અમદાવાદ: કહેવાય છે કે જેવી સોબત એવી અસર. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે હિન્દી ફિલ્મ સંજુમાં (Sanju) બતાવેલી કહાની જેવો છે. ફિલ્મ સંજુમાં હીરો રણવીર કપૂરને તેનો એક મિત્ર ડ્રગ્સના (Drugs) રવાડે ચઢાવે છે. તે પાવડર ફોર્મમાં ડ્રગ લાવી રણવીર કપૂરને તેનો આદી બનાવે છે પણ પોતે પાવડર ફોર્મનું ડ્રગ પીતો હોવાનું નાટક કરી માત્ર રણવીર ને મિત્રતામાં જ ડ્રગ્સ ના રવાડે ચઢાવતો હોવાની કહાની બતાવવામાં આવી છે. આવી જ એક ઘટના શહેરના રામોલ પોલીસના (Ramol Police station) ચોપડે નોંધાઈ છે.
એક મિત્ર નશાની ટેવ ધરાવતો હોવાથી તેણે તેના મિત્રને પણ આ અલગ અલગ નશા કરાવી ટેવનો બંધાણી બનાવી દીધો હતો. બાદમાં યુવક જ્યારે નશાની લતે ચઢી ગયો ત્યારે તે નશો કર્યા વગર રહી શકતો ન હતો. અને તે જ વાતનો ફાયદો ઉઠાવી આ શખશે તેના મિત્રને બ્લેકમેલ કરી લાખો રૂપિયા અને વાહન પડાવી લીધું હતું. આખરે કંટાળીને પાયમાલ થઈ ગયેલા યુવકે પોલીસનો સહારો લેવાનું નક્કી કરી મિત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સમાજમાં દાખલો બેસાડવા આ અંગેની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઓઢવમાં રહેતો 37 વર્ષીય યુવક સિંગરવા ખાતે સુથારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી દોઢેક વર્ષ પહેલા આ યુવક રામોલ જનતા નગર ખાતે રહેતા એક વ્યક્તિ પાસે ગયો હતો.
આ વ્યક્તિ જમીન દલાલીનું કામ કરતો હોવાથી તે પ્રકારનું કામ કરાવવા માટે આ યુવક તેમની પાસે ગયો હતો. અવારનવાર આ વ્યક્તિની પાસે જમીનના કામ માટે યુવકને મળવાનું થતાં તે વ્યક્તિના ત્યાં અવરજવર કરતો જાકીર હુસૈન ઉર્ફે જીંગો સાથે આ યુવક પરિચયમાં આવતો હતો. યુવક અને જાકીર હુસેન બંને અવારનવાર એકબીજા સાથે મુલાકાત કરતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
જાકીર નામનો આ વ્યક્તિ અલગ અલગ નશા કરવાની ટેવ ધરાવતો હતો. જ્યારે જ્યારે યુવક તેને મળતો હતો ત્યારે તે અલગ અલગ નશા કરેલી હાલતમાં હોવાનું આ યુવકને જણાતું હતું. બાદમાં જાકીરએ પણ આ યુવકને નશાની ટેવ પાડી હતી. આ યુવક પણ તેના મિત્રની ખરાબ સોબતમાં આવી ગયો હતો અને અલગ અલગ નશા કરવાની આદતથી બંધાઈ ગયો હતો.
થોડા સમય બાદ જાકીર આ યુવક પાસે નશો કરતી વખતે પૈસા માગતો હતો. જાકીર આ યુવકને જણાવતો હતો કે, તેણે નશો કરાવવા માટે તેની પાછળ ઘણો ખર્ચ કર્યો છે અને જો તે ખર્ચ નહીં આપે તો એના ઘરે કહી દેશે. યુવકના ઘરે તે પોતે નશો કરે છે તે વાતની જાણ ન હોવાથી તે તેના મિત્ર જાકીરની આ વાતથી ગભરાઈ જતો અને ટુકડે-ટુકડે યુવકે તેના મિત્ર જાકીરને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં પણ તે અલગ અલગ પ્રકારના નશા કરવાની વાતો ઘરે કહી દેવાની ધમકી આપી પૈસા માગતો હતો. જેથી યુવકે તેને બે કોરા ચેક પણ આપ્યા હતા.
આટલું જ નહીં જાકીર નામના શખશે આ યુવક પાસેથી તેનું બાઈક પડાવી લીધું હતું અને બાદમાં પણ તે જ્યારે નશો કરવા બોલાવે ત્યારે યુવક પાસે પૈસા માગી તેને ધમકી આપતો હતો. એટલું જ નહી, જાકીર નામના શખ્સે આ યુવકની ઇકો ગાડી પણ પડાવી લીધી હતી. જાકીરે યુવકને રામોલ બોલાવી ઝપાઝપી કરી ગાળો આપી કહ્યું કે, પૈસા નહીં આપે તો તેના ઘરે કહી દેશે.
" isDesktop="true" id="1108958" >
બાદમાં યુવકના પિતાએ બાઈક અને ગાડી બાબતે પૂછતાં તે ભાંગી પડયો હતો અને તેના પિતાને સઘળી હકીકત જણાવતા તેના પિતાએ હિંમત આપતા આ યુવકે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જાકીર નામના શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.