ન્યૂઝ 18 ગુજરાતી: તમાકુની બનાવટોનું વેચાણ સ્કૂલોથી દૂર રાખવા સરકારે કાયદા બનાવ્યા છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટડી એન્ડ ટ્રાન્સફોર્મેશનના વોલન્ટિયર્સ નામની એનજીઓએ શહેરના 6 ઝોનના એક -એક વોર્ડમાં 2214 દુકાનદારો પર સર્વે કર્યો છે. જેમાં જાણવા મળ્યું કે, તમાકુની પ્રોડક્ટ વેચતી 12 ટકા દુકાનો સ્કૂલની આજુબાજુનાં વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાણ થાય છે. જ્યારે મોટા ભાગના ગલ્લાંમાં બાળકોને તમાકુ કે તેની બનાવટ વેચવી ગુનો છે તેવી ચેતવણી લગાવાઈ નથી.
આ એનજીઓ દ્વારા કરાયેલા સર્વેમાં અમદાવાદના વિવિધ વોર્ડના 2214 જેટલા ગલ્લા,દુકાનો-લારીને સેમ્પલ તરીકે લઈને સર્વે કરાયો હતો.જેમાં એવુ જોવા મળ્યુ છે કે 17 હજારથી વધુ પાનના ગલ્લાં-દુકાનો મુખ્ય રસ્તાઓની બંને બાજુએ છે. દરેક વોર્ડમાં સરેરાશ 370 જેટલા તમાકુ કે તેની બનાવટો વેચનારાઓ છે. સર્વેના તારણ પ્રમાણે 12 ટકા જેટલા પાનના ગલ્લા-દુકાનો સ્કૂલોની આસપાસ રહેલા છે.
નિયમ પ્રમાણે સ્કૂલની આસાપસ 100 ચોરસવાર જગ્યામા તમાકુ વેચી ન શકાય તે છતાં ખુલ્લેઆમ તમાકુ અને તેની બનાવટો વેચાઈ રહી છે. જ્યારે મોટા ભાગના એટલે 99 ટકા પાનના ગલ્લાંમા 18 વર્ષથી નીચેની વયના બાળકોને તમાકુ કે તેની બનાવટ વેચવી ગુનો છે તેવી ચેતવણી પણ લગાવાઈ નથી. આ સર્વેનો અહેવાલ કોર્પોરેશનને પણ આપવામાં આવશે.