Home /News /gujarat /બ્રોકર સુસાઇડ : અગાઉ Dysp ચિરાગ પટેલ પર ચંદન ચોરી કેસમાં થયો હતો આક્ષેપ
બ્રોકર સુસાઇડ : અગાઉ Dysp ચિરાગ પટેલ પર ચંદન ચોરી કેસમાં થયો હતો આક્ષેપ
મૃતક ભરત પટેલ અને DYSP ચિરાગ પટેલની ફાઇલ તસવીર
બ્રોકર પાસેથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં DYsp ચિરાગ સવાણી અને તેના ભાઈ મોન્ટુ સવાણી પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ. DCPએ આપી ખાતરી PI કરશે કેસની તપાસ
હર્મેશ સુખડિયા, અમદાવાદ : અમદાવાદમાં આજે એક બિટકોઇન બ્રોકરે આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. બ્રોકરે આત્મહત્યા કરતા પહેલાં લખેલી સ્યુસાઇડ નોટમાં DYsp ચિરાગ સવાણી અને તેના ભાઈ મોન્ટુ સવાણી પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ ઘટના બાદ પરિજનોએ મૃતક ભરત પટેલના પાર્થિવ શરીરને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. જોકે, અમદાવાદના ઝોન -2ના ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ સ્થળ પર જઈને પરિજનોને તપાસની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો. દરમિયાન આ કેસમાં જેમની સામે આક્ષેપ થયો છે તે ડીવાયએસપી ચિરાગ પટેલ અગાઉ પણ વિવાદોમાં સપડાયા છે. અગાઉ ગાંધીધામમાં ચંદન ચોરીના કેસમાં તેમની સામે આક્ષેપો થયા હતા અને તેના કારણે તેમની બદલી કરવામાં આવી હતી.
ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ આશ્વાસન આપ્યું છે કે આ કેસમાં PI તપાસ કરશે અને મૃતકે લખેલી સ્યુસાઇડ નોટને એફ.એસ.એલમાં તપાસ માટે મોકલવામાં આવશે. પોલીસ હેન્ડરાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેશે.
ઉલ્લેખનીય છે કે બ્રોકર ભરત પટેલે સ્યુસાઇડ નોટમાં ડીવાયએસપી ચિરાગ સવાણીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ છે. જ્યારે તેઓ 11575 બિટકોઇનના હિસાબ બાબતે ત્રાસ આપતાં હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે.
આ અંગે ચિરાગ સવાણીએ ટેલિફોનિક વાત દરમિયાન આરોપો નકાર્યા છે. પરંતુ મોન્ટુ સવાણી તેમનો ભાઇ હોવાનો સ્વીકાર કર્યો હતો. ઉપરાંત સ્યુસાઇડ નોટમાં મોન્ટુ સવાણીનો પણ ઉલ્લેખ કરાયો છે. હાલ આ અંગે રાણીપ પોલીસે ગુનો નોંધી સ્યુસાઇડ નોટ એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ડીવાયએસપી ચિરાગ પટેલનું હાલમાં કેવડિયા પોસ્ટીંગ છે. પોલીસ તેમની ભૂમિકાની પણ કેસમાં તપાસ કરશે. બીટકોઇન પર પ્રતિબંધ હોઈ ડીવાયએસપી ચિરાગ પટેલે તેનો ઉપયોગ કર્યો હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું.