અમદાવાદ : શહેરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસે આજે વિશેષ ડ્રાઇવ શરૂ કરી છે. આ વખતની ડ્રાઇવમાં ટ્રાફિક પોલીસ લાઇસન્સ રદ કરવા સુધીના આકરા પગલાં ભરી રહી છે. હવેથી જો ચાલુ વાહને ફોન કરતા પકડાયા કે પછી રોંગ સાઇડમાં વાહન હંકારતા પકડાયા તો લાઇસન્સ સ્થળ પર જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ ઉદાર મન રાખીને અમુક કિસ્સામાં સ્થળ પર દંડ વસૂલ કરીને વાહન ચાલકોને જવા દેતા હતા. પરંતુ હવે આરટીઓના અધિકારીઓને લાઇસન્સ સસ્પેન્ડ કરવા સુધીની સત્તા આપી દેવામાં આવી છે.
કેવી રીતે થશે કાર્યવાહી?
ભયજનક રીતે વાહન હંકારવું, સિટ બેલ્ટ ન બાંધવો, ચાલુ વાહન પર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન હંકારવું જેવા કિસ્સામાં ટ્રાફિક પોલીસ હવે વાહનચાલકને પકડીને આરટીઓ લઈ જશે. આરટીઓ ખાતે ટ્રાફિક પોલીસ અને વાહનચાલકની દલીલો સાંભળીને ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે. જો વાહનચાલક દોષી જણાશે તો સ્થળ પર જ લાઇસન્સ રદ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી માટે આરટીઓએે સાત જેટલા અધિકારીઓને કાર્યવાહી સોંપી છે.
આરટીઓ અધિકારી ગુનાનો પ્રકાર જોઈને કેટલા સમય સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવું તેનો નિર્ણય લેશે. મળતી માહિતી પ્રમાણે જો વાહનચાલક દોષી જાહેર જણાશે તો ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. આ માટે આરટીઓ ખાતે બપોરે ત્રણથી છ વાગ્યા સુધી સુનાવણી થશે.
કેટલા ગુનામાં લાઇસન્સ રદ થઈ શકે?
ખોટી બાજુએ (રોંગ સાઇડ)માં વાહન હંકારવું
કારમાં સિટ બેલ્ટ ન બાંધવો
વાહન હંકારતી વખતે ફોન પર વાત કરવી
દારૂના નશામાં વાહન હંકારવું
જ્યાં પાર્કિંગ ન હોય ત્યાં વાહન પાર્ક કરવું
ભયજનક રીતે વાહન હંકારવું
સ્થળ પર ઈ-મેમોની રકમ વસૂલ કરવામાં આવશે
ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા લોકોને ટ્રાફિક પોલીસ તરફથી ઈ-મેમો મોકલવામાં આવી રહ્યા છે. જોકે, મોટા ભાગના કેસમાં વાહનચાલકો ઈ-મેમોની રકમ ભરતા નથી. આના કારણે આરટીઓ ખાતે ઈ-મેમોનો ભરાવો થઈ ગયો છે. આ માટે હવે ટ્રાફિક પોલીસને સ્થળ પર જ ઈ-મેમોની રકમ વસૂલ કરવાનો આદેશ કરાયો છે. આથી જો હવે તમે કોઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરતા જણાશો ત્યારે ભૂતકાળમાં કોઈ ઈ-મેમો મળ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. જો ભૂતકાળની રકમ બાકી હશે તો ટ્રાફિક પોલીસ તે રકમ સ્થળ પર જ વસૂલ કરશે. આ રકમ ભરવામાં અસમર્થ રહેશો તો પોલીસ વાહન જપ્ત કરવા સુધીના પગલાં લેશે.