપણ ડોકિયાં કરે છે. એ કરોડોના દેવામાં ડૂબેલો છે. એમાંથી છૂટવાનો કોઈ રસ્તો એને સૂઝતો નથી. મહિનાઓ સુધી અથાગ મહેનત કરી, ટાઢ, તડકો અને વરસાદ વેઠી પેદા કરેલું અનાજ ખળામાં આવતા પહેલાં જ દાંત કચકચાવતા અનેક શિકારીઓનો ભોગ બની જાય છે. ફસલ પૂરી પાકી હોય કે નહીં, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિની આફત સહન કરવી પડી હોય, હિમ પડવાથી પાક બળી ગયો હોય, તીડનાં ટોળાંએ અનાજ ખલાસ કરી નાખ્યું હોય અથવા અનાજના ભાવોની ઊથલપાથલથી ભાવ એટલા બધા ગગડી ગયા હોય કે કિસાનોને રૂપિયાની આઠ આની જ પડતી હોય, તોપણ મહેસૂલ તો ભરવું જ પડે છે.

  પાછલી બાકી કે તગાવીનો બોજ તો ઊભો જ હોય છે. આ ઉપરાંત શાહુકારો તેમનું લેણું અને વ્યાજ વસૂલ કરવા ફસલ ઉપર જ મીટ માંડીને બેઠા હોય છે. આમ કિસાન અને તેનાં બાળબચ્ચાં ભૂખે તરફડી રહ્યાં હોય અને તેનું પેદા કરેલું અનાજ ઘરભેગું થતા પહેલાં જ વેડફાઈ જાય! કિસાનોની આ દરિદ્ર દશા પુરવાર કરવા આંકડાઓની કે પ્રમાણની કશી જરૂર નથી. ઉઘાડી આંખે રેલવેમાં મુસાફરી કરનાર કોઈ પણ આદમીને, બંને બાજુ, હજારો માઈલો સુધી અનેક ખેતરો અને ખંડિયેરોમાં કંગાલ કિસાનો નજરે ચડે છે. આથી મોટો પુરાવો શો જોઈએ? જે વસ્તુ જ્યાંત્યાં આંખો સામે ખુલ્લી દેખાય છે એને માટે સાબિતીની જરૂર જ શી છે?

  કિસાનોની દુર્દશાનાં કારણો

  કિસાનોની આવી દુર્દશાને માટે મોટે ભાગે સરકારની રાજનીતિ જ કારણભૂત છે. ઉપર ઉપરથી જોનાર ઘણાઓને એમ લાગે છે કે, આપણાં બધાં દુઃખોનું મૂળ કારણ જમીનદારો કે જમીનદારી પ્રથા જ છે, પણ પૂરતો વિચાર કરવાથી સમજાશે કે આ કથનમાં અર્ધસત્ય છે. હું પોતેય કિસાન છું. કિસાન કુટુંબમાં જન્મ્યો છું. એમાં જ ઊછર્યો છું. કિસાન કુટુંબોની ગરીબાઈનો મેં ઠીક ઠીક અનુભવ લીધો છે. મારા પોતાના જ પરિશ્રમથી અંધારા કૂવામાંથી બહાર આવી હું જગતનો પ્રકાશ જોઈ શક્યો છું. કિસાનોનાં દુઃખોની ઝીણી ઝીણી વાતો હું સારી રીતે જાણું છું. જમીનદારો તરફ મને જરા પણ પક્ષપાત નથી. જો કિસાનોના ખભા પરથી આજ જમીનદારી પ્રથાનો બોજો ઊતરી જાય અને એથી એનું કલ્યાણ થાય તો મારાથી અધિક હર્ષ બીજા કોઈને નહીં થાય. છતાં પણ મારા વિચારો બીજાઓ કરતાં કંઈક જુદા છે. મારો તો દૃઢ અભિપ્રાય છે કે આપણાં દુઃખો માટે મોટે ભાગે સરકારની રાજનીતિ જ કારણભૂત છે.

