ન્યૂઝ18 ગુજરાતી : ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો મંગળવારથી પ્રારંભ થયો છે. જેમાં બજેટ પહેલા પ્રશ્નોતરીકાળ દરમિયાન સરકારે વિવિધ પ્રશ્નોના જવાબ રજૂ કર્યા હતા. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા વિવિધ આંકડાઓમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.
છેલ્લા એક વર્ષમાં રાજ્યમાંથી 2307 બાળકો ગુમ
રાજ્યમાંથી ગુમ થયેલા બાળકો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહે જણાવ્યું હતું કે બાળકો ગુમ થવાના મોટાભાગના કેસમાં પ્રેમ પ્રકરણ કારણભૂત છે. આ ઉપરાંત રાજ્યમાં બાળકોના અંગ કાઢી લેવાનું એક પણ કૌભાંડ સામે આવ્યું નથી.
સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા એક વર્ષમાં 2,307 બાળકો ગુમ થયા છે, જેમાંથી 1,804 બાળકો મળી આવ્યાં છે. કુલ બાળકોમાંથી 497 બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. જે બાળકો ગુમ થયા છે તેમાંથી મોટા ભાગના બાળકોની ઉંમર 14થી 18 વર્ષ છે.
શહેરના આંકડા તપાસીએ તો અમદાવાદમાંથી 431 બાળકો ગુમ થયા હતા, જેમાંથી 369 પરત ફર્યા છે. રાજકોટમાંથી 247 બાળકો ગુમ થયા હતા જેમાંથી 176 બાળકો પરત ફર્યા છે. 90 ટકા કેસમાં બાળકો ગુમ થવા પાછળ પ્રેમપ્રકરણ જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું હતું.
ન્યૂઝ18 ક્રિએટિવ
રાજકોટમાં મહિલાઓ અસુરક્ષિત
સરકારે જાહેર કરેલા આંકડાઓમાં 'બેટી બચાવો બેટી પઢાવો'ના સરકારના નારાના ધજાગરા ઉડતા હોય તેવી હકીકતો સામે આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટમાં જ મહિલાઓ અસલામત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2017 દરમિયાન રાજકોટમાં બળાત્કરાના 74 જ્યારે છેડતીના 68 બનાવો નોંધાયા છે. જ્યારે વર્ષ 2018માં બળાત્કારના 64 અને છેડતીના 39 કેસ નોંધાયા છે.
અમદાવાદ-ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારો
રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ અને ગાંધીનગરમાં બળાત્કારના કેસમાં વધારોથયો છે. વર્ષ 2017-18 માં અમદાવાદ શહેરમાં 131 કેસ નોંધાયો હતા, જેની સામે વર્ષ 2018-19માં 180 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં વર્ષ 2017-18 માં બળાત્કારના 12 કેસ નોંધાયા હતા, જે 2018-19માં વધીને 14 થયા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર