Home /News /gujarat /

અમદાવાદ : હાઇકોર્ટમાં અરજી કરીને પોતાની પુત્રી વૈદેહીની દયામૃત્યુની માંગણી કરી

અમદાવાદ : હાઇકોર્ટમાં અરજી કરીને પોતાની પુત્રી વૈદેહીની દયામૃત્યુની માંગણી કરી

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતાં અને છેલ્લાં 22 વર્ષોથી કુદરતનો કુઠારાઘાત સહી રહેલાં કુટુંબે હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ : અમદાવાદના સોલા વિસ્તારમાં રહેતાં અને છેલ્લાં 22 વર્ષોથી કુદરતનો કુઠારાઘાત સહી રહેલાં કુટુંબે હાઇકોર્ટમાં અરજી કરીને પોતાની પુત્રી વૈદેહીની દયામૃત્યુ(મર્સી કિલીંગ)ની માંગણી કરી છે. આ કેસ હાઇકોર્ટ સમક્ષ પેન્ડિંગ છે ત્યારે અમદાવાદમાં દિવ્યાંગો માટે વર્ષોથી કાર્યરત સંસ્થા બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશને આ કેસમાં પક્ષકાર તરીકે જોડાઇને હાઇકોર્ટને મેડિકો-લિગલ ગ્રાઉન્ડમાં મદદરૂપ થવાની માગ કરી છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાઇકોર્ટ સમક્ષ થશે.

બ્લાઇન્ડ પીપલ્સ એસો.એ એડવોકેટ આદિત્ય ભટ્ટ મારફતે એક અરજી કરીને સમગ્ર મામલે પક્ષકાર તરીકે જોડાવવાની માગ કરી છે. તેમણે અરજીમાં એવા મુદ્દા ઉપસ્થિત કર્યા છે કે,દયામૃત્યુ એટલે મર્સી કિલીંગના બે પ્રકાર છે. એક એક્ટિવ અને બીજું પેસિવ. એક્ટિલ મર્સી કિલીંગ ભારત શું સમગ્ર વિશ્વમાં અમેરિકાના કેટલાક રાજ્યોને બાદ કરતાં અસ્તિત્વમાં જ નથી. જ્યાં સુધી પેસિવ મર્સી કિલીંગનો મુદ્દો છે એમાં પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કેટલીક નિશ્ચિત મર્યાદાઓ બાંધવામાં આવી છે. જેમાં મહદંશે એ બાબત પ્રસ્થાપિત છે કે જે વ્યક્તિ પોતાની સંપૂર્ણ ચેતના ગુમાવી બેઠી હોય અને લાઇવ સપોર્ટ સિસ્ટમ ઉપર જ જીવિત હોય અને તે સિસ્ટમ હટાવી લેતા તેનું મૃત્યુ થાય તો તેવા કિસ્સામાં દયામૃત્યુ માટે નિષ્ણાંત તબીબોની કમિટી જે કે વ્યક્તિ કે દર્દીના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય કરી શકે છે. જેવું કે અરૂણા શાનબાગના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.

અરજીમાં વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે વૈદેહીનો કેસ તદ્દન વિપરીત છે. તે સેરેબલ પાલ્સી છે. તેની ચેતના કાર્યરત છે પરંતુ તેના શરીરમાં હલનચલન સંપૂર્ણપણે થતું નથી. આ એક પ્રકારની દિવ્યાંગતા છે અને આવા હજારો કેસો દેશમાં છે. તેથી આવી વ્યક્તિને દયામૃત્યુની મંજૂરી આપવીએ કોઇ પણ પ્રકારે સ્વીકાર્ય કે માન્ય નથી. એટલું જ નહીં સેરેબલ પાલ્સી હોય એવી વ્યક્તિઓ માટે સરકારે ખાસ જોગવાઇઓ કરેલી છે અને તેઓ કલેક્ટર જેવા ઉચ્ચ સરકારી હોદ્દા સુધી પહોંચતા હોય છે. તે ઉપરાંત દિવ્યાંગતાનો કાયદો એવું કહે છે કે કોઇ પણ દિવ્યાંગ વ્યક્તિને ભોજન નહીં આપવોએ ગૂનો છે. તેથી પ્રસ્તુત કેસમાં દયામૃત્યુની જે માગ કરવામાં આવી છે એ કોઇ પણ રીતે મંજૂર રાખી શકાય નહીં. અરજદાર સંસ્થા સેરેબલ પાલ્સી વ્યક્તિઓના ઉત્થાન માટે કાર્યરત છે અને પ્રયત્નોથી તેમની શારીરિક પરિસ્થિતિમાં સુધાર શક્ય છે. તેથી અરજદાર સંસ્થા આ કેસમાં તબીબી અને કાનૂની બાબતો પર પ્રકાશ પાડવામાં મદદરૂપ બની શકે છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, હાઇકોર્ટ

આગામી સમાચાર