લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર ભરાવાની ગુરૂવાર અંતીમ તારીખ છે, ત્યારે ગુજરાતમાં લોકસભાની 26 સીટો માટે ભાજપ કોંગ્રેસ બંને દ્વારા છેલ્લી ઘડીના નામ જાહેર કરવાની મથામણ ચાલી રહી હતી. ત્યારે ભાજપે પોતાના છેલ્લા એક ઉમેદવારનું નામ પણ જાહેર કરી દીધુ છે. ભાજપે અમદાવાદ પૂર્વ સીટ પરથી એચ. એસ. પટેલને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપે ગુજરાતમાં અમદાવાદ પૂર્વ સીટ પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. ભાજપે એચ. એસ પટેલને અમદાવાદ પૂર્વ લોકસભા સીટના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, હસમુખ. એસ. પટેલ અમરાઈવાડીના ધારાસભ્ય છે.
ભાજપ અમદાવાદ પૂર્વ બેઠક પર ક્યારનુંએ અવઢવમાં મૂકાયું હતું. 25 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા બાદ આ એકમાત્ર બેઠક પર ભાજપ અસમંજસમાં મૂકાઈ હતી. આ બેઠક પર બે પાટીદાર નેતા સી.કે.પટેલ અને વલ્લભ કાકડિયા રેસમાં હતા. આ બંને નેતાઓએ ગાંધીનગર ખાતે પ્રભારી ઓમ માથુર સાથે બેઠક પણ કરી હતી. પરંતુ ભાજપે અચાનક અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ એસ પટેલને ઉમેદવાર બનાવતા લોકો આશ્ચર્યમાં મુકાયા છે. આ બાજુ કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર તરીકે આ બેઠક પરથી ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે. હવે અમદાવાદ પૂર્વ બેઠક પર ગીતાબેન પટેલ અને હસમુખભાઈ પટેલ વચ્ચે એટલે કે બે પાટીદાર નેતા વચ્ચે સીધો જંગ રહશે.
ઉલ્લેખનીય છે કે, ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે અભિનેતા પરેશ રાવલને ઉમેદવાર બનાવ્યા હતા, અને તેમનો વિજય થયો હતો. ત્યારબાદ આ વખતે પરેશ રાવલ પહેલાથી જ કહી ચુક્યા હતા કે, હું આ વર્ષે લોકસભા ચૂંટણીની રેસમાં નથી. ત્યારથી ભાજપ આ બેઠક પર ઉમેદવાર પસંદ કરવાને લઈ અસમંજસમાં હતું.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર