વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યના અપહરણનો મામલો, કોંગ્રેસે પોલીસ પર આક્ષેપો કર્યા, સદસ્યના જમાઈએ વીડિયો વાયરલ કર્યો

વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્યના અપહરણનો મામલો, કોંગ્રેસે પોલીસ પર આક્ષેપો કર્યા, સદસ્યના જમાઈએ વીડિયો વાયરલ કર્યો
ફાઇલ ફોટો

ધારાસભ્ય પીરઝાદા અને કોંગ્રેસ આગેવાનોએ ડીવાયએસપીને લેખિત રજુઆત કરી પીએસઆઇ આર પી જાડેજાએ ભાજપને ટેકો આપ્યો હોવાનો આક્ષેપ કર્યો

 • Share this:
  અતુલ જોશી, મોરબી : વાંકાનેરમાં આઝાદી પછી તાલુકા પંચાયતની સત્તા ભાજપ તરફી પલડું ભારે છે. જેમાં વર્ષોથી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન ચાલ્યું આવે છે ત્યારે આઝાદી પછી પ્રથમ વખત વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપને 13 બેઠકો અને કોંગ્રેસને 11 બેઠકો મળી છે. જેને લઈને છેલ્લા એક સપ્તાહથી રાજકારણ ગરમાયું છે. બન્ને પક્ષ વચ્ચે કાંટે કી ટક્કર હાલ ચાલી રહી છે ત્યારે ગઈકાલે અરણીટીબા બેઠકના જીતેલા સદસ્ય સુરેશ બલેવિયાના જમાઈ અને દીકરીએ તેના પિતા અને સસરા ગુમ થયાની અરજી વાંકાનેર તાલુકા પોલીસમાં કરી હતી. જેના પગલે પોલીસે સુરેશભાઈને બોલાવી નિવેદનો લઈ તેના જમાઈને સોંપ્યા હતાં.

  જોકે આ બાબતે કોંગ્રેસે પોલીસ સામે આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા વાંકાનેર તાલુકા પીએસઆઇએ જ ભાજપને સોપી દીધા હોવાના આક્ષેપ કર્યા છે. વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા દ્વારા સદસ્યને બોલાવી ભાજપ આગેવાનોને સોંપી દીધા હોવાના આક્ષેપ કરતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જોકે પીએસઆઇ આર પી જાડેજાના જણાવ્યા અનુસાર પરિવારજનો દ્વારા સુરેશભાઈ ગુમ થયા હોવાની અરજી મળતા પોલીસે સુરેશભાઈને પોલીસ મથક નિવેદન માટે બોલાવ્યા હતા અને બાદમાં તેમના જ પરિવાર સાથે રવાના કરાયા હતા.  આ મામલે વાંકાનેર ધારાસભ્ય મહમદ પિરઝાદાની આગેવાનીમાં વિરોધ અને રજુઆત કરી હતી અને તો બીજી બાજુ ગુમ થયેલા અને જીતેલા સદસ્ય સુરેશભાઈનો દીકરી અને જમાઈ સાથે પોતાની ઇચ્છાથી ગયા હોવાનો વીડિયો મોડી સાંજે વાયરલ થયો હતો. તો સામે પક્ષે વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા તરફ અન્ય જ્ઞાતિઓ અને સામે કોંગ્રેસના વીડિયો વાયરલ થતા ભરેલા અગ્નિ જેવી સ્થિતિ થઈ ગઈ હતી. જેના પગલે મોરબી એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધીકા ભારાઈ સહિતના પોલીસ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉતારી અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે સ્ટેન્ડ બાય રાખી દેવાયા છે.

  આ પણ વાંચો - ગીર સોમનાથ : ગામડાનાં શિક્ષિત કપલે કાઠિયાવાડી સ્ટાઈલમાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું

  આજે કોંગ્રેસ ધારાસભ્ય મહમ્મદ પિરઝાદાની આગેવાનીમાં ડીવાયએસપી રાધિકા ભારાઈને લેખિત તેમજ મૌખિક રજુઆત કરી યોગ્ય પગલાં ભરવા રજુઆત કરાઈ છે. આ મામલે પોલીસે યોગ્ય કરવાની સાંત્વના આપતા મામલો થાળે પડ્યો છે. વાંકાનેર તાલુકા પંચાયતમાં હાલ ભાજપની 13 બેઠકો અને કોંગ્રેસની 11 બેઠકો છે ત્યારે આઝાદી પછી પ્રથમ વખત તાલુકા પંચાયતમાં ભાજપ આવતા રાજકારણ ચરમસીમાએ પહોચી ગયુ છે.

  આધારભુત સૂત્રોમાંથી મળતી વિગત મુજબ અપહરણના આક્ષેપ કરનાર સુરેશ બલેવિયા ભાજપમાં જોડાઈ અને ભાજપમાંથી ન્યાય સમિતિના ચેરમેન બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ તોડ જોડની નીતિમાં શું ભાજપ જીતેલી બાજી ટકાવી શકશે કે પછી કોંગ્રેસ આઝાદી પછી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે ? હાલ આ રાજકીય રમતમાં પોલીસના ખંભે બંદૂક ફોડવામાં આવતી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પણ કેમ્પઈન ચાલુ કરવામાં આવ્યું છે .
  Published by:Ashish Goyal
  First published:March 14, 2021, 17:49 pm

  ટૉપ ન્યૂઝ