  કેટલાક સમય પહેલાં મેં આપણા પ્રાંતના લાટસાહેબ સર હેરી હૅગનું એક ભાષણ છાપામાં વાંચ્યું હતું. એમાં તેમણે જમીનદારોને સલાહ આપી છે કે, જમીનદાર કિસાનોનો સ્વાભાવિક પ્રતિનિધિ છે અને તેણે પોતાનું ગુમાવેલું સ્થાન ફરીથી મેળવી લેવું જોઈએ. પહેલી વાત તો એ છે કે આ સલાહ બહુ મોડી અપાઈ છે અને બીજી વાત એ છે કે તે સાચા દિલથી અપાઈ છે એની કોઈ સાબિતી નથી. દોઢસો વર્ષથીયે વધારે લાંબા ગાળાથી આ રાજ્યનો એકધારો અખંડ અમલ ચાલે છે. મોટા મોટા કંઈક જમીનદારો નિરંકુશ સત્તા અને અઢળક વૈભવ ભોગવી રહ્યા છે. આ સત્તા અને વૈભવે કેટલાક કિસાનોની કમર તોડી નાખી તેના ચૂરેચૂરા કરી નાખ્યા છે. આ વસ્તુ તરફ ન તો રાજસત્તાનું ધ્યાન ગયું છે ન તો એણે આ નસીબદાર જમીનદારો સિવાય અન્ય કોઈ જમીનદારનો ખ્યાલ કર્યો છે. આ બિનાનું ખરું કારણ તો એ છે કે, જમીનદાર કેવળ રાજસત્તાના વૈભવનું અનુકરણ કરવામાં જ પોતાની ખાનદાની સમજે છે અને સત્તાધીશોની રૂખ જોઈ રૈયત ઉપર રૂઆબ બેસાડવામાં જ પોતાની સલામતી સમજે છે. આ રાજસત્તાના જેવી ખર્ચાળ અને નકામો ખર્ચ કરનારી સત્તા ધરતીના પટ પર બીજે કોઈ ઠેકાણે નથી. આપણી આ રાજસત્તાને પ્રજામતની કશી પડી નથી. એને પ્રજામતને ઠોકરે ચડાવવાની આદત જ પડી ગઈ છે. આ રાજસત્તા પ્રજાની ભૂખનો જરાય વિચાર કર્યા વિના કરોડો રૂપિયા લશ્કર પાછળ ખર્ચી પોતાના માણસોનું પોષણ કરી રહી છે. કોઈ પણ ધનાઢ્ય દેશમાં ન હોય એથી ઊંચા પગારો આ ગરીબ દેશમાં સનંદી નોકરોને આપીને, પોતાના માણસો દેશભરમાં તેણે પાથરી દીધા છે. સાથે સાથે આ સૌને મોટા મોટા મોગલ બાદશાહો જેવી સત્તા આપવામાં આવી છે.

  દેશભરમાં ઠેર ઠેર અનેક મનુષ્યો સતત ભૂખમરાથી અધમૂઆ પડેલા છે. આ ભૂખ્યા કિસાનો વચ્ચે તેમના જ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને દબદબો તથા ઠાઠમાઠ કરવાને માટે જ દિલ્હીની રાજધાની બાંધવામાં આવી છે અને તે પણ એવી જગ્યાએ કે જે માત્ર વરસમાં છ મહિના જ કામ લાગે. એક બાજુ આલેશાન, વૈભવપૂર્ણ દબદબાભર્યા રાજમહેલ ઊભા હોય અને બીજી બાજુ કંગાલિયતભરી કિસાનોની ઝૂંપડીઓ આવી હોય એવી, જમીન અને આસમાન જેટલું જેમાં અંતર હોય એવી બેજવાબદાર અને નિષ્ઠુર રાજસત્તાનું, આ યુગમાં તો ક્યાંય અસ્તિત્વ પણ ન હોઈ શકે. આ રાજપ્રસાદોમાં, પ્રાંતોના લાટસાહેબોની મહેલાતોમાં અને મોટા મોટા હોદ્દેદારોના બંગલાઓમાં દરબાર ભરાય છે. પાર્ટીઓ અપાય છે, ભોજનો, નાચરંગ અને શરાબબાજી ઊડે છે. આવા અવસર પર આપણા જમીનદારોને ભાવભર્યું આમંત્રણ મળે છે. આ આમંત્રણના બદલામાં, એનાથી પણ વધુ ખર્ચ કરીને એવા જ જલસા ઉડાવવામાં સભ્યતા મનાય છે. આ જલસાઓમાં કોઈને ખ્યાલ સુધ્ધાં નથી આવતો કે આ આબાદી અને વૈભવની પાછળ અનેક ગરીબ કિસાનોનો ભોગ અપાઈ રહ્યો છે.

