Home /News /gujarat /

રૂપાણીને રાજકીય રીતે પતાવવામાં કોને રસ છે?

રૂપાણીને રાજકીય રીતે પતાવવામાં કોને રસ છે?

AIIMS ફાળવણીના મુદ્દે મધ્ય ગુજરાતના ભાજપના નારાજ ધારાસભ્યોનો રૂપાણીને દબાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા

AIIMS ફાળવણીના મુદ્દે મધ્ય ગુજરાતના ભાજપના નારાજ ધારાસભ્યોનો રૂપાણીને દબાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા

  હિતેન્દ્ર બરોટ, ગાંધીનગર

  કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં AIIMS ફાળવણી મુદ્દે ભાજપમાં ફરીથી કકળાટ જોવા મળ્યો છે. મંગળવારે સાંજે મધ્ય ગુજરાતના ભાજપના આઠથી વધુ ધારાસભ્યોએ ગાંધીનગરમાં સ્વર્ણિમ વન સંકુલમાં આવેલી મુખ્યમંત્રીની ઓફિસમાં જઇને જઇને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. અચાનક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની હિલચાલથી રાજકીય ગરમાવો આવ્યો છે. કેટલાક લોકો રુપાણી વિરુદ્ધ આંતરિક કાવતરાનું રૂપ આપી રહ્યાં છે.

  મુખ્યમંત્રી રૂપાણીને આપવામાં આવેલી રજૂઆતમાં ધારાસભ્ય યોગેશ પટેલ, મધુશ્રી વાસ્તવ, સી કે રાઉલજી ,મનીષા વકીલ ,કેતન ઇનમદાર સહિત આઠ સભ્યોએ વડોદરાને જ એઇમ્સ મળવી જોઈએ તેવો ઉલ્લેખ કર્યો છે, સાથે વડોદારને કેમ એઇમ્સ મળવી જોઇએ તેનું કારણ પણ સીએમને સમજાવ્યું હતું.

  સૂત્રોનું કહેવું છે કે બીજેપીના સભ્યોને રાજકોટને એઇમ્સ મળે તો વાંધો નથી, પરંતુ એઇમ્સના નામે બીજેપીના ધારાસભ્યોને રૂપાણી સરકાર પર દબાણ ઉભું કરીને પ્રધાન બનવામાં રસ છે. મધ્ય ગુજરાતને રૂપાણી સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી એતો વરવી વાસ્તવિક્તા છે, હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વડોદરાના છે તેમના સિવાય મધ્ય ગુજરાતના કોઈ ધારાસભ્યને કેબિનેટ પ્રધાનનો દરજ્જો મળ્યો નથી.

  ધારાસભ્યોએ રૂપાણીને કરેલી રજૂઆત


  આ વખતે જ્યારે બીજેપીને બહુમતી કરતા 7 જ સભ્યો વધુ હોવાથી બીજેપીના 8 ધારાસભ્યો રૂપાણી સરકારને એઇમ્સના નામે પ્રેશર ઉભું કરી પ્રધાન મંડળના વિસ્તરણ માટે વાતાવરણ ઉભું કરી રહ્યા છે.

  જ્યારથી કોંગ્રેસમાંથી બીજેપીમાં આવેલા કુંવરજી બાવળિયાને સરકારમાં કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો છે ત્યારથી બીજેપીના ધારાસભ્યો અને પ્રદેશના આગેવાનોમાં અસંતોષ વધી રહ્યો છે પણ શિસ્તના કારણે ચૂપ છે. જો કે હવે મધ્ય ગુજરાતના ધારાસભ્યોએ એઇમ્સના નામે સરકાર સામે બગાવત કરી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. હવે જોવાનું રહ્યું કે રૂપાણી મધ્ય ગુજરાતના ધારાસભ્યોના દબાણ સામે ઝૂક્શે કે પછી અડગ રહેશે તે તો સમય બતાવશે.

  અત્યારે રૂપાણી સરકારને ડિસ્ટર્બ કરવા માટે એઇમ્સનો સહારો લેવામાં આવ્યો છે, મહત્વની વાત તો એ છે કે સી કે રાઉલજીને પ્રધાનપદના કમિટમેન્ટ સાથે બીજેપીમાં લાવવામાં આવ્યા હતા પણ બીજેપી નેતાગીરીએ વચન પાળ્યું ન હોવાથી તેઓ પણ સરકારથી ખફા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સમગ્ર કાવતરાનું દોરી સંચાર ક્યાંથી થઇ રહ્યું છે તે તપાસનો વિષય છે.

  વાત રહી ભાજપના ધારાસભ્યોએ રૂપાણીને આપેલા આવેદનની તો ધારાસભ્ય યોગેશ પટેલ સહિત આઠ ધારાસભ્યોનું કહેવું છે કે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યન મધ્યભાગ ઔદ્યોગિક રીતે વિક્સી રહ્યો છે, અને આ વિકાસને લીધે ઉભી થયેલી નવી રોજગારીની તકોને કારણે માનવ વસ્તીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ વસ્તીને આરોગ્યની સુવિધા માટે હાલની સિવિલ હોસ્પિટલો પહોંચી વળવામાં સક્ષમ નથી, આથી વડોદરા કે તેની આજુબાજુના વિસ્તારમાં AIIMS આપવામાં આવે.
  Published by:Sanjay Vaghela
  First published:

  આગામી સમાચાર