Home /News /gujarat /

બળાત્કાર: પાડોશીઓ- સંબંધીઓ અને મિત્રોથી જ મહિલાઓ સલામત નથી?

બળાત્કાર: પાડોશીઓ- સંબંધીઓ અને મિત્રોથી જ મહિલાઓ સલામત નથી?

  ગૌરાંગ જાની

  તાજેતરમાં અમદાવાદ યુવતિએ સામુહિક બળાત્કારના ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં આરોપ-પ્રત્યારોપ થઇ રહ્યા છે પણ એક વિગત આંખે ઉડીને વળગે એવી છે કે, જે યુવાનો પર આરોપ લાગ્યો છે તે ભોગબનનારના મિત્રો-પરિચિત છે.

  ભારતમાં ઠેર ઠેર અનેકવિધ દેવીઓનું પૂજન થાય છે. હજારો મંદિરોમાં લોકો શ્રદ્ધાથી આદ્યશક્તિને નમન કરે છે. નવરાત્રિનો તહેવાર ઉજવાય છે. માતાની માનતા પૂર્ણ કરવા પગપાળા સંઘ એ રોજિંદી બાબત છે. શ્રદ્ધાથી છલોછલ ભરપૂર હિંદુસ્તાનમાં મહિલાઓ પરના અત્યાચાર આપણું અને આપણી શ્રદ્ધાઓનું માથું શરમથી ઝુકાવી દે એ હદે વધી રહ્યાં છે.

  નાની બાળકીથી માંડી વૃદ્ધા સુધી તમામ વય જૂથની મહિલાઓ અસલામત છે. આપણા પરિવારમાં મા-બાપ અને વડીલો ચિંતિત છે કે ઘરની બહાર ભણતી કે કામ કરતી દીકરીઓનું શોષણ ના થાય. મહિલાઓને રાત્રે મોડા સુધી બહાર નહીં ફરવાનું સૂચન વારંવાર કરવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે ભારતની મહિલાઓ પોતાના ઘરમાં જ કેમ સુરક્ષિત નથી?

  જન્મ પૂર્વે ભૃણહત્યા એ તો કહેવાતા આધુનિક ભારતનો મહિલાઓ પરનો અમાનવીય અત્યાચાર છે. પરંતુ જન્મ બાદ સ્ત્રી માતા-પિતાને ત્યાં, સાસરે, પાડોશમાં, સગાંઓનાં ઘરમાં એમ પરિચિતોની આસપાસ પણ અસલામત છે. આ કડવી પણ સ્વીકારવી પડે એવી વાસ્તવિકતા નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના વર્ષ ર૦૧પના અહેવાલમાં છતી થઈ છે. 'વસુધૈવ કુંટુંબકમ'ના નારા લગાવતા ભારતીઓને આઘાત અને આશ્ચર્ય થાય, કે દેશમાં મહિલાઓ પર થતાં બળાત્કારના આરોપીઓમાં ૯પ ટકા તો બળાત્કાર પીડિતાઓના પરિચિત જ હોય છે. વર્ષ ર૦૧પમાં દેશભરમાં મહિલાઓ પર બળાત્કારના કુલ ૩૪,૬પ૧ બનાવો બન્યા. તેમાંના ૩૩,૦૯૮ એટલે કે ૯પ ટકા કિસ્સાઓમાં ગુનેગારોને પીડિતા ઓળખતી હતી. સૌથી વધુ બળાત્કારીઓ પાડોશી છે એ વાસ્તવિકતા 'પાડોશીને પણ પ્રેમ કરો' એ ભગવાન ઈસુનો ઉપદેશ આપણાથી કેટલા જોજનો દૂર છે એની પ્રતીતિ કરાવે છે. ૯પ૦૮ (ર૮.૭ર ટકા) બનાવોમાં બળાત્કાર કરનાર પાડોશી હતા. તેનો અર્થ એ થયો કે ભારતનો પ્રત્યેક ચોથો બળાત્કારી પીડિતાનો પાડોશી છે. આ આંકડા આપણા સમાજ જીવનનાં એક એવા પાસાને સપાટી પર લાવે છે જે પાડોશી ધર્મ પર પ્રશ્નાર્થ મૂકે છે.  પાડોશી બાદ બળાત્કારીઓનો એક એવો સમૂહ છે જે આજની કિશોરીઓ અને યુવતીઓનું શોષણ કરે છે અને તે પણ પ્રેમ અને લાગણીના ઓઠા હેઠળ. વર્ષ ર૦૧પમાં ૭૬પપ દુષ્કર્મના કિસ્સાઓમાં આરોપીએ એવી મહિલા પર બળાત્કાર કર્યો જેને તેણે લગ્નનું વચન આપ્યું હતું. પ્રથમ પ્રેમ અને નિકટતા કેળવી, જન્મો જન્મ સાથે રહેવાના વચન આપનારા કેટલાક પુરુષોએ પ્રેમિકાનું જાતીય શોષણ અને બળાત્કાર કર્યા. આમ પાડોશી અને પ્રેમી એ બંને પાત્રો જેના પર સ્ત્રીઓ સૌથી વધુ વિશ્વાસ રાખતી હોય તે આજના ભારતના પ૦ ટકા બળાત્કારી આરોપી છે.

  બાળકી હોય કે વૃદ્ધા હોય કે પછી કિશોરી કે યુવતી, એ તમામ, પરિવારના લોહીના સગાં એવા પુરુષો પાસે સલામત જ હોય એ સ્વાભાવિક છે પરંતુ ભારતમાં વર્ષ ર૦૧પમાં ૪૮૮ કિસ્સાઓમાં દુષ્કર્મ આચરનાર પીડિતાના દાદા, પિતા, ભાઈ અને પુત્ર હતા. ૪૮૮ બનાવો અને તે પણ એક વર્ષમાં અર્થાત્ પ્રતિદિન એકથી વધારે આરોપીઓ શોષિત મહિલાના પરિવારના જ સભ્યો છે. આવી ઘટનાઓનો માનસશાસ્ત્રીઓ તો અભ્યાસ કરે જ પરંતુ જનસામાન્ય માટે એ અત્યંત આઘાતજનક છે કે આજની ભારતીય મહિલા પોતાના જ ઘરમાં અસુરક્ષિત છે, અસલામત છે, શોષિત છે.

  નજીકના કૌટુંબિક સગાઓથી માંડી નજીકના સંબંધીઓ તેમજ લીવ ઈનમાં રહેતી મહિલાઓના પાર્ટનર અને પૂર્વ પતિ દ્વારા પણ દુષ્કર્મ આચરવામાં આવે છે. પોલીસના ચોપડે નોંધાયેલી હકીકતો એક તરફ સૌને ચિંતામાં મૂકી દે છે. બીજી તરફ આ હકીકતો કિશોર અને કિશોરીઓના ઉછેરમાં કેવી તકેદારી રાખવી જોઈએ એ દિશામાં ચિંતન કરવા સૌને પ્રેરે છે.

  (પ્રો. ગૌરાંગ જાની ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અદ્યાપક છે)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: NCRB, Rape victim

  આગામી સમાચાર