રાજુલા: સિંહોના (Lion) સંવર્ધન માટે દર વર્ષે 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ (World lion Day) તરીકે ઉજવાય છે. આફ્રિકા અને એશિયાના (Asiatic lion) મર્યાદિત વિસ્તારમાં જ હવે સિંહો બચ્યા હોવાથી તેનું જતન અનિવાર્ય છે. ખાસ તો આફ્રિકાના સિંહો પર અનેક પ્રકારની આફતો છે. એ આફતો સામે સિંહો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આ વર્ષથી ૧૦મી ઓગસ્ટને ‘વર્લ્ડ લાયન ડે’ તરીકે ઉજવવાનું ઠરાવ્યું છે. આફ્રિકાન લાયન એન્ડ એન્વાયર્નમેન્ટલ રિસર્સ ટ્રસ્ટ નામના સંગઠને આ ઉજવણી નક્કી કરી છે. તો આજે આપણે જાણીએ કે, ગુજરાતના એક સિંહ સ્મારક અંગે.
સિંહનું સ્મારક બનાવ્યું
થોડા વર્ષો પહેલા રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક ટ્રેન નીચે સિંહો કપાઈને મરવાનો બનાવ બન્યો હતો. રેલવે લાઈન ક્રોસ કરતી વખતે બે સિંહણો પરથી માલગાડી ફરી વળી હતી. એ બે સિંહણ પૈકી એક તો ગર્ભવતી હતી. જેના ગર્ભમાં રહેલાં ૩ સિંહબાળ પણ જન્મતાં પહેલા જ કમોતને ભેટયા હતાં. એ દુર્ઘટના પછી નેચર ફાઉન્ડેશન ખાંભાના ભીખુભાઈ બાંટા તથા રાજુલાના અમરીશભાઈ ડેરે મળીને અહીં સ્મારક બનાવ્યુ છે.
સિંહોના અકસ્માતે મોત થયા હતાં ત્યાં જ સ્મારક જેવી ઓરડી તૈયાર કરી છે. ઓરડીમાં સિંહોના કમોતની વિગતો આપતી તકતી લગાવવામાં આવી છે. આ સાથે અન્ય દેવી-દેવતાઓના ફોટા પણ છે. દરમિયાન આ મંદિર બન્યુ ત્યાં જ કેટલાક પ્રકૃત્તિ પ્રેમીઓ તથા સિંહ ચાહકોએ ત્યાં નાળિયેર વધેરવા સહિતની માનતાઓ પણ શરુ કરી દીધી છે.
1800ની સાલ આસપાસ દુનિયામાં એશિયાઈ, આફ્રિકન અને બીજા મળીને કુલ બારેક લાખ સિંહો હતાં. બેફામ થતાં શિકાર અને ઘટતાં જંગલોને કારણે સિંહોની સંખ્યા ઘટતી ગઈ. સિંહોની કેટલીક પ્રજાતિઓ તો પુરેપુરી પણ નાશ પામી અને છેવટે આફ્રિકન અને એશિયાઈ એમ બે જ જાતના સિંહો બાકી રહ્યાં. 19મી સદીના મધ્યભાગ સુધીમાં આફ્રિકન સિંહો આફ્રિકા ખંડ પુરતાં મર્યાદિત થયા તો વળી એશિયામાં સિંહોનું રહેણાંક સંકોચાતા સંકોચાતા ગીર પુરતું સિમિત થઈ ગયું.