હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક 14 વર્ષની સગીરા ઘરે એકલી હતી ત્યારે પાડોશી (પરિવાર અગાઉ જ્યાં રહેતો હતો તે પાડોશી) શખ્સ ઘરમાં ઘૂસી ગયો હતો અને ધમકી આપીને શરીરના અલગ અલગ ભાગો પર ગેરકાયદે સ્પર્શ કરીને નાસી છૂટ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભોગ બનનાર પરિવારનો આક્ષેપ છે કે આરોપી સટ્ટાનો ધંધો કરતો હતો. અગાઉ ફરિયાદો થઇ હોવાની અદાવત રાખી તેણે આ હરકત કરી હતી.
મળતી માહિતી પ્રમાણે મેઘાણીનગરમાં આવેલી એક સોસાયટીમાં એક પરિવાર રહે છે. પીડિત સગીરાએ સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. આ પરિવાર પહેલા નરોડા રહેતો હતો ત્યારે આસીફ શેખ તેની બાજુમાં રહેતો હતો. સગીરાની માતાને માથાકૂટ થતાં જે તે સમયે તેણે આસિફ સામે ફરિયાદ કરી હતી.
ગત 20મી ઓગષ્ટના રોજ આસીફ સગીરાના ઘરે આવ્યો હતો તેની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેનું મોઢું દબાવી ધમકી આપી હતી કે તે તેને પત્ની બનાવીને ઉઠાવી જશે. બાદમાં આસિફે સગીરાને ચુંબન કરી તેની સાથે અડપલાં કરી ત્યાંથી ભાગી ગયો હતો. સગીરાનો પરિવાર ઘરે આવતા સગીરાએ તમામ હકીકત જણાવી હતી. આરોપી સટોડિયો હોવાથી સગીરાનો પરિવાર ડરી ગયો હતો અને આ મામલે પરિવારે આરોપી સામે મેઘાણીનગરમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર