રાજકોટ : રાજકોટ (Rajkot)શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકાએ આપઘાત (Suicide)કરી લેતા પ્રેમિકાની માતા દ્વારા પ્રેમી (Lover)સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જ્યારે યુવક-યુવતી એકબીજાના પ્રેમમાં હોય છે ત્યારે અનેક વચનો આપી દેતા હોય છે. પરંતુ કોઇ કારણોસર જ્યારે પ્રેમ સંબંધ તૂટે છે. પ્રેમી પ્રેમિકા દ્વારા આપવામાં આવેલા વાયદાઓ તૂટે છે. ત્યારે ન માત્ર સંબંધ તૂટે છે પરંતુ વ્યક્તિ પણ ખુદ તૂટી જાય છે. ત્યારે આવું જ કંઈક બનાવ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન (Rajkot Police Station)વિસ્તારમાં આવેલા મોચી બજારમાં સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરના મોચી બજાર વિસ્તારમાં થોડા દિવસો પૂર્વે પાયલ સુરેશભાઈ વાઘેલા નામની યુવતીએ એસિડ પી આપઘાત કર્યો હતો. ત્યારે પાયલની માતા હંસાબેન દ્વારા પાયલના પ્રેમી આકાશ રમેશભાઇ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે. મૃતકની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાયલે આપઘાત પૂર્વે તેણીને જણાવ્યું હતું કે, તે અને આકાશ છેલ્લા બે-ત્રણ વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંને લગ્ન કરી આખી જિંદગી સાથે પણ રહેવાના હતા. પરંતુ આકાશે લગ્ન કરવાની ના પાડી હતી.
તેમજ કહ્યું હતું કે તું પણ અન્ય યુવાન સાથે લગ્ન કરી લે. જેના કારણે પાયલે આકાશને કહ્યું હતું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું સમાજમાં કોઇને મોઢું નહીં બતાવી શકું. તેમજ આખરે મારે મરવાનો વારો આવશે. ત્યારે આકાશે પાયલને કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા મને કોઇ જ ફર્ક પડતો નથી.
આ તમામ ઘટનાક્રમ બાદ પાયલે અનેક વખત આકાશને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ આકાશ સમજવાને બદલે મારી પુત્રી પાયલને માનસિક ત્રાસ આપતો હતો અને જેના કારણે મારી પુત્રીએ આત્મઘાતી પગલું ભરી લીધું છે. સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે પણ પાયલના પ્રેમીને ધરપકડ કરવા માટે પ્રક્રિયા હાથ ધરી છે.