ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યમાં 2002માં ગોધરા રેલવે સ્ટેશન ખાતે કારસેવકો જે ડબ્બામાં હતા તેમાં આગ લગાડવામાં આવી હતી. આ ઘટનામાં કુલ 59 લોકો મૃત્યું પામ્યાં હતા જેમાંથી 52 લોકોની ઓળખ થઇ હતી. ઘટનાનાં 17 વર્ષ પછી 52 મૃતકોનાં પરિવારને રાજ્ય સરકાર પાંચ લાખની સહાય આપશે.
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ કાંડમાં જે પણ મૃતકો છે તેમના વારસદારોને સહાય ચુકવવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદાનાં 16 મહિના બાદ ગોધરાકાંડનાં મૃતકોનાં વારસદારોને 5 લાખની સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે 260 લાખની રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી હસ્તક મુકી હોવાનું ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
ગોધરા ટ્રેનના 52 મૃતકોના પરિવારને પહેલા કેન્દ્રએ રૂ. 3.5 લાખ અને રાજય સરકારે 1.5 લાખ એમ રૂ. પાંચ લાખ તેમજ રેલ્વે મંત્રાલયે અલગથી રૂ. 3.50 લાખ મળીને કુલ રરૂ. 8.50 લાખ વળતર આપ્યું છે. હવે હાઇકોર્ટના આદેશના પગલે ગુજરાત સરકાર રૂ. પાંચ લાખ અને રેલ્વે રૂ. પાંચ લાખનું વળતર મળશે એટલે મૃતકોના દરેક પરિવારને કુલ રૂ. 18.5 લાખની સહાય મળશે. જે માટે મૃતકોના વારસદારોએ સહાય મેળવવા માટે સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, પ્રથમ માળ, એડવોકેટ ફેસેલિટી બિલ્ડિંગ, એ- વિંગ, ગુજરાત હાઇકોર્ટ કોમ્પ્લેક્સ, અમદાવાદનો સંપર્ક સાધવાનો રહેશે. મૃતકોના વારસદારોએ જરૂરી આધાર-પુરાવા પણ પૂરા પાડવાના રહેશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર