રાજકોટ : રાજકોટની કુવાડવાની શિવધારા સોસાયટીમાં રહેતાં અને વાંકાનેર ચોકડીએ ભાવિન પાઉભાજી નામે દૂકાન ધરાવતાં નીતિનભાઇ કિશોરભાઇ દાવડાએ કુવાડવાના બસંત બહાર રિસોર્ટ પાસે ફિનાઇલ પીધું હતું. કુવાડવા સારવાર આપ્યા પછી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. જેના કારણે પરિવારજનોમાં કલ્પાંત સર્જાયો છે. બનાવની જાણ થતા કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
પરિવારજનોના કહેવા મુજબ નીતિનભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતા. સંતાનમાં બે પુત્રી છે. લોકડાઉનને કારણે પાઉભાજીનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી દેણું પણ થઇ ગયું હતું. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ટેન્શનમાં હતા અને ગઇકાલે આ પગલુ ભરી લીધું હતુ઼ં. મહત્વનું છે કે લોકડાઉન અને કોરોનાને કારણે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. તેમાં પણ ખાસ કરીને નાનાં અને મધ્યમ વર્ગના વેપારીઓને ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. લોકડાઉનના (lockdown) કારણે તેમજ મંદીને કારણે વિવિધ ક્ષેત્રમાં મુશ્કેલીઓ જોવા મળી છે. તેમાં પણ બપોર બાદના ધંધામાં ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે.
અગાઉ પણ મુશ્કેલીને કારણે અનેક વેપારીઓના આપઘાતના કિસ્સાઓ ગુજરાતભરમાંથી સામે આવ્યા છે. અગાઉ પણ રાજકોટમાં ત્રણથી ચાર નાના વેપારીઓ દ્વારા ધંધો ભાગી જવાને કારણે આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે.
રાજકોટમાં અગાઉ હેરસલૂનના એક ધંધાર્થીએ લોકડાઉનને કારણે ધંધો પડી ભાંગતા આપઘાત કર્યો હતો. ત્યારે હવે પાવભાજીના ધંધાર્થીએ પણ ધંધો ભાંગી જતા દેણું થઈ જતા આપઘાત કર્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર