2013માં નવા જિલ્લાઓની રચના કરી દેવામાં આવી હતી તેનો સીધો મતલબ એવો થાય છે કે અત્યારસુધી એટલે કે પાંચ વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં કોઈનું ધ્યાન જ ગયું ન હતું કે રાજ્યનો નક્શો બદલાઈ ગયો છે.
અમદાવાદઃ લો કરો વાત. ગુજરાતના આખે આખા સાત જિલ્લા જ ખોવાઈ ગયા છે. આ કોઈ મજાક નથી. સાચેજ આવું થયું છે. ધોરણ-6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં એક ગંભીર છબરડો સામે આવ્યો છે. આ પુસ્તકમાં છપાયેલા ગુજરાતના નકશામાંથી ગુજરાતના સાત જિલ્લાઓને જ ગાયબ કરી દેવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ GCERT ડાયરેક્ટર કહી રહ્યા છે કે આ પુસ્તકો 2012માં છપાયા હતા. એટલે કે તેમાં નવા બનેલા જિલ્લાઓનો સમાવેશ નથી થતો. તેનો સીધો મતલબ એવો થાય કે પાંચ વર્ષ સુધી GCERTના ડાયરેક્ટરને યાદ જ ન્હોતું કે પુસ્તકમાં જે નકશા છપાઈ રહ્યા છે તે જૂના છે!
સાત જિલ્લા ગાયબ!
ધોરણ-6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં જે જિલ્લાઓનાં નામનો સમાવેશ નથી થયો તેમાં, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, મહિસાગર, તાપી, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લાનો સમાવેશ થાય છે. પાઠ્ય પુસ્તકમાં ગુજરાતમાં થતાં પાકો, અભ્યારણ્યો, ખનીજ સંપત્તિ, વરસાદ વગેરે વિશે માહિતી આપવા માટે વિવિધ નક્શાઓની મદદ લેવામાં આવી છે. આ નક્શાઓમાં નવા સાત જિલ્લાઓનો સમાવેશ કરાયો નથી.
2013માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાત નવા જિલ્લાઓની રચનાની જાહેરાત કરી હતી. જે પ્રમાણે તા. 15મી ઓગસ્ટ, 2013ના રોજથી રાજ્યમાં નવા સાત જિલ્લા કાર્યરત થયા હતા. જેમાં સાબરકાંઠાના ભાગલા પાડીને અરવલ્લી જિલ્લો, જૂનાગઢમાંથી ગીર-સોમનાથ, ભાવનગર અને અમદાવાદમાંથી બોટાદ, વડોદરામાંથી છોટાઉદેપુર, પંચમહાલ અને ખેડામાંથી મહિસાગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાંથી દેવભૂમી દ્વારકા જિલ્લો રચવામાં આવ્યો હતો.
2013માં નવા જિલ્લાઓની રચના કરી દેવામાં આવી હતી તેનો સીધો મતલબ એવો થાય છે કે અત્યારસુધી એટલે કે પાંચ વર્ષ સુધી શિક્ષણ વિભાગમાં કોઈનું ધ્યાન જ ગયું ન હતું કે રાજ્યનો નક્શો બદલાઈ ગયો છે. આ બાબતે કોઈએ પુસ્તકના નક્શા પ્રમાણિત કરનાર સંસ્થાનું પણ ધ્યાન દોર્યું ન હતું!
આ બાબતે જ્યારે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિચર્સ એન્ડ ટ્રેનિંગ (GCERT)ના ડાયરેક્ટર ટી.એસ.જોશીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, "આ પુસ્તક વર્ષ 2012માં તૈયાર કરવામાં આવ્યું હતું. દહેરાદૂનની એક સંસ્થા તરફથી આ નક્શાઓ પ્રમાણિત કરવામાં આવે છે." ડિરેક્ટરની વાત પરથી એટલું તો સ્પષ્ટ છે કે દહેરાદૂનની સંસ્થાએ નક્શો પ્રમાણિત કર્યા બાદ અહીં કોઈએ પુસ્તકને જોવાની પણ તસ્દી લીધી નથી.
ડાયરેક્ટર આટલેથી અટક્યા ન હતા અને તેમણે વધુમાં કહ્યું કે, 'આ ભૂલ આવી જ રીતે ચાલશે. જ્યારે પુસ્તકની નવી આવૃત્તિ આવશે ત્યારે તેમાં ભૂલ સુધારવામાં આવશે.' આ વાતનો સીધો મતબલ થાય કે જ્યાં સુધી નવી આવૃત્તિ નહીં આવે ત્યાં સુધી ગુજરાતમાં બાળકોને ગુજરાતની ભૌગોલિક સ્થિતિ કે નક્શાઓ અંગે ખોટું જ્ઞાન આપવામાં આવશે.
તપાસના આદેશ આપાયા
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ બાદ આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ મામલે શિક્ષણંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જવાબદાર અધિકારીઓ પાસેથી આવી ગંભીર ભૂલ અંગે ખુલાસો માંગ્યો છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર