રાધનપુરના ધારાસભ્ય અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓએસએસ એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર સમાજની એકતાયાત્રામાં વ્યસ્ત છે. એકતાયાત્રાને સારૂ સમર્થન પણ મળી રહ્યું છે. એકતા યાત્રા અંગે અલ્પેશ પહેલેથી જ કહે છે કે આ કોઇ જ રાજકીય બાબત નથી. જોકે યાત્રા રાજકીય છે કે સામાજિક તેનો તાગ તો પ્રજા મેળવી જ લેશે. પરંતુ આજ અલ્પેશ આ મહાયાત્રામાં બીજેપીનાં શંકર ચૌધરીને મળ્યા હતાં. જેના કારણે આ યાત્રા કોઇ મોટું ગણિત છે તેમ પણ માનવામાં આવી રહ્યું છે.
બીજી બાજુ વિચારવું પણ તે રહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં જે નેતાને હરાવવા અલ્પેશે કંઈ બાકી ન રાખ્યું હોય તેવા શંકર ચૌધરી સાથે અલ્પેશની આ એક્સિડેન્ટલ મુલાકાત કોઈ મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો તો નથી આપી રહી ને. આ અંગે અમારી ટીમે અલ્પેશ ઠાકોર સાથે વાત કરી હતી જેનાં મુખ્ય અંશો અહીં આવરી લેવામાં આવ્યાં છે.
અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી સાથેની મુલાકાત અંગે વાત કરતાં જણાવ્યું કે, 'મારી સાથે ગેની બહેન આ યાત્રામાં સાથે હતાં ત્યારે તો કોઇએ આવી વાત ન કરી. શંકર ચૌધરી સાથેની મુલાકાતની મને જાણ પણ ન હતી. મારા સમાજે કહ્યું એટલે હું તેમને મળ્યો છું. આ એક સામાજિક મુલાકાત જ છે કોઇ રાજકીય મુલાકાત નથી.'
'મારા રાહુલજી પર વિશ્વાસ'
અલ્પેશે ભાજપમાં જોડાવવા અંંગેનાં સવાલ પર જણાવ્યું કે, 'મને મારા રાહુલજી પર પૂર્ણ વિશ્વાસ છે તેઓ મારી સાથે જ છે. '
'હું મરી જઇશ તો પણ મને અફસોસ નથી'
અલ્પેશે આક્રમકતાથી કહ્યું કે, 'મને ગમે તેટલો દબાવવાનો પ્રયત્ન કરો પરંતુ રોકી નહીં શકાય. મને જ્યાં સુધી મારા માણસો પાસે રોજગારી, રૂપિયા નહીં આવે ત્યાં સુધી હું લડીશ. અલ્પેશ ઠાકોર તેના લોકો માટે લડવાનું ક્યારેય છોડવાનો નથી. જો હું હાલ મરી પણ જાવ તો મને કોઇ અફસોસ નથી. કારણ કે મારી વિચારધારા જીવશે, મારા લોકો તેને જીવતી રાખશે. મારૂં સપનું મારા લોકો છે મારૂં સપનું મારા એક એક ઘરની રોજગારી છે. તેમના પણ ખિસ્સામાં હજારો રૂપિયા હોય તેવું મારૂં સપનું છે. એટલે હું તેમના વિકાસ માટે કામ કરીશ. મને કોઇ રાજકીય પદમાં રસ નથી પરંતુ મારા સમાજનો વિકાસ થાય તે જ હું ઇચ્છું છું.'
અલ્પેશે આ વાતમાં મહાભારતનો એક કિસ્સો વાગોળતા કહ્યું કે, 'જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે બધાને ખબર હતી કે અભિમન્યુ ચક્રવ્યૂહમાં છ કોઠા શીખ્યાં હતાં સાતમો નથી શીખ્યાં. એટલે બધી જ આસુરી શક્તિ ભેગી થઇને તેમની પર તૂટી પડી. એટલે બધાને એવું લાગે છે કે આ અભિમન્યું છે આનો વઘ કરી નાંખો. પરંતુ આ લોકોને ખબર નથી કે હું અભિમન્યું નહીં પરંતુ અર્જુન છું. મારા લોકો માટે મને તીર મારતા પણ આવડે છે મારા લોકો માટેની દિશા પણ ખોલતા પણ આવડે છે. '
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર