ન્યૂઝ18 ગુજરાતી : અલ્પેશ ઠાકોર સહિત ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ વચ્ચે અલ્પેશ ઠાકોરે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અલ્પેશે એવું જણાવ્યું હતું કે હું શુક્રવારે બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપીશ. જોકે, આ દરમિયાન અલ્પેશે આડકતરી રીતે એવું પણ કહ્યું હતું કે, જે અફવાઓ ફેલાઈ રહી છે તેમાં કોઈ તથ્ય નથી.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ અલ્પેશના ઘરે હાજર હતા. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે અલ્પેશ સાથે ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાશે.
આવતીકાલ સુધી રાહ જુઓ : અલ્પેશ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અલ્પેશે જણાવ્યું કે, 'મીડિયામાં ફેલાઇ રહેલા સમાચાર અંગે તમે કોઈ પણ તર્ક વિતર્ક લગાવી શકો છો. મેં તમામ લોકોને એક જ જવાબ આપ્યો છે કે આ વાત માત્ર અફવા છે. આવતીકાલે તમામ મુદ્દાઓને લઈને હું એક પ્રેસ કોન્ફરન્સ કરીશ જ્યાં તમને તમામ પ્રશ્નના જવાબ મળી જશે.'
'મારા લોકો માટે રાજનીતિ કરું છું'
કોંગ્રેસ પક્ષથી નારાજ હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં અલ્પેશે કહ્યુ કે, "હું મારા માટે નહીં પરંતુ મારા લોકો માટે રાજનીતિ કરું છું. મારા લોકોને કંઈ ન મળે ત્યારે મને દુઃખ થાય છે."
અલ્પેશ ઇચ્છે તે મળે જ
ભાજપમાં જોડાવવા અંગેની અટકળો અંગે અલ્પેશે કહ્યુ કે, "હું પણ એ લોકો વિશે જાણવા માંગું છું જે લોકો આવી અફવા ફેલાવી રહ્યા છે. અલ્પેશ ઠાકોરને બાર્ગેનિંગ કરવાની જરૂર નથી. અલ્પેશ ઠાકોર ઇચ્છે તે બધુ મળી શકે છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર