ગાંધીનગર : રાજ્યની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. હવે આવતીકાલે એટલે કે 2 માર્ચને મંગળવારના રોજ પરિણામ જાહેર (gujarat Local Body elections results) થશે. આ તમામ બેઠકોની મતગણતરી માટે તંત્ર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. મતગણતરી કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સવારે 8 વાગ્યે પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે. તેની બાદ ઈવીએમથી મતની ગણતરી હાથ ધરવામાં આવશે.
રવિવારે યોજાયેલી 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજ્યના 31 જિલ્લા પંચાયતમાં 62.55 ટકા, તાલુકા પંચાયતમાં 63.52 ટકા અને નગરપાલિકામાં 55.10 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. રાજ્યમાં 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4,774 બેઠકો અને 81 નગરપાલિકાની 2,720 બેઠકો સહીત કુલ 8,474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.
આ પણ વાંચો - ગુજરાત સરકારના 13 મંત્રીઓ છે 60 વર્ષથી વધુ વયના, ક્યારે લેશે કોરોના વેક્સીન?
2015માં થયેલી ચૂંટણીની વાત કરવામાં આવે તો પાટીદાર આંદોલન વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયતોમાંથી 23થી વધુ જિલ્લા પંચાયતો કોંગ્રેસના ફાળે ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી. જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું. આ વખતે કોણ બાજી મારશે તેને આવતીકાલે ખબર પડી જશે.
Published by:Ashish Goyal
First published:March 01, 2021, 23:59 pm