Home /News /gujarat /

કોંગ્રેસનું નાક દબાવવામાં અલ્પેશ સફળ, પત્ની માટે ટિકિટ પાકી કરી : સૂત્ર

કોંગ્રેસનું નાક દબાવવામાં અલ્પેશ સફળ, પત્ની માટે ટિકિટ પાકી કરી : સૂત્ર

અલ્પેશ ઠાકોર

એક તરફ જવાહર ચાવડા જેવા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે ત્યારે અલ્પેશ પણ પક્ષ છોડે તે કોંગ્રેસને મંજૂર ન હતું.

    પ્રણવ પટેલ, અમદાવાદ : ગુરુવારથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે રાધનપુર કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો છે. તેની સાથે બે ધારાસભ્યો પણ ભાજપમાં જઈ રહ્યા છે. જોકે, આ વચ્ચે કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી અલ્પેશને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી ખાતે રાજીવ સાતવ અને અહેમદ પટેલને મળીને અલ્પેશ પોતાની વાત હાઇકમાન્ડને મનાવવામાં સફળ રહ્યો છે. જાણકારો કહી રહ્યા છે કે અલ્પેશ આ બધો દેખાડો કરીને કોંગ્રેસનું નાક દબાવવા માંગતો હતો. એક તરફ જવાહર ચાવડા જેવા ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે ત્યારે અલ્પેશ પણ પક્ષ છોડે તે કોંગ્રેસને મંજૂર ન હતું. આથી જ કદાચ કોંગ્રેસ અલ્પેશની માંગણી સામે ઝૂકી છે.

    પાટણથી ચૂંટણી લડશે અલ્પેશ

    સૂત્રો જણાવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. એટલું જ નહીં તેની ખાલી પડનારી બેઠક પર તે પોતાની પત્નીને ચૂંટણી લડાવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અલ્પેશ ઠાકોરે પોતાની પત્નીને ટિકિટ અપાવવા માટે જ જીદ પકડી હતી. સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ અલ્પેશની પત્નીને રાધનપુરમાંથી ટિકિટ આપવાની તૈયારી બતાવી છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે પત્નીને ટિકિટ ન મળે તો અલ્પેશે પક્ષ છોડવાની પણ ચીમકી આપી હતી. આ જ કારણે અલ્પેશને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. હાઇકમાન્ડે ટિકિટની તૈયારી બતાવતા અલ્પેશ નરમ પડ્યો છે અને પક્ષ નહીં છોડવા રાજી થયો છે.

    આ પણ વાંચો : હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી, રાજકીય એક્કા બન્યા

    અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડશે : બાવળિયા

    જવાહર ચાવડાના રાજીનામા અંગે નિવેદન આપતા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, "કોંગ્રેસની અંદરો અંદરની લડાઈને કારણે ધારાસભ્યો પક્ષ છોડી રહ્યા છે. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ આગામી સમયમાં પક્ષ છોડશે."

    ચંદ્રિકા ચૂડાસમા ભાજપમાં જોડાય તેવી શક્યતા

    બીજી તરફ એવી પણ અટકળો વહેતી થઈ છે કે જૂનાગઢ જિલ્લાના કોંગ્રેસના દિગ્ગજ મહિલા નેતા ચંદ્રિકાબેન ચુડાસમા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ જિલ્લામાં ભાજપનું ધોવાણ થયું હતું. જવાહર ચાવડા બાદ હવે ચંદ્રિકા ચુડાસમા પણ ભાજપમાં જોડાય રહ્યાના અહેવાલથી જૂનાગઢ જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Lok sabha election 2019, Radhanpur, Rajiv Satav, અલ્પેશ ઠાકોર

    આગામી સમાચાર