  આવી તાલીમ પામેલા આ જમીનદારો — જે વર્તમાન રાજસત્તાના માત્ર ઝાંખા પ્રતિબિંબ જેવા છે, તેમની પાસેથી શી આશા રાખી શકાય? પાશ્ચાત્ય સંસ્કૃતિની તમામ બૂરાઈઓની નકલ કરનારા જમીનદારો ઉપરથી જમીનદારી પ્રથાની પરીક્ષા ન થઈ શકે. એમાંના કેટલાકની સ્થિતિ દયાજનક છે. કેટલાક તો કિસાનોમાં આવેલી જાગૃતિથી અને કેટલાક તો કાર્યકર્તાઓના વિચારો સાંભળીને ભડકી ઊઠે છે. કેટલાક વળી એવું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે, આ રાજ્યની સત્તા ટકે એમાં જ એમની સલામતી રહેલી છે. એક રીતે આ વાત સાચી છે. આવા જમીનદારોનો નિભાવ આવી નિરંકુશ અને પ્રજામતને ઠોકરે ચડાવનારી રાજસત્તામાં જ થઈ શકે. જ્યારે રાજસત્તા લોકમતને જ પોતાની નીતિ સમજતી થશે, એટલે કે જ્યારે પ્રજાનું રાજ થશે ત્યારે એ જ જમીનદારો કિસાનોનો પ્રેમ સંપાદન કરવાની ઇચ્છાવાળા, તેમના સુખદુઃખના સાથી બલકે તેમના તરફ સેવાભાવી બનશે.

  આજના જમીનદારો અને તાલુકાદારો આપણા દેશની સંસ્કૃતિની વિશિષ્ટતા રૂપ નથી. આ પુણ્યભૂમિમાં ધનવાનો, જમીનદારો કે સત્તાધીશોની પૂજા કોઈ દિવસ નથી થઈ. ત્યાગી અને તપસ્વીઓનાં ચરણોમાં ધનવાનો, જાગીરદારો અને સત્તાધીશો શિર ઝુકાવતા આવ્યા છે. ત્યાગી અને તપસ્વીઓનાં નામ અમર થઈ ગયાં છે અને ગામેગામ, ઘેરેઘેર એમનાં ગુણગાન થઈ રહ્યાં છે. આજ, આ કળીકાળમાં પણ, પાશ્ચાત્ય સંસ્કૃતિની અગ્રણી સત્તાના તેજપ્રવાહમાં તણાયા વિના અથવા એના ભભકાથી અંજાયા વિના, હિંમત અને દૃઢતાથી પોતાની જાગીર અને વતનને જોખમમાં નાખીને, સત્તાની ઇતરાજી વહોરી લઈને અને અનેક જાતનાં સંકટોનો સામનો કરીને, કોઈ કોઈ તાલુકદાર કે જમીનદારે આપણી સેવા કરી આર્યસંસ્કૃતિનો આદર્શ ખડો કર્યો છે. રાજસત્તાનો આદર્શ બદલાતાં જ, આપણા આ જમીનદારો પોતાનો જીવનઆદર્શ બદલીને કરોડો ભૂખે મરતાં ઝૂંપડાંવાસીઓની વચ્ચે રહીને, ભોગવૈભવને પાપ સમજશે અને આપણી સેવા કરવા મંડી પડશે.

  આજે પણ, જમીનદારોને પોતાના સ્વાભાવિક પ્રતિનિધિ થવાની સલાહ આપનારી સરકાર, પોતાની ચાલ બદલી નાખે અને કરોડોના અંદાજપત્ર (બજેટ)માં કિસાનોનો ભૂખમરો, તેની કેળવણી તથા આરોગ્ય માટેનાં જરૂરી સાધનોનો સમાવેશ કરવા લાગી જાય અને પ્રજામતને જ પોતાની નીતિ સમજતી થાય તો એ જ જમીનદાર સમજી જશે કે કિસાનોનાં સુખદુઃખનો ખ્યાલ રાખવો તથા તેમની સેવા કરવી એ પોતાની પ્રથમ ફરજ છે, પણ હું આ બાબત મારો મત સાબિત કરવા અહીં નથી આવ્યો. આ અગત્યના સવાલ અંગે, આ પ્રાંતના સાચા આગેવાન પંડિત જવાહરલાલજીની સલાહ જ સાચી માર્ગદર્શક નીવડશે. હું તો કેવળ તેમની ગેરહાજરીમાં, તેમના પ્રતિનિધિ માફક, મારી અલ્પ શક્તિ પ્રમાણે તેમના પાછા આવતાં સુધી, તમને તમારું કર્તવ્ય સમજાવી શકું તો મારી ફરજ પૂરી થઈ સમજીશ. છેવટે તો એમના અનુભવોનો નિચોડ જ તમારે માટે સર્વમાન્ય હોવો જોઈએ. કેમ કે એમણે તમારે માટે જે સ્વાર્થત્યાગ કર્યો છે, જે દુઃખ વેઠ્યાં છે અને જે ભગીરથ પ્રયત્ન કર્યો છે, એટલો કોઈએ નથી કર્યો. તેમની સત્યનિષ્ઠા અને ગરીબો માટે એમના દિલમાં જલતી આગ વિશે દુશ્મનને પણ શક નથી.

  [સરદાર વલ્લભભાઈનાં ભાષણોમાંથી]

  [સૌજન્ય : “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2018] 
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Sardar Patel, Statue of unity, ભારત, રાજકારણ

  આગામી સમાચાર