Home /News /gujarat /

કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે ગુજરાત છોડ્યું

કોંગ્રેસમાંથી રાજીનામાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરે ગુજરાત છોડ્યું

અલ્પેશ ઠાકોર

કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે. જોકે, આ મામલે અલ્પેશ ઠાકોર તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    ન્યૂઝ18 ગુજરાતી : રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજીનામાની ચર્ચા વચ્ચે મંગળવારે મોડી રાત્રે જ ગુજરાત છોડી દીધું છે. મંગળવારે મળેલી ઠાકોર સેનાની કોર કમિટીમાં અલ્પેશે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અલ્પેશના રાજીનામાની અટકળો વચ્ચે ગુજરાત બીજેપીમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ કોંગ્રેસે એવી આશા વ્યક્ત કરી છે કે અલ્પેશને મનાવી લેવામાં આવશે તેમજ ઘીના ઠામમાં ઘી પડી જશે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે. જોકે, આ મામલે અલ્પેશ ઠાકોર તરફથી હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

    'અલ્પેશ ભાજપમાં આવશે તો સૌરાષ્ટ્રમાં ફાયદો થશે'

    કોંગ્રેસના તમામ પદો પરથી અલ્પેશના રાજીનામાની અટકળો વચ્ચે જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ કહ્યું છે કે અલ્પેશ જો ભાજપમાં જોડાશે તો સૌરાષ્ટ્રમાં પક્ષને ફાયદો થશે. રાજેશ ચુડાસમાનું કહેવું છે અલ્પેશ ઓબીસી નેતા હોવાથી તે ભાજપમાં જોડાશે તો જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં બીજેપીને ફાયદો થશે.

    અલ્પેશની નારાજગી વિશે મને ખબર નથી : ગેનીબેન ઠાકોર

    અલ્પેશના સમર્થક તેમજ વાવ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે અલ્પેશની નારાજગી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, "અલ્પેશ નારાજ હોવા અંગે મને કોઈ જાણ નથી. કોંગ્રેસે મને મારી ક્ષમતા કરતા વધારે આપ્યું છે. હું કોંગ્રેસથી નારાજ નથી."

    અલ્પેશને સમજાવવાના પ્રયાસો

    અલ્પેશ ઠાકોરની નારાજગી અને કોંગ્રેસ છોડવાની વાત વચ્ચે અલ્પેશને મનાવવાનું કામ કોંગ્રેસના પીઢ નેતા અર્જુન મોઢવાડિયાને સોંપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત કોંગ્રેસના નેતાઓ હાલ અલ્પેશના સંપર્કમાં છે અને તેને સમજાવી રહ્યા છે.

    અલ્પેશ રાજકીય રોટલા શકે છે : રોયલ ક્ષત્રિય ઠાકોર સેના

    અલ્પેશની ઠાકોર સેનાથી છેડો ફાડીને રોયલ ક્ષત્રિય ઠાકોર સેના બનાવનારા રમેશ ઠાકોરે નિવેદન આપતા આક્ષેપ કર્યો છે કે, અલ્પેશ સમાજના નામે રાજનીતિ કરે છે. રમેશ ઠાકોરે જણાવ્યું કે, "અલ્પેશ સમાજના નામે રાજનીતિ કરે છે. વ્યક્તિગત લાભ માટે રાજનીતિ કરનાર અલ્પેશે હવે વિશ્વસનિયતા ગુમાવી દીધી છે. ઠાકોર સમાજ હવે અલ્પેશ ઠાકોરથી નારાજ થયો છે." ઉલ્લેખનીય છે કે રમેશજી અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાના ઉપ-પ્રમુખ રહી ચુક્યા છે.

    બધુ બરાબર થઈ જશે : રાજીવ સાતવ

    અલ્પેશની નારાજગી વિશે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે, આ કોંગ્રેસ પરિવારનો આતંરિક મામલો છે. અલ્પેશની નારાજગી મામલે ચર્ચા થઈ રહી છે. ટૂંક સમયમાં બધુ બરાબર થઈ જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Dhavalsinh Zala, Lok sabha election 2019, Radhanpur, Thakor sena, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ

    આગામી સમાચાર