અમદાવાદઃ રાજકીય ક્ષેત્રે અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે. 10 જાન્યુઆરીએ અમદાવાદમાં કોળી સમાજની બેઠક મળી છે. જેમાં ભારતભરમાંથી કોળી સમાજના હોદ્દેદારો હાજર રહ્યા છે. બેઠકમાં 15 રાજ્યના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. જોકે, આ બેઠકમાં જસદણના ધારાસભ્ય તેમજ કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળીયા હાજર નહીં રહે તેવી માહિતી મળી રહી છે.
નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી બાદ બીજેપીમાંથી પુરષોત્તમ સોલંકીને કેબિનેટમાં સ્થાન ન મળ્યું હોવાથી કોળી સમાજ નારાજ છે. એટલું જ નહીં કોંગ્રેસના પીઢ નેતા તેમજ જસદણમાંથી સતત ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા તેમજ એક વખત સાંસદ રહી ચુકેલા કુંવરજીભાઈને વિપક્ષના નેતાનું પદ ન મળતા કોળી સમાજ નારાજ છે.
કોળી સમાજને રાજકીય ક્ષેત્રે અન્યાય થઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે હવે કોળી સમાજ લડી લેવાના મુડમાં છે. રાજકીય પક્ષો દ્વારા સમાજની અવગણના થઇ રહી હોવાનો પણ આક્ષેપ છે જેને લઇને મળેલી બેઠકમાં કોળી સમાજ સંગઠન મુદ્દે પણ ચર્ચા કરશે.
રાજ્યમાં 26% કોળી સમાજ છે છતાં પણ રાજકીય ક્ષેત્રે સમાજની અવગણના કરવામાં આવતી હોવાની લાગણી છે. અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા બેઠકનું આયોજન કરાયું છે. બેઠકમાં કુંવરજી બાવળિયાને યોગ્ય પદ ન આપવા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.