અમદાવાદમાં એક યુવતી ગેંગરેપનો શિકાર બની છે. આ મામલે સેટેલાઇટ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદ પ્રમાણે ત્રણ જેટલા યુવકોએ ઘોડાસરની એક યુવતી સાથે ત્રણ વખત ગેંગરેપ કર્યો હતો. યુવતી સાથે ચાલુ કારમાં પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ત્રણ વખત દુષ્કર્મ
ફરિયાદ પ્રમાણે પૂર્વ અમદાવાદમાં રહેતી એક વેપારીની પુત્રીનું ત્રણ લોકો કારમાં અપહરણ કરી ગયા હતા. બાદમાં તેને બ્લેકમેઇલ કરીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવકોએ આ યુવતીને ત્રણ વખત પોતાના હવસનો શિકાર બનાવી હતી. યુવતી પર ચાલુ કરમાં પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
અપહરણ કરી ગુજાર્યો બળાત્કાર
ફરિયાદ પ્રમાણે ઘોડાસર ખાતે રહેતી યુવતીનું નહેરુનગર ખાતેથી એક કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ચાલુ કારે જ તેના પર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર ગુજારવાની સાથે સાથે યુવકોએ તેની વીડિયો ક્લિપ પણ ઉતારી લીધી હતી. આ વીડિયો ક્લિપ બતાવીને યુવતી સાથે ત્રણેય યુવકો વારંવાર બળાત્કાર ગુજારતા રહ્યા હતા. એટલું જ નહીં વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેવાની ધમકી આપીને તેની પાસેથી પૈસા પણ પડાવતા રહ્યા હતા.
મહિલા હેલ્પલાઇનમાં ફોન કરતા ફૂટ્યો ભાંડો
સતત હેરાનગતીનો શિકાર બનેલી યુવતી સાથે બે દિવસ પહેલા ફરીવખત ત્રણેય યુવકોએ બળજબરી કરી હતી. આ વખતે યુવતીએ હિંમત કરીને તેના માતાપિતાને આ અંગેની વાત કરતા પરિવારે મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. બાદમાં અભયમની ટીમ યુવતીની મદદે આવી હતી અને આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસે આ કેસમાં અપહરણ, બળાત્કાર સહિતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.