લોકસભા ચૂંટણી 2019ની મતગણતરી સવારથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં લગભગ ચીત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, ફરી એક વખત બનશે મોદી સરકાર. અત્યાર સુધીના વલણના આંકડા અનુસાર, ભાજપાના નેતૃત્વમાં એનડીએને 325 આસપાસ બેઠક મળવા જઈ રહી છે, જ્યારે યૂપીએ 100ની આસપાસ સમેટાઈ જતી દેખાઈ રહી છે. તો ગુજરાતમાં પણ તમામ 26 બેઠક પર બીજેપીની જીત પાક્કી દેખાઈ રહી છે. ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હારનો સ્વીકાર કરી લઈ એક પ્રેસ કોન્ફરન્સ કરી છે.
ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકોનું પણ ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેમાં ભાજપનો ભગવો ફરી એક વખત લહેરાયો છે, મોદીની લહેરમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસને એક પણ બેઠક પર જીત ન મળતા કોંગ્રેસના ખેમામાં નિરાશા જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પરિણામના ચિત્રને સ્પષ્ટ થતા પ્રેસ કોન્ફરન્સ કરી હાર સ્વીકાર કરી લીધી છે.
અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમે જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. અમારા કાર્યકરો, અને ઉમેદવારોએ ખુબ મહેનત કરી પરંતુ અમારી અપેક્ષાથી વિરુદ્ધનું પરિણામ આવ્યું છે.
તેમણે કહ્યું કે, હારના માટે કયા પરિબળ જવાબદાર છે, ક્યાં કચાસ રહી ગઈ તેનો અભ્યાસ કરીશું. કેટલીક જગ્યા પર અભ્યાસના અભાવે પરિણામ ન મળ્યું તેમ પણ સ્વીકાર કર્યો હતો.
અમિત ચાવડાએ ભાજપા પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપે ચૂંટણી દરમ્યાન સત્તાનો દુરઉપયોગ કર્યો છે. ભાજપે સામ, દામ, દંડ બેધની નીતિ અપનાવી છતાં અમે મજબૂતાઈથી લડ્યા. અમારા કાર્યકરો અને ઉમેદવારોએ પણ ખુબ મહેનત કરી. પ્રજાનો પણ ઉમળકાભેર આવકાર મળ્યો પરંતુ અપેક્ષાથી વિપરીત પરિણામ આવ્યું. અમે અગામી સમયમાં પ્રજાના પાયાના પ્રશ્નો માટે હંમેશા લડતા રહીશું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર