સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદની 50થી વધુ શાળામાં CID ક્રાઈમના અધિકારીઓ વિદ્યાર્થીઓને સાઇબર સેફ્ટી (Cyber Safety) અને સિક્યુરિટીના પાઠ શીખવશે. સંયુક્ત શિક્ષણ નિયામકે પરિપત્ર જાહેર કરીને વધુને વધુ શાળાઓને જોડાવા તાકીદ કરી છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી (Gujarat Technology University)ના નિષ્ણાત પ્રોફેસરો પણ આ આયોજનમાં જોડાશે.
ગૃહમંત્રાલય દ્વારા સાઇબર સેફ્ટી અને સિક્યુરિટી જાગૃતિ વીકની ઊજવણીના ભાગરૂપે આ આયોજન કરાયું છે. નોંધનીય છે કે દિવસેને દિવસે સાઇબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. આ સાઇબરના ગુનાઓને ઉકેલવામાં ભલભલા નિષ્ણાતો ચક્કર ખાય જાય છે. સાથે સાથે દરરોજ ઓનલાઈન ફ્રોડના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.
એક અંદાજ પ્રમાણે અમદાવાદ શહેરમાં જ દર 2 દિવસે એક સાઇબર ક્રાઇમના ગુનાની અરજી પોલીસ ચોપડે નોંધાય છે. જે અંતર્ગત દર મહિને 15થી વધુ ગુનાઓ સાઇબર ક્રાઈમના સામે આવે છે. તેવી જ રીતે સમગ્ર રાજ્યમાં 250થી વધુ સાઇબર ક્રાઇમની અરજીઓ પોલીસને મળે છે. ત્યારે મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીને ધ્યાનમાં રાખી GTU 150 કાર્યક્રમ પણ યોજશે. આ અંતર્ગત વધુને વધુ શાળાઓને સાઇબર સેફ્ટી અવેરનેસ વીક(Cyber Safty Awareness Week) માં જોડવાનું આયોજન કરાયું છે.
મહત્વનું છે કે ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના સાઇબર ડિપાર્ટમેનટ્ના નિષ્ણાત પ્રોફેસરો પણ આ આયોજનમાં જોડાશે. જીટીયુના સાઇબર એક્સપર્ટ અમદાવાદ અને રાજકોટ પોલીસને પણ સાઇબર સિક્યુરિટીની તાલિમ આપી રહ્યા છે.