ફી નિયમન સમિતીએ અમદાવાદ ઝોનની વધુ 33 સ્વનિર્ભર શાળાઓની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. અમદાવાદ ઝોન દ્વારા ્મદાવાદમાં આવતા અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ સહિત અમદાવાદ જીલ્લો અને પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર જીલ્લાની વધુ 33 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી છે.
કમિટીએ જણાવ્યું છે કે, જે શાળાને પ્રોવિઝનલ ફી સંબંધિત વાંધો હોય તે એક અઠવાડીયામાં ફી નિયમન ઝોનલ કમિટી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસ્માએ જણાવ્યું હતું કે, 33 શાળાઓની નક્કી કરાયેલ પ્રોવિઝનલ ફીમાં જે તે શાળાએ કરેલ ફીની દરખાસ્ત સામે ઝોનલ કમિટીએ મંજૂર રાખેલ ફીની તૂલનામાં આ 33 શાળાઓમાં મહત્તમ રૂ. 700 થી રૂ. 46000નો નોંધપાત્ર ઘટાડો કરાયો છે.
જ્યારે અમદાવાદ શહેરની 5 શાળાઓએ કરેલ દરખાસ્ત સામે ફી નિયમન સમિતિએ, અમદાવાદ ઝોને મંજૂર કરેલ ફીની તૂલનામાં રૂ. 3460 થી 44500 સુધીનો ઘટાડો કર્યો છે. આ બાજુ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની 8 શાળાઓએ કરેલી દરખાસ્ત સામે મંજૂર કરાયેલ ફીની તૂલનામાં રૂ. 1850થી રૂ. 40000 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
મહેસાણા જીલ્લાની 2 શાળાઓમાં રૂ. 5600 થી રૂ. 46400 અને પાટણ જીલ્લાની 1 શાળામાં રૂ. 700 થી રૂ. 1100નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જ્યારે અરવલ્લી જીલ્લાની 5 શાળાઓમાં રૂ. 1000 થી રૂ. 26000નો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગર જીલ્લાની 12 શાળાઓમાં રૂ. 3405 થી 36500નો ઘટાડો કરવામાં આવ્યો છે તેવું શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્માએ જણાવ્યું છે.
આજ રીતે પહેલા સુરત ફી નિયમન ઝોનલ કમિટીએ 57 અને વડોદરા ફી નિયમન કમિટીએ 18 શાળાઓની પ્રોવિઝન ફી નક્કી કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અમદાવાદ ઝોનની 153 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવી હતી, આ સાથે વધુ 33 શાળાઓની પ્રોવિઝનલ ફી નક્કી કરવામાં આવતા હવે કુલ 186 શાળાઓની ફી ફી નિયમન કમિટી દ્વારા નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સુપ્રિમ કોર્ટના આદેશ બાદ કમિટી નીમવામાં આવી હતી, અને શાળાઓની ફી નક્કી કરવાની જવાબદારી તેમને સોંપવાની વાત કરી હતી, જોકે ફી મુદ્દે છેલ્લો નિર્ણય સુપ્રિમ કોર્ટ દ્વારા જ લેવામાં આવશે અને તે જ માન્ય રહેશે.