અમદાવાદ : જો તમારી પાસે કિંમતી સામાન છે અને તમે રીક્ષામાં મુસાફરી કરી રહ્યા છો. તો આ કિંમતી વસ્તુઓની સાચવણી કરવી એ તમારી જવાબદારી છે. નહિ તો રીક્ષા ચાલકના સ્વાંગમાં ફરી રહેલા કેટલાક ગઢિયાઓ નજર ચૂકવીને ચોરી કરી શકે છે. આવો એક બનાવ શહેરના વાસણા વિસ્તારમાં જોવા મળ્યો છે. શાકભાજી લઈને ઘરે જઈ રહેલી મહિલાને અજાણ્યા રીક્ષા ચાલકે ઘરે મૂકી જવાની લાલચ આપીને પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઢિયાઓએ વૃદ્ધાની સોનાની બંગડી કાઢી લીધી.
વાસણા વિસ્તારમાં રહેતા અરુણાબેન મહેતાએ પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ મહેતા ચવાણાની પાસે ઊભી રહેતી શાકભાજીની લારી પર શાકભાજી ખરીદવા માટે ગયા હતા. શાકભાજી ખરીદીને તેઓ ઘરે પરત જઈ રહ્યા હતા. ત્યારે અંજલિ સર્કલ તરફથી એક રિક્ષા ચાલક આવ્યો હતો અને વૃદ્ધાને રિક્ષામાં ઘરે મૂકી જવા માટે કહ્યું હતું. જોકે, આ રિક્ષામાં અગાઉથી એક પેસેન્જર બેઠેલો હતો.
જ્યારે વૃદ્ધા રિક્ષામાં બેસે છે ત્યારે, થોડેક આગળ જઈને બીજો એક પેસેન્જર રિક્ષામાં બેસે છે. આ બંને પેસેન્જર વૃદ્ધાને વારંવાર બરાબર બેસો તેમ કહી ને તેમનું ધ્યાન બીજે દોરતા હતાં. વૃદ્ધાને તેમના ઘર પાસે ઉતારી ત્રણેય ગઠીયાઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા. વૃદ્ધા ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો, જમણા હાથમાં પહેરેલી બે સોનાની બંગડીઓ ગાયબ હતી. જેથી તે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.