ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ : ભાજપમાં જ રહીને ભાજપ સામે બાંયો ચડાવનાર નેતાઓમાં ઉમેરો થયો છે. પાસ છોડ્યા બાદ ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલ બાદ હવે અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા ચેતન ઠાકોરે પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ ચેતન ઠાકોરે ઠાકોર સમાજના લોકો પર થયેલા કેસ તેમજ ઢુંઢર ગામ ખાતે 14 માસની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ન્યાય નહીં મળે તો એકતા યાત્રા કાઢવાની અને વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ચેતન ઠાકોર ચૂંટણી સમયે અલ્પેશથી અલગ થઈને ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં રહીને પક્ષ સામે જ બંડ પોકારનાર ચેતન ઠાકોરનું કહેવું છે કે તે ઠાકોર સમાજના ભલા માટે ભાજપમાં જોડાયો હતો. ભાજપમાં જોડાયો ત્યારે સરકારે ઢુંઢરની બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ત્રણ મહિનામાં પગલાં લેવાની ખતારી આપી હતી. પરંતુ સરકારે તેનું કોઈ જ વચન પાળ્યું નથી.
ચેતન ઠાકોરે શું કહ્યું?
ભાજપ સામે નારાજગી પ્રગટ કરતા ચેતન ઠાકોરે કહ્યુ કે, "
ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે, પરંતુ મારી સરકાર એક 14 માસની બાળકીને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. મારે દુઃખ સાથે આ વાત કહેવી પડે છે. જે-તે સમયે ન્યાયની માંગણી સાથે મારા નિર્દોષ ભાઈઓ નીકળ્યા હતા પરંતુ રાજનેતાઓએ રાજનીતિ કરવા માટે તે લોકોને આડેહાથ લઈને 876 લોકો પર ખોટા કેસ કર્યા છે. હું સરકારને કહેવા માંગું છું કે આ લોકો પર કરવામાં આવેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવે. જો આ રીતે દીકરીને ન્યાય નહીં મળે અને ખોટા કેસો પરત નહીં ખેંચવામાં આવે તો અમે લોકો હિંમતનગરથી ન્યાયયાત્રા કાઢીશું. આ યાત્રા ગાંધીનગર સુધી જશે. ગાંધીનગર ન્યાયયાત્રા પહોંચે ત્યાં સુધી ન્યાય નહીં મળે તો બજેટ સત્ર વખત અમે વિધાનસભાનો ઘેરાવ કરીશું. પછી ઠાકોર સમાજ જોશે કે કયો રાજનેતા દીકરીને ન્યાય અપાવ્યા વગર વિધાનસભામાં ઘૂસી શકે છે."
નોંધનીય છે કે હાલ પાટીદાર નેતા રેશ્મા પટેલ ભાજપમાં રહીને ભાજપનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં રેશ્મા પટેલે જાહેરાત કરી છે કે તેઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે. રેશ્મા પટેલની દલીલ છે કે તેઓ ભાજપમાં જોડાયા ત્યારે તેમને પક્ષ તરફથી પાટીદારોના દીકરા શહીદ થયા હતા તે પરિવારોને ન્યાય અપાવવાનું વચન આપવામાં આવ્યું હતું, જે વચન પુરું કરવામાં આવ્યું નથી. એટલું જ નહીં આવા પરિવારના સભ્યને નોકરીનું વચન પણ પુરું કરવામાં આવ્યું નથી.