ગુરુવારે ACBએ ગાંધીનગર ખાતે બોલાવેલા સપાટામાં 56 લાખ રોકડા પકડાયા હતા. ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમની કચેરીમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ પાડેલા દરોડામાં નિગમના ડિરેક્ટર કે.સી. પરમારના ટેબલના ખાનામાંથી જ 40 લાખ રોકડા મળ્યા હતા. જ્યારે અન્ય અધિકારીઓના ડ્રોઅરમાંથી પણ મોટી રકમ મળી આવી હતી. ગુરુવારે ચાલેલી દરોડાની કામગીરી દરમિયાન એસીબીને કુલ 56 લાખની રોકડ મળી હતી.
ACBએ તમામ અધિકારીઓને મોકલી નોટિસ
ગુરુવારે દરોડ બાદ આજે શુક્રવારે તમામ અધિકારીઓને પૂછપરછ માટે એસીબીની ઓફિસમાં બોલાવાયા છે. આ મામલે એસીબીએ ક્લાસ-1 અને ક્લાસ-2ના અધિકારીઓને નોટિસ મોકલી છે. એસીબી ઓફિસ ખાતે આ અધિકારીઓને રૂપિયા ક્યાંથી આવ્યા તેનો ખુલાસો આપવા કહેવામાં આવ્યું હતું. બીજી તરફ જમીન વિકાસ નિગમના આસિસ્ટન્ટ ડિરેક્ટર એમ.કે.દેસાઈના પાટણ સ્થિત આવેલા ઘરે દરોડા કરવામાં આવ્યા છે. પાટણની નંદનવન સોસાયટીના મકાન નંબર 5માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હિંમતનગર ખાતે આવેલી દેસાઈની ઓફિસ પર પણ એસીબીએ દરોડ કર્યા છે. અધિકારીના બેંક ખાતા તેમજ તેમના લોકર્સની વિગતો માંગવામાં આવી છે.
રૂપિયા ગણવા મશીન મંગાવવા પડ્યા
ગુરુવારે દરોડાની કાર્યવાહી દરમિયાન 56 લાખ જેટલી રકમ મળી આવતા એસીબીએ બેંકના અધિકારીઓને જાણ કરી હતી. બેંકના અધિકારીઓએ રોકડ ગણવા માટે મશીનનો ઉપયોગ કરવા પડ્યો હતો. રેડ અંગે એસીબીના અધિકારીએ જણાવ્યું હતું કે જમીન વિકાસ નિગમમાં થઈ રહેલા ગોટાળાની અમને અનેક ફરિયાદો મળી હતી. અમે છેલ્લા એક મહિનાથી આના પર નજર રાખી રહ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં પાંચ ડી.વાય.એસ.પી અને 12 જેટલા પોલીસકર્મી જોડાયા હતા.