રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો, કોંગ્રેસના સૂપડાં સાફ, સુરતમાં આપની એન્ટ્રી

રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો, કોંગ્રેસના સૂપડાં સાફ, સુરતમાં આપની એન્ટ્રી
રાજયની છ મહાનગરપાલિકામાં ભાજપનો કેસરિયો લહેરાયો

છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થય, કોંગ્રેસને 55 બેઠકો મળી, જ્યારે અન્યને 38 બેઠકો મળી

  • Share this:
    અમદાવાદ : છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયો છે. કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે. છ મનપાની કુલ 576 બેઠકો પરથી ભાજપનો 483 બેઠકો પર વિજય થયો છે. કોંગ્રેસને 55 બેઠકો મળી છે. જ્યારે અન્યને 38 બેઠકો મળી છે. જેમાં આમ આદમી પાર્ટીની 27 બેઠકનો સમાવેશ થાય છે. ભાજપે ગત ચૂંટણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2015ની ચૂંટણીમાં ભાજપે 389 પર જીત મેળવી હતી. કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં 174 બેઠક પર જીત મેળવી હતી. અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી AIMIM અને સુરતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પોતાની એન્ટ્રી નોંધાવી છે.

    અમદાવાદ : કુલ સીટ- 192, ભાજપ- 159, કોંગ્રેસ- 25, અન્ય 8



    અમદાવાદ મહાનગરપાલિકાની 192 બેઠકમાંથી ભાજપનો 159માં જ્યારે કોંગ્રેસનો 25 બેઠક પર વિજય થયો છે. તેમજ AIMIMની 7 અને અપક્ષની એક બેઠક પર જીત થઈ છે. આ પહેલા ભાજપનો 2005, 2010, 2015 અને હવે 2021માં ભવ્ય વિજય થયો છે.

    સુરત : કુલ સીટ- 120, ભાજપ- 93, કોંગ્રેસ- 00, આમ આદમી પાર્ટી- 27, અન્ય 08

    સુરતમાં 120 બેઠકોમાંથી ભાજપે 93 બેઠકો પર જીત મેળવી ફરી સત્તા મેળવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે અને તે એકપણ બેઠક જીતી શક્યું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીને લોટરી લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો જીતવા સફળ રહ્યું છે. સુરતમાં આમ આપ પાર્ટીના પ્રદર્શને બધાને ચોંકાવી દીધા છે.

    આ પણ વાંચો - ગુજરાતમાં જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- ગુજરાતની સેવા કરવી તે ગૌરવની વાત

    વડોદરા : કુલ સીટ- 76, ભાજપ- 69, કોંગ્રેસ- 07, અન્ય 00

    વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની સતત ચોથી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે. વડોદરાની 76 સીટોમાં 69 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસનો માત્ર 7 બેઠક પર વિજય થયો છે.

    રાજકોટ : કુલ સીટ- 72, ભાજપ- 68, કોંગ્રેસ- 04, અન્ય 00

    રાજકોટ મનપાના જંગમાં આ વખતે 72 બેઠકોમાંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી છે. ભારતીય જનતા પાર્ટીની આ થિયરીમાં રાજકોટ શહેરના અનેક નવયુવાનો જીત્યા છે. ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ફાળે 38 બેઠકો ગઈ હતી જ્યારે કોંગ્રેસ 34 બેઠકો જીત્યુ હતું. જોકે આ ચૂંટણીમાં ભાજપે 68 બેઠકો પર કબજો જમાવ્યો છે જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠક જીત્યુ છે.

    છ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામના તમામ સમાચાર માટે અહીં ક્લિક કરો

    જામનગર : કુલ સીટ- 64, ભાજપ- 50, કોંગ્રેસ- 11, અન્ય 03

    જામનગર મહાનગરપાલિકાની 60 સીટોમાંથી 50 બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. જ્યારે 11 બેઠક કોંગ્રેસ પાર્ટીના ફાળે ગઈ છે. ત્રણ બેઠક પર બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે. 2015ના વર્ષમાં જામનગર કોર્પોરેશનની 64 બેઠકમાંથી ભાજપના ફાળે 38 બેઠક આવી હતી. જ્યારે કોંગ્રેસના ફાળે 24 બેઠક ગઈ હતી. બે બેઠક અન્ય પક્ષના ફાળે ગઈ હતી.

    ભાવનગર : કુલ સીટ- 52, ભાજપ- 44, કોંગ્રેસ- 08, અન્ય 00

    ભાવનગર પાલિકામાં કુલ 52માંથી 44માં બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે 8 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. ભાવગરમાં 500થી પણ ઓછી લીડથી 3 ઉમેદવારો જીત્યા છે.
    Published by:Ashish Goyal
    First published:February 23, 2021, 22:07 pm