Home /News /gujarat /

રાજ્યમાં વરસાદથી 6 હજાર લોકોનું સ્થળાંતર, 17 જળાશયો છલકાયા

રાજ્યમાં વરસાદથી 6 હજાર લોકોનું સ્થળાંતર, 17 જળાશયો છલકાયા

ભાવનગરમાં વરસાદ

ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે તમામ જળાશયોમાં પાણીનો 56 ટકા જથ્થો હતો, જ્યારે આ વખતે અત્યારે જ વિવિધ જળાશયોમાં 60 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

    ન્યૂઝ18 ગુજરાતી : રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. જે બાદમાં તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી આપેલી જાણકારી પ્રમાણે રાજ્યમાં બે દિવસમાં વરસાદને કારણે 11 લોકોનાં મોત થયા છે, જ્યારે છ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    રાજ્યના 17 ડેમ ઓવરફ્લો

    સીએમના જણાવ્યા પ્રમાણે, "ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ હાલ ઓવરફ્લો થઈ રહ્યો છે, તેમજ ઉકાઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના 17 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. ગયા વર્ષે ચોમાસું પૂરું થયું ત્યારે તમામ જળાશયોમાં પાણીનો 56 ટકા જથ્થો હતો, જ્યારે આ વખતે અત્યારે જ વિવિધ જળાશયોમાં 60 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે."

    સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ

    શુક્રવાર સાંજથી સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, બોટાદ, ગીર જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.

    રાજકોટ


    રાજ્યમાં 11 લોકોનાં મોત

    રાજ્યમાં વરસાદને કારણે દીવાલ ધરાશાયી થવા કે અન્ય કારણને લીધે 11 લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદમાં 4, નડિયાદમાં 4, નિઝરમાં 1, કલોલ નજીક 1 અને અમરેલીમાં એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

    આર્મીની બે ટુકડી સૌરાષ્ટ્રમાં મોકલવામાં આવી

    સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદની આગાહી અને છેલ્લા 24 કલાકમાં પડેલા ભારે વરસાદને પગલે આર્મીની બે ટુકડી ત્યાં મૂકવામાં આવી છે. વડોદરા ખાતેથી એક ટુકડી રાજકોટ શહેરમાં રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત જામનગરમાંથી આર્મીની એક ટુકડી રાજકોટના ગ્રામ્ય વિસ્તારો માટે રવાના કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી રૂપાણીના કહેવા પ્રમાણે લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતે જે ડેમો રૂલ લેવલ સુધી પહોંચી ગયા છે તેમાંથી પાણી છોડવામાં આવશે.

    રાજ્યમાં એક પણ તાલુકો અછતગ્રસ્ત નહીં

    મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે અછતની જે ગાઇડલાઇન છે તેનાથી વધારે વરસાદ રાજ્યના તમામ 251 તાલુકાઓમાં પડ્યો છે. એટલે કે રાજ્યના 251 તાલુકામાં 125 મિલીમીટરથી વધારે વરસાદ નોંધાયો છે. શનિવાર સાંજ સુધી રાજ્યમાં સિઝનનો 80 ટકા વરસાદ પડે તેવી શક્યતા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, IMD, Vijay Rupani, ચોમાસુ

    આગામી સમાચાર