અક્ષયકુમાર જોષી, ચોટિલા: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા (Chotila) તાલુકામાં ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા (water Crisis) સર્જાતા પાંચથી વધુ ગામોના 300થી વધુ પરિવારોએ, હજારથી વધુ પશુઓ સાથે ગામ છોડી હિજરત કરી ગયાં છે. હાલ ગામમાં પાણીની ગંભીર સમસ્યાને લઇને મહિલાઓને પાણી માટે રઝળપાટ કરવાની નોબત આવી છે.
પરિવારો હિજરત કરીને આણંદ, નડીયાદ તરફ ગયા
સુરેન્દ્રનગર જિલ્લાને નર્મદાના નીરનો સૌથી વધુ લાભ મળ્યો હોવાની સરકાર દ્વારા ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. ત્યારે વાસ્તવિકતા કાંઇક જુદા જ દ્રશ્યો બતાવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના જસાપર , નાનયાણી, નાના કાંધાસર, સાંગાણી, રાજાવડ, નાની મોરસલ સહીતના ગામોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે. આ ગામોમાં બોર અને કુવાના પાણી તળીયે ચાલ્યા ગયા છે. જેનાં કારણે ઉનાળાની શરૂઆતમાં જ પાણીના પોકારો શરૂ થઇ ગયાં છે. જેને લઇને આ પાંચ ગામોના 300થી વધુ પરિવારો હિજરત કરી આણંદ, નડીયાદ અને ધોળકા તરફ ચાલ્યા ગયાં છે.
ગામ ખાલીખમ થયા
માલધારી સમાજના લોકોની રઝળપાટ
જેનાં કારણે ગામો ખાલીખમ લાગી રહ્યાં છે. ગામડામાં હોંશે હોંશે બનાવેલા પાકા મકાનો બંધ કરી માલધારી સમાજના લોકોને અન્ય ગામોમાં રઝળપાટ કરવાની નોબત આવી છે. તેમ છતાં તંત્રના સરકારી બાબુઆે કે રાજકારણીઓના પેટનું પાણી પણ નથી હલતુ. આ ગામોમાં મોટા ભાગના ઘરોમાં લોકો ઘર બંધ કરી સરસામાન સાથે હિજરત કરી ગયાં છે અને ઘરની બહાર આડા કાંટા મુકી પોતાના આશરાને છોડી ચાલ્યું જવુ પડ્યું છે.
'વરસાદ પછી જ ઘરે પાછા ફરીશું'
પરિવારોના જણાવ્યા પ્રમાણે, હવે સારો વરસાદ થયાં બાદ આ પરિવારો પોતાના ઘરે પાછા ફરશે. છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી આ સમસ્યા જેમની તેમ છે. ત્યારે તંત્ર દ્વારા આ મામલે કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ છે.
ગામ ખાલીખમ થયા
સુરેન્દ્રનગરમાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી ખાતે આવેલુ નર્મદા કેનાલનું પમ્પીંગ સ્ટેશન માત્ર ભારત જ નહી પરંતુ એશિયાનું સૌથી મોટુ પમ્પીંગ સ્ટેશન છે. જ્યાંથી નર્મદા કેનાલનું પાણી પમ્પીંગ કરી સૌરાષ્ટ્ર અને છેક કચ્છ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. બીજી તરફ ચોટીલા પંથકમાં ગામડાના લોકોને પાણી માટે હિજરત કરવાની નોબત આવી છે. હાલ આ ગામોમાં જે લોકો વસવાટ કરે છે તેમને પણ પાણી માટે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પાણીની સમસ્યા
ચાલીસ વર્ષથી છે આ સમસ્યા
જ્યારે નાનયાણી ગામની આસપાસ તો પીવાના પાણીનો કોઇ સ્ત્રોત જ ન હોવાથી ગામલોકોને નાછુટકે પૈસા ખર્ચીને પાણીના ટેન્કર મંગાવવા પડે છે. ચાલીસ ચાલીસ વર્ષથી પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા આ ગ્રામજનોને દર ચૂંટણીમાં નેતાઓ દ્વારા ઠાલા વચનોની લહાણી કરવામાં આવે છે પરંતુ પીવાના પાણી જેવી સુવિધા પુરી પાડવામાં પણ નેતાઓ અને સરકારી અધિકારીઓ ઉણા ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે.
" isDesktop="true" id="1194660" >
ગામો ઉજ્જડ થઇ ગયા
ત્યારે આ ગામમાં વસવાટ કરતા લોકોની જીંદગી તો પાણીના રઝળપાટમાં પુરી થઇ ગઇ છે પરંતુ તેમના બાળકોના ભવિષ્ય માટે થઇને સરકાર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે અને જો આગામી વર્ષોમાં પાણીની સુવિધા ન મળે તો આ ગામો હંમેશ માટે ઉજ્જડ કે વેરાન બની જાય તેવા એંધાણ પણ વર્તાઇ રહ્યાં છે.