હર્મેશ સુખડિયા, અમદાવાદ: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદની એરપોર્ટ પોલીસે 1400 કિલોમીટર દૂર રહેતા પરિવારનુ તેમના ગુમ થયેલા યુવક સાથે મિલન કરાવ્યુ છે.
માનસિક અસ્થિર યુવક દોઢ મહિના પહેલા પોતાના ઘરેથી નિકળી ગયો હતો. અમદાવાદ પોલીસે ઈન્ટરનેટના માધ્યમથી આ યુવકના પરિવારને શોધી તેને તેના વતન મોકલી આપ્યો છે.
આ એ જ યુવક છે જે ઑગસ્ટ મહિનામાં એરપોર્ટની દીવાલ કૂદીને રન-વે સુધી પહોંચી ગયો હતો.
ગત તારીખ 10 ઑગષ્ટના રોજ અમદાવાદ એરપોર્ટના રન-વે પરથી એક યુવકને સી.આઈ.એસ.એફ (CISF) દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો. આ યુવક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાર્યવાહી કરી હતી.
પરંતુ તપાસ દરમિયાન ખુલ્યું કે, આ યુવક રાજેન્દ્ર ઉર્ફે સોકા પુશદ સિંગ માનસિક બિમાર છે. જેથી તેને મેન્ટલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. પરંતુ યુવક કોણ છે ? ક્યાથીં આવ્યો ? ,પરિવાર ક્યા છે,? તે અંગે કોઈ જ હકિકત સામે આવી ન હતી, માટે પોલીસે તેની સારવાર દરમિયાન પુછપરછ હાથ ધરી.
25 વર્ષિય રાજેન્દ્રની સારવાર દરમિયાન પ્રેમથી પુછપરછ કરતા તેણે પોતાના ગામનુ નામ ખમરીયા પુલ જણાવ્યુ. પરંતુ ગામ ક્યાં છે ? પોતાનુ સાચુ નામ શુ ? તે અંગે કોઈ હકીકત જણાવી ન હતી.
"આ વિગતો મેળવવા માટે પોલીસે ટેક્નોલોજી અને ઈન્ટરનેટનો સહારો લીધો હતો. પોલીસે ખમરીયા પુલ ગામનુ નામ ગૂગલ મેપમાં લખી તપાસ કરતા આ ગામ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં હોવાનું સામે આવ્યું હતું. આ યુવકની બોલી પરથી યુવક ઉત્તર પ્રદેશના ગામનો હોવાનું માની તપાસ આગળ ધપાવી. અને તે ગામની મોબાઈલની દુકાનનો એક કોન્ટેક્ટ નંબર પણ સોશિયલ મીડીયામાથી મળ્યો. જે મોબાઈલ ધારક સાથે વાત કરી યુવકનો ફોટો મોકલતા તેણે રાજેન્દ્રને ઓળખી બતાવ્યો અને અમે પરિવારને જાણ કરી," એ.સી.પી એ.એમ.દેસાઈ,એ(જી. ડિવિઝન) જણાવ્યું.
દોઢ મહિના પહેલા ઉત્તરપ્રદેશથી ગુમ થયેલા રાજેન્દ્રની પરિવારે આસપાસના તમામ ગામો અને જિલ્લામાં તપાસ કરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો. પરંતુ જ્યારે પરિવારે આશા છોડી દીધી હતી ત્યારે પોલીસ તે પરિવારને સોધતી સોધતી તેમના સુધી પહોંચી અને આખરે યુવકને તેનો પરિવાર મળી ગયો હતો.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર