અમદાવાદ: શહેરમાં રહેતી એક યુવતીએ ઓનલાઈન જીન્સનો ઓર્ડર કર્યો હતો. જીન્સનો ઓર્ડર કર્યા બાદ ડિલિવરી ન મળતા તેણે ગુગલ સર્ચ કરતા કુરિયર સર્વિસમાંથી વાત કરતા હોવાનું ઠગ ટોળકીએ જણાવી રિચાર્જ કરાવવાનું કહી એડ્રેસ અપડેટ કરવાનું કહી લિંક ઓપન કરાવી 93 હજાર સેરવી લીધા હતા. સમગ્ર બાબતે ફરિયાદ નોંધાતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાપુર લેક પાસે રહેતી 25 વર્ષીય યુવતી મૂળ મધ્યપ્રદેશની છે અને અમદાવાદમાં પીજી તરીકે રહે છે. આ યુવતી થલતેજ ખાતેની એક કંપનીમાં ઇન્ટિરિયર ડિઝાઈનર તરીકે નોકરી કરે છે અને બે બેન્ક એકાઉન્ટ ધરાવે છે. ગત નવેમ્બર માસમાં આ યુવતીએ ઓનલાઈન ગુગલ સર્ચ કરી લીવાઇસ કંપનીમાંથી જીન્સ ઓર્ડર કર્યો હતો. બીજા દિવસે આ જ રીતે ઓનલાઈન બીજું એક પેન્ટ બુક કરાવ્યું હતું. અને બાદમાં ત્રીજું પેન્ટ બુક કરાવ્યું હતું. પણ એક પેન્ટની ડિલિવરી ન મળતા યુવતીએ ગૂગલ સર્ચ કરી નમ્બર મેળવી તે નમ્બર પર ફોન કર્યો તો સામેથી શખશે ડિલિવરી સર્વિસમાંથી બોલતા હોવાનું કહી ઓર્ડરનું ટ્રેકિંગ આઈડી માંગ્યું હતું.
બાદમાં આ શખશે એડ્રેસ અપડેટ ન હોવાનું જણાવતા યુવતીએ તેઓની ઓફિસ આવી ઓર્ડર લઈ જવાનું કહ્યું હતું. પણ સામેવાળી વ્યક્તિએ મનાઈ કરી 3 રૂ.નું પેમેન્ટ કરી એડ્રેસ અપડેટ કરવાનું કહી એક લિંક ઓપન કરાવી અપડેટ કરવાનું કહી ઠગાઈનો ખેલ શરૂ કર્યો હતો. બાદમાં યુવતીને એક બાદ એક બેન્કમાંથી અલગ અલગ ટ્રાન્ઝેક્શન થયા હોવાના મેસજ મળ્યા હતા. યુવતીના બંને એકાઉન્ટમાંથી આ ઠગ ટોળકીએ 49 હજાર અને 44 હજાર સેરવી લીધા હતા. આમ યુવતીને જીન્સની ડિલિવરી 93 હજારમાં પડી હતી. યુવતીને આ અંગે સાયબર ફ્રોડ થયું હોવાનું જણાતા વસ્ત્રાપુરમાં ફરિયાદ નોંધાવતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુગલ પર સર્ચ કરતાની સાથે પહેલી જે લિંક આવતી હોય છે તે સર્ચ એન્જીન ઓપટીમાઇઝેશનમાં સૌથી વધુ સર્ચ થયેલી લિંક પહેલા બતાવતી હોય છે. જેથી સાયબર ક્રાઇમ કરનારા લોકો આવી જ વેબસાઈટ બનાવે છે અને લોકો પહેલી લિંક પર જ ક્લિક કરતા આખરે આ રીતે ઠગાઈનો ખેલ શરૂ થઈ જતો હોય છે.