દેશભરમાં પુલવામાના આતંકી હુમલાની નિંદા કરી રહ્યો છે. ઠેર ઠેર બદલો લેવા વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દરેક લોકો પોત પોતાની રીતે રોષ વ્યક્ત કરી રહ્યા છે. જવાનોના બલીદાનથી દેશની તમામ પ્રજા શોકગ્રસ્ત સાથે ગર્વ પણ કરી રહી છે. પુરો દેશ આજે એક જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશન દ્વારા શહીદ જવાનોના પરિવાર માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશનની આજે મીટિંગ યોજાઈ હતી. જેમાં શહીદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં એસોશિએશને શહિદ જવાનોના પરિવારને મદદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.
ગુજરાત મલ્ટીપ્લેક્સ એસોશિએશન દ્વારા જમ્મુના પુલવામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતના તમામ મલ્ટીપ્લેક્સ થીયેટરો અગામી સોમવારના પહેલા અને બીજા શોની તમામ આવક શહીદ જવાનોના પરિવારને આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શહીદ જવાનો પ્રત્યે અને તેમના પરિવાર પ્રત્યે દેશની તમામ પ્રજા લાગણી વ્યક્ત કરી રહી છે. દરેક લોકો પોતાની રીતે જે થાય તે મદદ કરવા માટે થનગની રહ્યા છે. કેટલાએ ઉદ્યોગપતિથી લઈ નાના વેપારીઓ પોતાની રીતે જવાનોના પરિવાર માટે પોતાનો ફાળો આપી રહ્યા છે.